અણગમાને અતિક્રમે તે અવ્વલ!

0
1102

આજના માણસ માટે સૌથી વિકટ સમસ્યા કઈ?

દરેક વ્યક્તિ આ પ્રશ્નના અલગ-અલગ ઉત્તર આપશે, પરંતુ કોઈ એક જ જવાબ આ માટે શોધવો હોય તો અચૂકપણે કહી શકાય કે ‘અણગમાના આક્રમણને કઈ રીતે ખાળવું?’ એ આજનો વિકટ પ્રશ્ન છે! તમને કદાચ આશ્ચર્ય થશે, પણ આજે ચોતરફ જે એકવિધતા છે, સ્થગિતતા છે કે જે અરાજકતાનો માહોલ છે એમાંથી જે સામાન્ય લક્ષણ માણસને પજવે છે, એ અણગમો છે. જે મુખ્યત્વે કંટાળાનું ફરજંદ છે. આજનો માણસ ટોળાની શૂન્યતા છે, ભીડમાં ભૂલો પડેલો એકલવીર છે, કોલાહલ તેને ગમતો નથી, એકાંતને એ માણી શકતો નથી. યુદ્ધ કરી શકતો નથી, બુદ્ધને આત્મસાત્ કરી શકતો નથી. પ્રગતિની હરણફાળ ભરી અવકાશમાં કરોડો માઈલની છલાંગ મારનારો માણસ એકબીજાના મન સુધીના અંતરને માપી શક્યો નથી. એક કવિએ સુંદર રીતે આનું બયાન કર્યું છે ઃ

ન ધરા સુધી, ન ગગન સુધી
નહિ ઉન્નતિ ના પતન સુધી
બસ આપણે તો જવું હતું
ફક્ત એકમેકના મન સુધી.

કવિએ ‘ફક્ત’ શબ્દથી રાખેલી અપેક્ષા વાસ્તવમાં એટલી સરળ નથી. માણસનું મન જે તેના હૈયાનું પ્રવેશદ્વાર છે એ તમામ સુખોના ‘ગેટ-વે’ જેવું સ્થાન છે. કોઈકના મનને જીતવું કે પ્રસન્ન કરવું એ જેવી તેવી સિદ્ધિ નથી. માણસ બુદ્ધિ અને બળના સહારે નિતનવા મોરચા સર કરે છે. નાનકડો માનવ બ્રહ્માંડમાં સફર કરવા ચંદ્ર ઉપર ઊતરીને એક વિરાટ કદમ ભરે છે. અવનવી શોધો, સાયન્સ અને ટેક્નોલોજીના વિકાસ થકી પળવારમાં પૃથ્વીના કોઈ પણ છેડે પહોંચી જાય છે. જગતમાં કોઈ પણ જગ્યાએ બેઠેલી વ્યક્તિ સાથે પળભરમાં ‘ચેટ’ કરી શકે છે, ‘લાઇવ મેસેજ’ની આપલે કરી શકે છે, ‘વિડિયો કોન્ફરન્સ’થી સમૂહચર્ચા કરી શકે છે, આ બધું આમ જોઈએ તો તેના વૈતરા અથવા શ્રમ આધારિત અગવડોમાંથી મુક્તિના આનંદરૂપ બનવું જોઈએ, પરંતુ આજે જે સ્વરૂપે માણસને આપણે જોઈએ છીએ એ માણસ ‘ઘાયલ’ના શબ્દોમાં ઃ

આ નર્યો હાડચામનો માણસ
એટલે દોડધોમનો માણસ
જોતજોતાંમાં થઈ ગયો ગુમરાહ
ખૂબસૂરત મુકામનો માણસ!

માણસે પ્રગતિ કરીને ઘણું બધું મેળવ્યું છે, પરંતુ ગુમાવી છે તેના મનની શાંતિ! આ એક જ ચીજ ગુમાવવાના કારણે પણ તેની સ્થિતિ ‘ગઢ આલા પર સિંહ ગેલા’ જેવી થઈ છે. ચિત્તની પ્રસન્નતાનું શું મહત્ત્વ હોઈ શકે એ આજના માણસને બરાબર સમજાઈ રહ્યું છે. અન્નનાં ગોદામોનો માલિક બે રોટલી ખાવા માટે દવાઓનો સહારો શોધે છે! ફ્લાઇટની આરામદાયક મુસાફરીથી પણ તેને થાક લાગે છે, એ.સી. ચેમ્બરમાં પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. ઘણી વાર એવું થાય છે કે ઓછી સુખસગવડો થકી એ વધારે સુખી હતો. વિરોધાભાસી લાગતી આ વાત આજના વ્યસ્ત માણસને જોયા પછી તદ્દન સાચી લાગે છે.
માણસની પ્રગતિનું પરિણામ જો આવું જ હોય, એમાંથી એને કંટાળો અને ત્રાસ જ મળતો હોય તો એણે પોતાની દિશા કેવી રાખવી એ મહત્ત્વની બાબત બની જાય છે. માત્ર અર્થોપાર્જન અને દેખાદેખીના માપદંડોથી કરવામાં આવતી પ્રવૃત્તિ લાંબા ગાળે બોઝિલ બની જાય છે. માણસ મૂળભૂત રીતે બુદ્ધિથી જીવતું પ્રાણી છે. તેના અસ્તિત્વમાં તે મુખ્ય હોઈ શકે, પરંતુ લાગણી અને સાર્થકતા જેવી બાબતો પણ એટલી જ મહત્ત્વની છે. જો વિવેક અને સદ્બુદ્ધિ થકી પોતાના સુખને એ સર્વવ્યાપી બનાવે તો તેને પોતાને મળેલા સુખની સાચી અનુભૂતિ થાય છે. વિજ્ઞાનના કારણે મળતી ઉપલબ્ધિઓની સાથે સાહિત્ય અને કળાની સંગત, નિર્વ્યાજ સંબંધો અને સમાજ પ્રત્યેની જવાબદારીમાંથી આંતરિક આનંદ મળે છે, જે ભૌતિક જગત સાથેના તેના સંબંધોને વધારે ઉષ્માભર્યો બનાવે છે. સુખ એ કેવળ સુવિધાઓમાંથી મળતું નથી. સંતોષ અથવા મનની પ્રસન્નતા એ એના સિવાયની બાબતો ઉપર પણ નિર્ભર છે, એ પાયાની બાબત જો આપણે સમજીએ તો આધુનિકતામાંથી આવેલા અણગમાને અતિક્રમી જવાનું ઘણું આસાન થઈ પડે છે!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here