અગાઉની સરકારે વિકાસકાર્યોમાં અડચણ ઊભી કરી હતી :મોદી

 

અલીગઢઃ ઉત્તર પ્રદેશની અગાઉની સરકારની ભારોભાર ટીકા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે ૨૦૧૭ અગાઉ રાજ્યનો કારભાર ગેંગસ્ટર્સ અને માફિયાના હાથમાં હતો, પણ હવે એ તત્ત્વો જેલમાં છે અને એમણે વિકાસકાર્યોમાં અડચણ ઊભી કરી હતી. સ્વાતંત્ર્ય સેનાની રાજા મહેન્દ્ર પ્રતાપસિંહના નામની યુનિવર્સિટીની આધારશિલા મૂક્યા બાદ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની ડબલ એન્જિનની સરકારના વખાણ કરતા એમણે જણાવ્યું હતું કે ગરીબો માટેની કેન્દ્રની યોજનાઓના અમલમાં અગાઉ અડચણ ઊભી કરાતી હતી, પણ હવે એ યોજનાઓનો લાભ ગરીબોને મળી રહ્યો છે. 

ટોઇલેટનું બાંધકામ, ગરીબો માટે ઘર, ઉજ્જવલા યોજના હેઠળ ગેસનું જોડાણ અને પીએમ-કિસાન સન્માન નિધિ યોજના સહિતની કલ્યાણ યોજનાઓ ગણાવતા મોદીએ વધુમાં જણાવ્યું હતું કે જે ઉત્તર પ્રદેશને અગાઉ વિકાસમાં અડચણ સમાન રાજ્ય મનાતું હતું. આજે એ જ ઉત્તર પ્રદેશ મોટી યોજનાઓના અમલમાં દેશને દોરી રહી છે. કોવિડના રોગચાળાને કાબૂમાં લેવા લીધેલા પગલાં બદલ એમણે ઉત્તર પ્રદેશની સરકારના વખાણ કર્યાં હતા. 

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં આઠ કરોડ વ્યક્તિએ કોરોનાની રસી લીધી છે. એક જ દિવસમાં સૌથી વધુ વ્યક્તિને રસીના ડોઝ આપવાનો રેકોર્ડ પણ ઉત્તર પ્રદેશને નામે છે તેવું એમણે કહ્યું હતું. 

એમણે આ પ્રસંગે ભૂતપૂર્વ વડા પ્રધાન અને ખેડૂત નેતા ચરણસિંહને યાદ કરતા જણાવ્યું હતું કે એમણે ગ્રામીણ વિસ્તારોમાં બદલાવ લાવવાનો રસ્તો કંડાર્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ અને સામાજિક સુધારકના માનમાં ઉત્તર પ્રદેશની સરકાર આ યુનિવર્સિટી બનાવી રહી છે. 

અલીગઢની કોલ તહેસીલના લોધા અને મુસેપુર કરીમ જરૌલી ગામની ૯૩ એકર જમીન પર આ યુનિવર્સિટી બનાવવામાં આવશે. 

ખ્યાતનામ જાટ વ્યક્તિના નામે યુનિવર્સિટી બનાવવાનો આદિત્યનાથ સરકારનો આ નિર્ણય આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી મહત્ત્વની ચૂંટણી અગાઉ જાટ સમુદાયના દિલ જીતવાનો ભાજપનો વ્યૂહ ગણવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here