અમેરિકાએ ઈરાન સામે ઓછી ક્ષમતાવાળો પરમાણુ બોમ્બ અને જહાજ તહેનાત કર્યાં

 

વોશિંગ્ટનઃ ચકચાર જગાવનાર કોરોના વાઇરસનો ભય સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેની પણ તંગદિલી વધી રહી છે. ઈરાન સાથે વધતી તંગદિલી વચ્ચે અમેરિકાએ પોતાના પરમાણુ ભંડારમાંથી એક નવું પરમાણુ શસ્ત્ર તહેનાત કરી દીધું છે. 

અમેરિકાએ ઓછી ક્ષમતા ધરાવતા ડબ્લ્યુ ૭૬-૨ નામના પરમાણુ બોમ્બને લાંબા અંતર સુધી ત્રાટકી શકે એવી મિસાઇલોની સાથે જહાજ પર તહેનાત કરવામાં આવ્યું છે. અમેરિકાના પરમાણુ શસ્ત્રાગારમાંથી છેલ્લા કેટલાક દાયકાઓમાં સામેલ કરવામાં આવેલું આ પ્રથમ શસ્ત્ર છે. 

અમેરિકાના આ પગલાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવાની દિશામાં ઘાતક શસ્ત્રો પર નિર્ભરતા ઘટાડવાના ભૂતપૂર્વ પ્રમુખ ઓબામા વહીવટી તંત્રની નીતિની વિદાય માનવામાં આવી રહી છે. 

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરમાણુ શસ્ત્રોમાં રસને ધ્યાનમાં રાખીને ૭૬-૨ને તહેનાત કરવામાં આવ્યું છે. નવાં શસ્ત્રોની તહેનાતીને સમર્થન  આપતાં અમેરિકાના સંરક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આનાથી અમેરિકન નાગરિકો વધુ સુરક્ષિત થશે, કારણ કે આનાથી પરમાણુયુદ્ધની શક્યતા ઘટશે. 

જોકે કેટલાક વિપક્ષી ડેમોક્રેટ નેતાઓએ આ પગલાની ટીકા કરતાં જણાવ્યું હતું કે આનાથી યુદ્ધનો ખતરો વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર ૨૦૧૯ના અંતિમ સપ્તાહમાં એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકી ટેનેસીથી આ તહેનાતીની શરૂઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here