અઢારમો એશિયાઈ રમતોત્સવ

અઢારમો એશિયન રમતોત્સવ દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારત અને પેસિફિક મહાસાગર વચ્ચે આવેલા વિશ્વના સૌથી મોટા ટાપુઓના દેશ ગણાતા ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને પાલેમ્બંગના સંયુક્ત યજમાનપણા હેઠળ 18મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી યોજાઈ રહ્યો છે.
13,000થી વધુ ટાપુઓનો દ્વીપસમૂહ એટલે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા ઓસ્ટ્રોનેશિયન અને મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. ઇન્ડોનેશિયા કુલ 34 પ્રાંતો ધરાવતો, વિપુલ પ્રાકૃતિક સંસાધનોવાળો દેશ છે. ભીનેકા તુગ્ગલ ઇકા એટલે કે વિવિધતામાં એકતાવાળા દેશમાં 700થી વધુ રિજિયોનલ લેન્ગ્વેજ છે, જેમાં મુખ્યત્વે ઇન્ડોનેશિયન અને જપાનીઝ સૌથી વધુ બોલાતી ભાષા છે.
વિશ્વની સૌથી લાંબી બસ રેપિડ ટ્રાન્ઝિટ પ્રણાલી ધરાવતા જકાર્તામાં 1962 પછી બીજી વખત એશિયન રમતોત્સવ ઊજવાઈ રહ્યો છે. 1962માં જકાર્તામાં ચોથો એશિયન રમતોત્સવ 24મી ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધી યોજાયો હતો. એ વખતે 17 દેશોના 1460 સ્પર્ધકોએ 13 રમતોની 120 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. યજમાન ઇન્ડોનેશિયાએ 11 ગોલ્ડ, 12 સિલ્વર અને 28 બ્રોન્ઝ સાથે કુલ 51 મેડલ મેળવીને જાપાન (73 ગોલ્ડ) પછી દ્વિતીય સ્થાન મેડલ ટેલીમાં મેળવ્યું હતું. આ પછી 56 વર્ષ પછી પુનઃ જકાર્તા અને જકાર્તા સાથે સાથે એમ્પારા બ્રિજ અને પેમ્પેક નામના ફૂડથી વિખ્યાત એવા પાલેમ્બંગની સહયજમાનીમાં પ્રથમ વાર એશિયાઈ રમતોત્સવ યોજાઈ રહ્યો છે. પાલેમ્બંગ એક વખત શ્રીવિજયની રાજધાની હતું.
સમૃદ્ધ સંસ્કૃતિ અને રાંધણકલા સાથે અનેક ઐતિહાસિક સીમાચિહ્નો ધરાવતું પાલેમ્બંગ ઇન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રા પ્રાંતનું શહેર છે. સુમાત્રા પ્રાંતમાં બીજા ક્રમનું અને ઇન્ડોનેશિયામાં નવમું સૌથી વધુ વસતિ ધરાવતા શહેર પાલેમ્બંગમાં 2011ની દક્ષિણ પૂર્વ એશિયન ગેમ્સ યોજાઈ હતી, જેમાં યજમાન ઇન્ડોનેશિયા 182 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું.
મુસી નદી પર વિકસેલા શ્રીવિજય કિંગ્ડમ આર્કિયોલોજિકલ પાર્ક અને કુટો બેસક ફોર્ટથી વિખ્યાત એવા પાલેમ્બંગમાં જકાબેરિંગ સ્પોર્ટ કોમ્પ્લેક્સ, જકાબેરિંગ લેક, ડોલોરો શ્રીવિજયા સ્ટેડિયમ, જકાબેરિંગ બાઉલિંગ સેન્ટર જેવા વિવિધ સ્ટેડિયમો અને સેન્ટર પર વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે ત્યારે આ પાલેમ્બંગ રમતજગતમાં પુનઃ ઝળહળી ઊઠશે.
