અમલદારશાહી ‘જડ’ બની ગઈ છે : સુપ્રીમ કોર્ટ

 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટેે બુધવારે ભારે નારાજગી સાથે જણાવ્યું હતું કે, અમલદારશાહી ‘જડ’ બની ચૂકી છે અને કોઈ જાતના ફેંસલા જાતે લેવા માગતી નથી. ‘નોકરશાહી’ ઈચ્છે છે કે, બધું જ અદાલત કરે, આ ઉદાસીનતા છે અને માત્ર ઉદાસીનતા છે, તેવું ટોચની અદાલતે ગુસ્સાભર્યા સૂરમાં કહ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્નાના વડપણવાળી ખંડપીઠે નોકરશાહીને નિષિ્ક્રયતા બદલ ઠપકો આપતાં આવી ટિપ્પણી કરી હતી. એક ન્યાયાધીશ અને વકીલ તરીકે પણ હું લાંબા સમયથી જે જોઈ રહ્યો છું, તેના પરથી લાગે છે કે, અમલદારશાહીએ એક પ્રકારની જડતા વિકસિત કરી લીધી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. કોઈ કારને કેમ રોકવી, વાહન ક્યા સંજોગોમાં જપ્ત કરવું જોઈએ, આગ પર કાબૂ કેમ મેળવવો, અમલદારશાહી ઈચ્છે છે કે બધું જ અદાલતો કરે, તેવા પ્રહાર રમન્નાએ કર્યા હતા.