અમદાવાદ એરપોર્ટ પર એશિયાટિક સિંહોની પ્રતિકૃતિ

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક એરાઇવલ ટર્મિનલ બિલ્ડિંગમાં 11 હજાર ચોરસફૂટ વિસ્તારમાં સાસણગીરની અદ્દલ પ્રતિકૃતિ ‘ધ ગીર’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું અનાવરણ રાજ્યસભાના સાંસદ-રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસિડન્ટ પરિમલ નથવાણી અને લોકસભાના સાંસદ પરેશ રાવલના હસ્તે એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલની ઉપસ્થિતિમાં કરાયું હતું.
આ પ્રોજેક્ટમાં સાસણગીરમાં જોવા મળતાં સિંહ, ચિત્તા, કાળિયાર, ચિત્તલ, અજગરની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. સાસણગીરની જેમ જ એરપોર્ટમાં મુકાયેલી પ્રતિકૃતિમાં પણ સૂકા ઘાસનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃતિ પારદર્શી કાચની પેનલથી ડોમેસ્ટિક એરપોર્ટના ડિપાર્ચર-એરાઇવલ વિભાગમાંથી જોઈ શકાય છે. ઇન્ટરએક્ટિવ મિડિયા ઉપકરણથી ગીરના જંગલમાં સાંભળવા મળતી સિંહની ત્રાડ-પક્ષીઓના અવાજના કારણે ગીરના જંગલનું અસલ – તાદશ વાતાવરણ સર્જવામાં આવ્યું છે. આ પ્રતિકૃતિમાં નવ સિંહ તળાવમાં એકસાથે પાણી પીતા હોય તેવા વિખ્યાત ફોટોગ્રાફર સુલેમાન પટેલના અમર થઈ ગયેલા ફોટોની યાદ અપાવતી પ્રતિકૃતિ પણ જોવા મળે છે.
પરિમલ નથવાણીએ કહ્યું કે અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓ એશિયાટિક સિંહોના રહેઠાણની ઝાંખી પૂરી પાડવા ગીરની પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર આવ્યો છે.
દરમિયાન એરપોર્ટમાં ડિપાર્ચર લાઉન્જમાં મહાત્મા ગાંધીના જીવનની ઝાંખીને રજૂ કરતી ‘ઇ ક્લોક’નું લોકાર્પણ કરાયું હતું. સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે ભારતરત્ન એરવાઇસ માર્શલ જેઆરડી ટાટાએ અમદાવાદ એરપોર્ટ પર દેશમાં સૌપ્રથમ વાર વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતું. ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ અમદાવાદ એરપોર્ટ પર એવિયેશન મ્યુઝિયમ બનાવવા આવશે. આ મ્યુઝિયમ કેવા પ્રકારનું બનશે તેની ચર્ચા અંતિમ તબક્કામાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here