45 દેશઃ અઢારમો એશિયાઈ રમતોત્સવ 18મી ઓગસ્ટના રોજ સૌપ્રથમ વાર બે શહેરો જકાર્તા અને પાલેમ્બંગના સહયજમાનપણા હેઠળ યોજાશે, જેમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના મેમ્બર એવા 45 દેશો આ રમતોત્સવમાં ભાગ લેશે. છેલ્લાં બાર વર્ષથી એશિયાઈ રમતોત્સવમાં 45 જેટલા દેશો ભાગ લઈ રહ્યા છે. આ વખતે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા કેટલીક રમતોની સ્પર્ધામાં યુનિફાઇડ ટીમ તરીકે ભાગ લેવાનાં છે.
40 રમતો, 462 સ્પર્ધાઃ અઢારમા એશિયાઈ રમતોત્સવમાં કુલ 40 રમતોની 462 જેટલી સ્પર્ધાઓ યોજાશે, જે એશિયાઈ રમતોત્સવના ઇતિહાસમાં 2010ના ગુઆંગઝુમાં યોજાયેલા સોળમા રમતોત્સવ પછી સૌથી વધુ રમતો અને સ્પર્ધાનો રમતોત્સવ ઇન્ડોનેશિયામાં યોજાઈ રહ્યો છે. 2010માં સૌપ્રથમ વખત 42 રમતોની 476 સ્પર્ધાઓ ગુઆંગઝુમાં રમાઈ હતી.
આ વખતની રમતોની સ્પર્ધામાં બાસ્કેટબોલમાં 3હ્3 બાસ્કેટબોલ અને સાઇકલિંગમાં બીએમએક્સ ફ્રીસ્ટાઇલ નવી સ્પર્ધા તરીકે રમાશે, જે 2020ના ઓલિમ્પિકમાં રમાવાની છે તેમ જ આ વખતે એશિયાઈ રમતોત્સવના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ઇસ્પોર્ટ્સ (ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ) અને કેનોઇ પોલો ડેમોન્સ્ટ્રેશન સ્પોર્ટ તરીકે રમાનાર છે, જે ખરેખર નવું જ આકર્ષણ બની રહેશે. રમતોમાં એક્વેટિક્સ (ડાઇવિંગ, સ્વિમિંગ, આર્ટિસ્ટિક સ્વિમિંગ, વોટરપોલો), આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બેઝબોલ (બેઝબોલ સોફ્્ટબોલ) બાસ્કેટબોલ બોલિંગ, બોક્સિંગ, બ્રિજ કેનોઇંગ (ડ્રેગોનબોટ, સ્લાલોમ સ્પ્રિન્ટ) સાઇકલિંગ (બીએમએક્સ, માઉન્ટેઇન બાઇક રોડ, ટ્રેક) એક્વેસ્ટ્રેઇન (ડ્રેસેજ, ઇવેન્ટિગ, જમ્પિંગ) ફેન્સિંગ, ફિલ્ડ હોકી ફૂટબોલ, ગોલ્ફ, જિમ્નાસ્ટિક્સ (આર્ટિસ્ટિક, રિધમિક, ટ્રામ્પોલાઇન) હેન્ડબોલ, જેટ સ્કી, જુડો, કબડ્ડી, કરાટે, માર્શલ આટ્઱્સ (જુજિત્સુ, કુર્શ, પેન્કાકસાલ્ટ, સામ્બો, યુશુ) મોર્ડન પેન્ટાથ્લોન, પેરાગ્લાઇડિંગ, રોલર સ્પોર્ટસ (ઇનલાઇન સ્પીડ સ્કેટિંગ, સ્કેટ બોર્ડિંગ) રોઇંગ, રગ્બી સેવન્સ, સેઇલિંગ, શૂટિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, સ્ક્વોશ, ટેબલ ટેનિસ, ટેઇકવોન્ડો, ટેનિસ, (ટેનિસ, સોફ્ટ ટેનિસ) ટ્રાયથ્લોન, વોલીબોલ (બીચ વોલીબોલ, ઇન્ડોર વોલીબોલ) વેઇટ લિફિ્્ટંગ અને રેસલિંગનો સમાવેશ થાય છે.
