અરુણાચલમાં ચીની સેનાની ૭૫ કિમી. સુધી ઘૂસણખોરી

 

તાપિરઃ દેશના પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ચીની સેનાની ઘૂસણખોરીના સંકેત મળ્યા છે. રાજ્યના અંજાવ જિલ્લાના સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ચીની સેના ભારતીય સીમામાં ઘણા બધા કિલોમીટર સુધી દેશમાં ઘૂસી આવ્યા છે. ચાગલાગમ વિસ્તારમાં ચીની સેનાએ પથ્થરો પર મંદારિન ભાષામાં નિશાનો બનાવ્યાં છે અને ઐ વિસ્તાર પર પોતાનો કબજો હોવાનું જાહેર કરી દીધું છે. 

ચાગલાગમ વિસ્તાર અત્યંત દુર્ગમ જગ્યાએ આવેલો છે. આ વિસ્તારમાં પાકા રસ્તા પણ નથી બનાવવામાં આવેલા. જિલ્લા મુખ્યાલય હયુલિંગ સુધી પહોંચવા માટે સ્થાનિક લોકોને બે દિવસ સુધી પગપાળા ચાલીને જવું પડે છે. ભારત અને ચીન વચ્ચેની સીમાને મૈક મોહનલાઇન અલગ પાડે છે, પરંતુ ઘણી વખત મેક મોહનલાઇનને પાર કરીને ચીની સેના ઘૂસણખોરી કરી લેતી હોય છે, પરંતુ આ વખતે સ્થાનિક લોકો આ ઘૂસણખોરીને વધારે ચિંતાજનક માની રહ્યા છે. ભારત અને ચીનની સીમા નજીક આવેલા વિસ્તારોમાં ફરતા શિકારીઓએ અરુુણાચલ પ્રદેશના ચાગલાગમ વિસ્તારમાં ચીની ઘૂસણખોરો અને પથ્થરો પર મંદારિન ભાષામાં લખેલા સંદેશાઓની તસવીરો ખેંચી હતી. અન્ય એક અહેવાલ પ્રમાણે, માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરો ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની છે. આ તસવીરો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ચીની સેના અવારનવાર આ વિસ્તારમાં આવતી રહે છે. જોકે ભારતીય સેનાએ હજી સુધી કોઈપણ પ્રકારના ઘૂસણખોરીની પુષ્ટિ કરી નથી. આ તસવીરોની સત્યતાને પ્રમાણિત કરવા માટે જ્યારે સેના સાથે વાત કરી ત્યારે તેમણે આ મામલે કોઈપણ નિવેદન આપવાની ના પાડી દીધી. સીમાને અડીને આવેલા તાપિર ગામના રહેવાસીઓએ ચીની સેનાની ઘૂસણખોરીના મામલે કહ્યું હતું કે હવે એ દિવસો દૂર નથી, જ્યારે ચીની ઘૂસણખોરોને નજરઅંદાજ કરવા પર ભારતીય સેનાને પસ્તાવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here