અમદાવાદમાં જાણીતા કવિ તેજસ દવેનું ‘મહેફિલ-૨’ કવિ સંમેલન યોજાયું

અમદાવાદઃ ગુજરાતના જાણીતા કવિ, સંચાલક, લીરિસિસ્ટ, આયોજક કવિ તેજસ દવે છેલ્લાં ઘણા વરસોથી સાહિત્ય કાવ્યસંગીત પર્વ નામની તેમની સંસ્થાના બેનર હેઠળ સાહિત્ય અને સંગીતના કાર્યક્રમોના આયોજનો સતત કરતાં રહે છે. તે નિમિત્તે ડિસેમ્બર મહિનાની ૧૧મી તારીખે તેમણે મહેફિલ-૨ ટાઇટલ નામથી એક સરસ કવિ સંમેલનનું આયોજન અમદાવાદ ખાતે કર્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા કવિઓ મુકેશ જોશી, ભાવિન ગોપાણી, તથા મિલિંદ ગઢવીએ શ્રોતાઓને કવિતાનો જલસો કરાવ્યો હતો. કોરોના બાદ તેજસ દવેનો આ બીજો ટિકિટ શો હતો. આ કાર્યક્રમ પહેલાં તેમણે મહેફિલ-૧ નામથી જ એક કવિ સંમેલનનું થોડાં મહિના પહેલાં આયોજન કર્યું હતું. આ બંને કાર્યક્રમમાં તેમને શ્રોતાઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. કવિસંમેલનની આ મીઠી સાંજે ‘ગુજરાત ટાઈમ્સ’ના દિગંત સોમપુરા, નાનુભાઈ, સુનિલ વૈદ્ય સ્થિત અનેક કલારસિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માટે, માં આનંદમયી ફાઉન્ડેશન, સુરેશચંદ્ર રાવલ, ડો. અમિષા રાવલ, ડો. હિતેશ રાવલ, શૈલેન્દ્રસિંહ વાઘેલા ‘બાપુ’નો વિશેષ સહયોગ રહ્યો હતો.
કવિ સંમેલનમાં કવિઓએ રજૂ કરેલી કવિતાઓના કેટલાંક અંશ અહી પ્રસ્તુત છે.
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યાં છો?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીયે જિંદગી બળ્યા છો?
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યાં છો?
આજે તારો કાગળ મળ્યો,
ગોળ ખાઈને દિવસ ઉગે
એવો દિવસ ગળ્યો.
આજે તારો કાગળ મળ્યો. – મુકેશ જોશી
કિનારા પર ઊભા રહીને
બધાં દરિયો જુએ છે પણ,
છે કોની આંખમાં દરિયો
તમે પૂછો તો હું કહું ને.
ગયોતો ઘેર હું એના
હું જેને ક્રિષ્ન માનું છું,
પછી કેવો પડ્યો ધક્કો
તમે પૂછો તો હું કહું ને. – ભાવિન ગોપાણી
એની આંખોમાં ઉર્દૂના કાફિયા,
એનાં હોઠો પર ફૂલોની ટોકરી,
એ જો માને તો કરવી છે આપણે,
એનો પાલવ પકડવાની નોકરી,
એક ગાલિબના શેર જેવી છોકરી. – મિલિંદ ગઢવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here