એથ્લેટ્સ વિલેજઃ અઢારમાં એશિયાઈ રમતોત્સવમાં કુલ 45 જેટલા દેશોમાંથી 10,000થી વધુ એથ્લેટ્સ જકાર્તામાં પધારશે. આ બધા એથ્લેટ્સને રહેવા માટે જકાર્તામાં કેમેરોન વિસ્તારમાં આવેલ 10 હેક્ટરમાં એથ્લેટ્સ વિલેજ તૈયાર કરવામાં આવ્યું છે. એથ્લેટ્સ વિલેજમાં 10 ટાવર્સ બાંધવામાં આવ્યાં છે, જેમાં કુલ 7424 એપાર્ટમેન્ટ છે. એથ્લેટ્સ વિલેજનું બાંધકામ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સ્ટાન્ડર્ડ પ્રમાણે કરવામાં આવ્યું છે, જ્યાં વધુમાં વધુ 22,272 એથ્લેટ્સને રાખી શકાય તેવી સગવડ રાખવામાં આવી છે, જ્યારે પાલેમ્બંગમાંના જકાબેરિંગ સ્પોર્ટ સિટીની અંદર પણ એથ્લેટ્સ વિલેજ બનાવ્યું છે, જ્યાં 3000 જેટલા એથ્લેટ્સ અને ઓફિશિયલ્સ રહી શકશે.
બજેટઃ આવડા મોટા રમતોત્સવ માટે બજેટ પણ ખૂબ મોટું રાખવું પડતું હોય છે. આ અઢરામા એશિયાઈ રમતોત્સવ માટે 3.2 અબજ ડોલર અંદાજવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 224 મિલિયન ડોલરનું બજેટ રમતો તૈયાર કરવા પાછળ ફાળવ્યું છે. સ્પોન્સરશિપ દ્વારા 450 મિલિયન ડોલરની આવક મેળવાય છે.
મેસ્કોટઃ કોઈ પણ રમતોત્સવમાં મેસ્કોટ ખૂબ મહત્ત્વનો હોય છે. ઘણા બધા રમતોત્સવ મેસ્કોટથી વધુ પ્રખ્યાત થતા હોય છે અને યાદ પણ રહેતા હોય છે. 1981માં જ્યારે એશિયાઈ રમતોત્સવ યોજાયો ત્યારે તેનો મેસ્કોટ અપ્પુ યાને હાથીનું બચ્ચું હતું, જે આજે પણ યાદ આવે છે. આ અઢારમા રમતોત્સવનું મેસ્કોટ ભીન ભીન, અતુંગ અને કાકા છે. ભીન ભીન સ્વર્ગનું સૌથી મોટું – ગ્રેટર બર્ડ છે, અતુંગ હરણ છે અને કાકા એ જાવાનો ગેંડો છે. આમ આ ત્રણેય ઇન્ડોનેશિયાના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ વિસ્તારો અને વ્યૂહરચના, ઝડપ અને તાકાતનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક મેસ્કોટ જુદાં જુદાં કપડાં પહેરે છે. ભીન ભીન અસ્મત પેટર્નની ડિટેલ દર્શાવતું વેસ્ટ પહેરે છે. કાકા ફૂલની પેટર્ન સાથે પાલેમ્બંગનો પરંપરાગત પોશાક પહેરે છે, જ્યારે અતુંગ જકાર્તાના બાટિકની પેટર્ન સાથે સારોંગ પહેરે છે.
લોગો અને મેસ્કોટ 28મી જુલાઈ, 2016ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. લોગો એશિયાના દેશોના જોડાણનું ઉત્તમ પ્રતીક રજૂ કરે છે. પ્રતીકનું નામ ગેલારા બંગ કર્ણ સ્ટેડિયમ પર રાખવામાં આવ્યું છે, જે એશિયન દેશો વચ્ચે એકતા દર્શાવે છે.
