અત્યારનો સમય અસહમતિ વ્યક્ત કરવાનો નથીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

 

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સ્થિતિ પર કહ્યું કે આવનારા દિવસોમાં દિલ્હીમાં કોરોનાના કેસ હજુ વધશે. તેમણે સાથે કહ્યું કે દિલ્હીની તમામ હોસ્પિટલોમાં હવે કેન્દ્રના આદેશ મુજબ તમામની સારવાર થશે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આદેશનું પાલન થશે. અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ બાદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. 

કેજરીવાલે કહ્યું કે સોમવારે લ્ઝ઼પ્ખ્ની બેઠક થઈ હતી. ત્યાં સરકારે જે આંકડા રજુ કર્યાં તે દર્શાવે છે કે આવનારા સમયમાં દિલ્હીમાં કોરોના ખુબ ઝડપથી ફેલાશે. તેમણે કહ્યું કે ૧૫ જૂનના રોજ ૪૪૦૦૦ કેસ થઈ જશે. 

કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારે પહેલા દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની સારવાર કરવાની જાહેરાત કરી હતી જેને ઉપરાજ્યપાલે પલટી નાખ્યો. ઉપરાજ્યપાલે આદેશ આપ્યો કે દિલ્હીની દરેક હોસ્પિટલમાં બધાની સારવાર થશે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર અને એલજીએ આદેશ રદ કર્યો તો હવે જે નિર્ણય કેન્દ્રનો થયો તેને લાગુ કરાશે. હવે તેના પર કોઈ લડાઈ ઝગડો નહિ થાય. હું બધાને મેસેજ આપવા માંગુ છું કે કેન્દ્રના નિર્ણયને લાગુ કરવામાં આવશે. પડકાર છે, ખુબ મોટો પડકાર છે. 

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે કોરોના બોમ્બ ફૂટે તેને પહોંચી વળવા માટે મોટા પાયે તૈયારી કરવી પડશે. તેમણે કહ્યું કે ૧૫ જૂન સુધીમાં ૬૬૮૧ બેડની જરૂર છે. ૩૦ જૂન સુધીમાં ૧૫ હજાર બેડ, ૧૫ જુલાઈ સુધીમાં ૩૩ હજાર બેડ અને ૩૧ જુલાઈ સુધીમાં ૮૦ હજાર બેડની જરૂર પડશે. આ પડકાર ખુબ મોટો છે. 

તેમણે કહ્યું કે હાલ રાજકારણ રમવાનો સમય નથી. હું જોઉ છું કે ભાજપવાળા આપ સાથે અને આપવાળા કોંગ્રેસ સાથે લડી રહ્યાં છે. જો આપણે બધા પરસ્પર લડતા રહ્યાં તો કોરોના જીતી જશે. આપણે એકજૂથ થવાનું છે અને આપણે એક દેશ બનવાનું છે. જ્યાં સુધી બધા મળીને નહિ લડે ત્યાં સુધી આપણે કોરોનાને હરાવી શકીશું નહિ. બધી સરકારો, બધી સંસ્થાઓ, પાર્ટીઓએ મળીને કોરોનાને હરાવવાનો છે. આપણે એકજૂથ થઈ જઈએ તો કોરોનાને હરાવી દઈશું. 

વધુમાં તેમણે કહ્યું કે કોરોના વિરુદ્ધ જંગમાં બધાએ મળીને લડવું પડશે. આપણે બધાને કોરોનાથી બચાવવાના છે. હવે તેને જન આંદોલન બનાવવાનું છે. માસ્ક પહેરીને ઘરમાંથી બહાર નીકળવાનું છે, વારંવાર હાથ ધોવાના છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે. આપણે એ પણ જોવાનું છે કે જો કોઈ ન કરે તો તેને હાથ જોડીને વિનંતી કરવાની. 

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે હવે દિલ્હીની હોસ્પિટલોમાં બધાની સારવાર થશે. અહીં ૩૧ જુલાઈ સુધીમાં લગભગ ૧.૫ લાખ બેડની જરૂર પડશે. તેમણે કહ્યું કે હું હવે પોતે ગ્રાઉન્ડ સ્તરે ઉતરીશ. સ્ટેડિયમ, બેન્ક્વેટ હોલ અને હોટલને તૈયાર કરવા પડશે. અમારી પ્રમાણિક કોશિશ રહેશે. કોઈ કમી નહિ રહે. આ આફત એટલી મોટી છે, માનવ જાતિના ઈતિહાસમાં આટલી મોટી આફત ક્યારેય નથી આવી. હું પાડોશી રાજ્યોને પણ વિનંતી કરું છું કે તેઓ ત્યાં દર્દીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરે જેથી કરીને ઓછામાં ઓછા લોકોને દિલ્હી આવવાની જરૂર પડે. 

તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ૮ દિવસમાં ૧૯૦૦ બેડ મળ્યા છે. જ્યાં ૧૫૦ લોકોએ બેડ માટે ધક્કા પણ ખાવા પડ્યાં. મારી ટીમ એક એક કેસ પર ધ્યાન આપે છે. અમે દરેક કમીમાંથી શીખવાની કોશિશ કરીએ છીએ. અમે સિસ્ટમમાં કમીને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. અમે પરફેક્ટ નથી. બધુ ઠીક નથી. ઘણી કમીઓ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here