અમેરિકી વિદેશનીતિ પર યહૂદીઓનો પ્રભાવઃ ચીની મીડિયાનો આક્ષેપ

 

તેલઅવીવઃ ઇઝરાયલ અને પેલસ્ટાઇન વચ્ચેના વર્તમાન સંઘર્ષને ઠારવા માટે ચીન અવારનવાર નિવેદન કરી રહ્યું છે. ત્યાંની  સમાચાર ચેનલ પણ આ સંધર્ષનું કવરેજ કરી રહી છે. દરમિયાન ઇઝરાયલે, ચીનની સરકારી ચેનલનો વિરોધ કર્યો છે. ચીનસ્થિત ઇઝરાયલી દૂતાવાસે સરકારી પ્રચારક સીસીટીવીની વિદેશી ચેનલ દ્વારા ગાઝા અને અન્ય સ્થળોએ ચાલતી હિંસા વિષે ચર્ચા સંબંધી કાર્યક્રમમાં ઘોર યહૂદી વિરોધનો આરોપ મૂક્યો છે અને એની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. 

દૂતાવાસે ટિવટમાં જણાવ્યું કે અમને આશા હતી કે દુનિયા પર યહૂદીઓનું રાજ લાદવા જેવા ષડયંત્રપૂર્ણ સિદ્ધાંતોનો સમય પૂરો થયો છે, પરંતુ કમનસીબે યહૂદી વિરોધ એક વાર ફરીથી એનો ભ્રષ્ટ ચહેરો લઇને સામે આવી રહ્યો છે. ચીનના એક આધિકારિક મીડિયા જૂથ દ્વારા વ્યક્ત કરાયેલા  ઘોર યહૂદી વિરોધને જોઇને અમે સ્તબ્ધ  છીએ. ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા એરેજ કાટ્જ વોલોવેલસ્કીએ જણાવ્યું કે દૂતાવાસ એના ટિવટરૂપે વધુ કંઇ કહેવા માગતું નથી અને એને હજી સુધી કોઇ જવાબ મળ્યો નથી. 

સીસીટીવી વિદેશી દર્શકો માટે એનું સંચાલન કરે છે જેમ કે રશિયાનું આરટી છે. સીજીટીએન ચેનલના પ્રસ્તુતકર્તા ઝેંગ જૂનફેગે મંગળવારે પ્રશ્ન કર્યો હતો કે ઇઝરાયલ માટે અમેરિકી સહયોગ શું સાચેસાચ સંપૂર્ણ લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. કેટલાક લોકો માને છે કે અમેરિકાની ઇઝરાયલ તરફી નીતિમાં અમેરિકા પર સંપન્ન યહૂદીઓનો પ્રભાવ અને અમેરિકી વિદેશનીતિ ઘડવૈયાઓ પર યહૂદીઓની લોબીનો પ્રભાવ દેખાય છે. 

ઝેંગે કહ્યું કે નાણા અને ઇન્ટરનેટ ક્ષેત્રે વર્ચસ્વ ધરાવતા યહૂદીઓ પાસે કેટલાક લોકો કહે છે એમ શક્તિશાળી લોબી છે? હોઇ શકે છે. ઝેંગે ફરી ચીનના સૌથી મોટા ભૂરાજનૈતિક હરીફ અમેરિકા પર, પશ્ચિમ એશિયામાં ઇઝરાયલનો, મોરચાબંધી માટે એક ચોકી રૂપે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો. સીસીટીવીએ એના વિષે તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી નથી. હવે જોવાનું એ રહે છે કે આ વિષે ચીન દ્વારા કશું જણાવાય છે કે સીસીટીવી એ વિષે શું સ્પષ્ટતા કરે છે?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here