મેડલ-ડિઝાઇનઃ ઇન્ડોનેશિયા એશિયા ગેમ્સ ઓર્ગેનાઇઝેશન કમિટીએ મેડલ ડિઝાઇન પ્રકાશિત કરી છે એ પ્રમાણે મેડલમાં એશિયન ગેમ્સ લોગો અને ઇન્ડોનેશિયાની તમામ પ્રાંતોની બાટિક શૈલી દર્શાવવામાં આવી છે, જે ઇન્ડોનેશિયાની સાંસ્કૃતિક વિવિધતા અને તેમની એકતાને પ્રતિબિંબિત કરે છે. સાંસ્કૃતિક વિવિધતા ઉપરાંત બાટિકપ્રધાન પણ 18મી એશિયન ગેમ્સમાં ભાગ લેનાર વંશીય, ધાર્મિક અને વંશીય એશિયન સમુદાયોની વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.
સોંગ્સઃ એનર્જી ઓફ એશિયા નામનું ઓફિશિયલ મ્યુઝિક આલબમ 13મી જુલાઈ, 2018ના રોજ બહાર પડ્યું, જેમાં 13 ગીતોનો સમૂહ છે. આલબમ 48 મિનિટનું છે. તે ઇન્ડોનેશિયન અને અંગ્રેજીમાં અબ્દી નેગારા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ટોર્ચ રિલેઃ એનર્જી ઓફ એશિયાના મોટોવાળા અઢારમા એશિયાઈ રમતોત્સવની ટોર્ચ યાને મશાલ 15મી જુલાઈ, 2018ના રોજ જ્યાં પ્રથમ એશિયાડ રમાયો હતો એ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં પ્રજ્વલ્લિત કરાઈ હતી અને ત્યાંથી પ્રસ્થાન કરાવતાં તે એશિયાનાં 54 શહેરો અને યજમાન ઇન્ડોનેશિયાના 18 પ્રાંતોમાં ફરતી ફરતી બરાબર 17મી ઓગસ્ટ, 2018ના રોજ જકાર્તામાં પધારશે, જ્યારે ઇન્ડોનેશિયા તેની સ્વતંત્રતાની 73મી વર્ષગાંઠ (17-8-1945)ની રંગેચંગે ઉજવણી કરતું હશે. ઇન્ડોનેશિયાના ફાઉન્ડિંગ ફાધર અને પ્રથમ રાષ્ટ્રપતિ એવા સુકર્ણો અને મોહમ્મદ હટ્ટાએ 17મી ઓગસ્ટ, 1945ના રોજ સ્વતંત્રતાની જાહેરાત કરી હતી, જેની ભવ્ય ઉજવણી આ એશિયાઈ રમતોત્સવના પ્રારંભથી થશે.
સુરક્ષા – સાવધાનીઃ જકાર્તામાં સૌથી મોટો પ્રશ્ન ખરાબ ટ્રાફિકનો છે. અહીં સતત ટ્રાફિક રહે છે અને તે પણ અસ્તવ્યસ્ત. આ ટ્રાફિકને કન્ટ્રોલ કરવા ખાસ કોલેજના વિદ્યાર્થીને તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ લેન સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. ટ્રાફિકની સાથોસાથ ત્રાસવાદી હુમલાઓનો ભય છે. સુરબાયામાં શ્રેણીબદ્ધ ત્રાસવાદી હુમલાઓ થયા હતા અને ડઝનેક લોકો માર્યા ગયા હતા એટલે બોમ્બ સ્ક્વોડ અને સ્નાઇપર ટુકડીઓ સહિત આશરે 10,000 સુરક્ષા કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. ત્રીજો ચિંતાજનક પ્રશ્ન પ્રદૂષણનો છે. ટ્રાફિક અને વાહનોની અવ્યવસ્થાના કારણે બિનઆરોગ્યપ્રદ હવામાન છે. પ્રદૂષિત હવામાન અને પ્રદૂષિત નદીઓ – આ રમતોત્સવ માટે ખૂબ ચિંતાનો વિષય છે. તેને કન્ટ્રોલ કરવા શ્રેષ્ઠ પ્રયત્નો થઈ રહ્યા છે.
