અભિનયને સમર્પિત મહાન અદાકારા શ્રી દેવીનો મુંબઈમાં  રાજકીય સન્માન  સાથે, ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે  અંતિમ સંસ્કાર -બોલીવુડના કલાકારો, પરિવારજનો અને લાખો પ્રશંસકોએ આપી  અશ્રુભીની આખરી વિદાય

0
1133
IANS

તમામ પ્રકારની  અનિવાર્ય કાનૂની કાર્યવાહી પૂરી કર્યા બાદ અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવારે મોડી રાતે ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. બુધવારે સવારે 9 વાગ્યાથી 12-30 સુધી તેમના પાર્થિવ દેહને તેમના લોખંડવાલા સ્થિત બંગલાની નજીક સેલિબ્રેશન કલબ ખાતે રાખવામાં આવ્યો હતો. જયાં હેમા માલિની, જયા બચ્ચન, શબાના આઝમી, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, વિદ્યા બાલન સહિત બોલીવુડની અનકે અભિનેત્રીઓ તેમજ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન થી માંડીને સંખ્યાબંધ નાના મોટા  કલાકાર કસબીઓ , દિગ્દર્શકો , નિર્માતાઓ અને ટેકનિશિયનો અને હજારો ચાહકોએ પોતાની પ્રિય અભિનેત્રીના અંતિમ દર્શન કરીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રીદેવીના પાર્થિવદેહને શ્ર્વેત, ખૂશ્બૂદાર મોગરાના પુષ્પોથી  સુશોભિત વાનમાં તેમની મનોહર તસવીર સાથે સ્મશાનગૃહ સુધી લઈ જવાયો ત્યારે તેમની અંતિમ યાત્રામાં  અનેક લોકો સામેલ થયાં હતા. તેમના પ્રશંસકોની ભીડ માર્ગમાં ઠેર ઠેર જામી હતી.  બોની કપૂર, તેમની પુત્રીઓ અને અર્જૂન કપૂર વગેરે વાનમાં સતત હાજર રહ્યા હતા. લાલ રંગની સોનેરી બોર્ડરવાળી કાંજીવરમની સાડી, કપાળમાં અને સંથામાં કુમકુમ , ડોકમાં સોનાની બોરમાળા સહિતના આભૂષણોથી સજ્જ શ્રીદેવીજીના પાર્થિવ દેહને નિહાળીને હજારો પ્રશંસકોની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. શ્રીદેવીની ઈચ્છા પ્રમાણે બધું જ જ શ્ર્વેત રંગથી સુશોભિત કરીને ગરરિમા સાથે દિવંગત અભિનેત્રીને આખરી વિદાય આપવામાં આવી હતી. વિલેપાર્લે સ્થિત સ્મશાનગૃહમાં ઢળતી સાંજે હિંદુ ધર્મ વિધિ સંપન્ન કર્યાબાદ બોની કપૂરે મુખાગ્નિ આપી હતી. એક મહાન  અને લોકપ્રિય અભિનેત્રીએ આ ફાની જગતના તખ્તાપરથી આખરી એક્ઝિટ લીધી

… તેમની મધુર સ્મૃતિ ફિલ્મ ઈતિહાસના પાને  અને કરોડો સિનેચાહકોના હૃદયમાં ચિરંજીવ રહેશે… ઓમ.શાંતિ…!