અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે દેશના નાના રાજ્યો, વિકસી રહેલા પ્રેદેશોને મોટા રાજ્યો સમકક્ષ વિકાસ માટે એકજૂટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી નવી દિશા આપી છે. વિકાસની રાજનીતિ અને સૌને સાથે લઈને ચાલવાના વડાપ્રધાનના આ ઉદ્દેશ્યને એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસિસ, શ્રેષ્ઠત્તમ બાબતોના આદાન-પ્રદાનથી દેશના રાજ્યો પાર પાડી રહ્યા છે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં ગુજરાતના મુલાકાતે આવેલા કોમ્યુનિટી બેઇઝ્ડ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળ સાથેના વાર્તાલાપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યુ હતું.
અરૂણાચલ પ્રદેશનું આ ડેલિગેશન આદિજાતિ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધા વિકાસ, પ્રૂડન્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રે ગુજરાતે વિકાસના જે માનદંડોમાં અગ્રેસરતા મેળવેલી છે તેના નિરીક્ષણ-અભ્યાસ માટે ગુજરાતના પ્રવાસે આવેલું છે. અરૂણાચાલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તથા આરોગ્ય મંત્રી એલો લિબાંગના નેતૃત્વમાં આ ડેલિગેશનમાં કોમ્યુનીટી બેઇઝ્ડ ઓર્ગેનાઇઝેશન અરૂણાચલ પ્રદેશ ઇન્ડીજીનીયસ ટ્રાઇબ્સ ફોરમના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને નર્મદા જિલ્લામાં આદિજાતિઓના આર્થિક ઉત્કર્ષ માટેની વિવિધ પ્રવૃત્તિઓ પણ નિહાળી હતી. મુખ્યમંત્રીએ આ ડેલિગેશન સાથેના સંવાદમાં ઉમેર્યુ કે, વડાપ્રધાને વંચિત પ્રદેશોને વિકાસની ધારામાં લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. રોડ-રસ્તાની કનેક્ટિવીટી, આરોગ્ય સેવાઓ સરળતાએ ઉપલબ્ધ થયા છે. તેમણે ગુજરાત સાથે અરૂણાચલના સાંસ્કૃતિક અનુબંધનને ઊજાગર કરતા માધવપૂરના મેળાનો પણ આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગની જે ભાવના દેશના રાજ્યોમાં વિકસાવી છે તેમાં ગુજરાત-અરૂણાચલ પ્રદેશનો પરસ્પર સહયોગ નવું બળ પુરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. પ્રારંભમાં મુખ્ય સચિવ રાજકુમારે ડેલિગેશનને આવકારીને મુલાકાતનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે. પી. ગુપ્તાએ ગુજરાતના પ્રૂડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ અને બહુવિધ વિકાસ માટે નાણાં આયોજનની છણાવટ કરતું પ્રેઝન્ટેશન કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here