સ્ટેડિયમઃ અઢારમો એશિયાઈ રમતોત્સવ યજમાન ઇન્ડોનેશિયાનાં જકાર્તા અને પાલેમ્બંગ – આ બે શહેરોમાં આવેલાં સ્ટેડિયમોમાં રમાશે. જકાર્તામાં આવેલા ગેલોરા બુંગ કર્ણો એ મુખ્ય બહુહેતુક સ્ટેડિયમ છે, જ્યાં ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની યોજાવાની છે તે આ સ્ટેડિયમનું નામ ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો પરથી આપવામાં આવ્યું છે. જ્યાં મોટા ભાગે ફૂટબોલની મેચો રમાય છે, જ્યારે 1962માં આ સ્ટેડિયમ ખુલ્લું મુકાયું ત્યારે તેની ક્ષમતા 1,10,000 બેઠકોની હતી. આજે 88,083ની ક્ષમતા સાથે વિશ્વનું સાતમું સૌથી મોટું એસોસિયેશન ફૂટબોલ સ્ટેડિયમ છે. નવીનીકરણ કરાતાં આજે 2018માં એશિયન ગેમ્સમાં તેની બેઠકક્ષમતા 76,127ની છે. એથ્લેટિક્સની રમતો અહીં રમાશે. ઇસ્ટોરામાં બેડમિન્ટન અને બાસ્કેટબોલ રમાશે, જ્યાં 1961માં થોમસ કપ રમાયો હતો. જકાર્તા ઇન્ટરનેશનલ વેલોડ્રોમમાં સાઇકલિંગ, જકાર્તા ઇન્ટરનેશનલ એક્વેસ્ટ્રેઇન પાર્કમાં એક્વેસ્ટ્રેઇન, રવામાંગુન બેઝબોલ ફિલ્ડમાં બેઝબોલ, અંકોલ બીચ મરીના પર સેઇલિંગ – જેટસ્કી રમાશે. કેમેથોરનમાં આવેલા જકાર્તા ઇન્ટરનેશનલ એક્સ્પોમાં બોક્સિંગ, જિમ્નાસ્ટિક, ટેબલ ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, વુશુ જેવી રમતો રમાશે. પોપ્કી સ્પોર્ટ હોલમાં હેન્ડબોલ, બુલુંગન સ્પોર્ટ હોલમાં વોલિબોલ રમાશે.
પાલેમ્બંગમાં ગેલોરા શ્રીવિજયા સ્ટેડિયમમાં વીમેન્સ ફૂટબોલ, જકાબેરિંગ લેકમાં કેનોઇંગ રોઇંગ, ટ્રાયથ્લોન રમાશે. જકાબેરિંગ બોલિંગ સેન્ટરમાં બોલિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, અરેનામાં ક્લાઇમ્બિંગ સ્પોટ્઱્સ રમાશે. વેસ્ટ જાવા અને બેન્ટેનમાં આવેલ જલક હારુપત સ્ટેડિયમમાં પુરુષોની ફૂટબોલ રમાશે. ગુનુંગ માસમાં પેરાગ્લાઇડિંગની રમતો રમાશે. એપીએમ એક્વેસ્ટ્રેઇન સ્કૂલમાં મોડર્ન પેન્ટાથ્લોન, બેનડુંગ રેનટંગમાં કેનોઇંગ રમાશે.
આમ આ અઢારમા એશિયાઈ રમતોત્સવમાં 40 રમતોની 465 જેટલી સ્પર્ધાઓ જકાર્તા, પાલેમ્બંગ અને વેસ્ટ જાવા એન્ડ બેન્ટનમાં આવેલાં વિવિધ સ્ટેડિયમો, અરેનામાં રમાશે.
એથ્લેટ્સ વિલેજ અને સ્ટેડિયમ વચ્ચેના અંતરમાં ખેલાડીઓ અને અધિકારીઓને તકલીફ ન પડે એટલે ખાસ એક લાઇન પણ તૈયાર કરવામાં આવી છે. ટ્રાફિક કે ભીડના કારણે કોઈ મોડું ન પડે કે કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે છે. કોલેજોના ઘણા બધા સ્ટુડન્ટ્સ તેમ જ રમતપ્રેમી નાગરિકો આ સેવામાં જોડાયા છે. આ રમતોત્સવને યાદગાર બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

લેખક રમતગમતના સમીક્ષક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here