અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા પદ્મશ્રી ડો. સુધીર પરીખને સંસ્કૃતિ સન્માન અર્પણ

0
1180

ગાંધીનગરમાં બુધવારે આયોજિત સમારંભમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-ફાઉન્ડર પદ્મશ્રી ડો. સુધીર પરીખને સંસ્કૃતિ સન્માન અર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી.

ગાંધીનગરઃ ભારતીય સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે સેવારત ડો. સુધીર પરીખને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સંસ્કૃતિ સન્માન પ્રદાન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાન્તના ઉપક્રમે અને અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક ‘ગુજરાત ટાઇમ્સ’ના માધ્યમે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં ચોથી જુલાઈ, બુધવારે યોજાયેલા સમારંભમાં આ એવોર્ડ પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-ફાઉન્ડર પદ્મશ્રી ડો. સુધીર પરીખને એનાયત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પરિષદના રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રીધર પરાડકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારંભમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ડો. સુધીર પરીખને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. પાઘઅર્પણ ઈશ્વરસિંહ પટેલના હસ્તે, શાલ અર્પણ શ્રીધર પરાડકરના હસ્તે, સૂત્રમાલા ડો. પ્રતાપરાય પંડ્યાના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં હતાં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે વિદેશમાં બેઠાં બેઠાં પણ સેવારત ડો. સુધીર પરીખને સંસ્કૃતિ સન્માનથી વિભૂષિત કર્યા પછી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ સન્માન વ્યક્તિનું નહિ, પરંતુ તેનાં સેવાકાર્યો અને સમાજદાયિત્વનું સન્માન છે. સન્માન વ્યક્તિ કરતાં તેમનાં સેવાકાર્યોનું થતું હોય છે. જે સમાજ કંઈક આપે તેના પ્રતિ સામાજિક ઉત્તરદાયિત્વ દર્શાવવાનું કામ ડો. પરીખે કર્યું છે.

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાન્તના ઉપક્રમે અને અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક ‘ગુજરાત ટાઇમ્સ’ના માધ્યમે ગાંધીનગરમાં ભારતીય સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે સેવારત ડો. સુધીર પરીખને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સંસ્કૃતિ સન્માન પ્રદાન કરવામાં આવ્યું હતું. તસવીરમાં (ડાબેથી) ડો. બળવંત જાની, શ્રીધર પરાડકર, ઈશ્વરસિંહ પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, ડો. સુધીર પરીખ, ડો. પ્રતાપરાય પંડયા અને ડો. નરેશ વેદ.

વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જે સમાજ અને જે રાષ્ટ્રમાં ઊછર્રી હોય તેનું ઘડતર થયું હોય તેના શ્રેયાર્થે આજીવન ભેખધારી રહીને સમાજનાં જરૂરિયાતમંદ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાનથી જ તે વ્યક્તિ સમાજનું ગૌરવ બનતી હોય છે. ડો. સુધીર પરીખે પણ ગુજરાતમાં શિક્ષણ-આરોગ્ય જેવાં પાયાનાં ક્ષેત્રોમાં સેવાકાર્યો પર ધ્યાન આપીને આ સેવાભાવના ચરિતાર્થ કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આરોગ્ય, સાહિત્ય, પત્રકારત્વ ક્ષેત્રે તેઓ સમાજને ખૂબ સારી સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. તેઓ અમેરિકામાં વસતા ગુજરાતીઓ-ભારતીયોને મદદરૂપ થઈ રહ્યા છે. જીવનમાં બીજાને ઉપયોગી થવાનો ભેખ તેમણે ધારણ કર્યો છે. અમેરિકામાં પણ તેઓ ગુજરાતની-ગુજરાતીઓની સતત ચિંતા કરે છે ત્યારે ભગવાન તેમને સેવાકીય કાર્યો કરવા માટે ખૂબ શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના છે. આ કાર્યક્રમ થકી યોગ્ય વ્યક્તિનું સન્માન કરવા બદલ સાહિત્ય પરિષદ અભિનંદનને પાત્ર છે.
પરિષદના રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રીધર પરાડકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ભારતીય સાહિત્યની ગતિવિધિથી પરિચિત કરાવવાનું કામ કરે છે. સાહિત્ય સમાજનું દર્પણ છે, અને આ દર્પણમાં દેખાતી છબિ સારી હોવી જોઈએ. સમાજમાં સેવાકાર્યો કરતી વ્યક્તિઓને સન્માનિત કરવાની જવાબદારી સમાજની છે. ડો. સુધીર પરીખ અનેકવિધ સેવાકાર્યો કરી રહ્યા છે ત્યારે સાહિત્ય પરિષદનું કામ આવા મહાનુભાવોનું સન્માન કરવાનું છે.
પદ્મશ્રી ડો. સુધીર પરીખે સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે સંસ્કૃતિ સન્માન એવોર્ડ પ્રાપ્ત કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ અભૂતપૂર્વ સન્માન મને પ્રાપ્ત થયું છે તે બદલ હું આનંદની અનુભૂતિ વ્યક્ત કરું છું. હું આ સંસ્થાનો આભારી છું, જેણે મારું સન્માન કર્યું છે.
પ્રતિભાવ વ્યક્ત કરતાં ડો. સુધીર પરીખે ઉમેર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ સાથે, મેં ન્યુ યોર્કમાં થિન્ક ટેન્ક પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયાઝ ગ્લોબલ ડેવલપમેન્ટની શરૂઆત કરી છે, જે અમેરિકા-ભારત વચ્ચેના રાજકીય મુદ્દાઓ વિશે કાર્યરત છે. ભારતીય-ગુજરાતી દ્વારા પશ્વિમના દેશમાં શરૂ થયેલી આ સૌપ્રથમ થિન્ક ટેન્ક છે.
ડો. પરીખે કહ્યું કે અમેરિકામાં તાજેતરમાં નવી ટેલિવિઝન ન્યુઝ-એન્ટરટેઇનમેન્ટ ચેનલ આઇટીવી ગોલ્ડ લોન્ચ કરવામાં આવી છે. આઇટીવી ગોલ્ડ ટીવી ચેનલ હસ્તગત કરવાનો મારો હેતુ ન્યુ ઇન્ડિયાને વર્લ્ડમાં પ્રમોટ કરવાનો છે. ભારતની બહાર ભારતીય-અમેરિકન સમુદાયની અનેકવિધ પ્રવૃત્તિઓને દર્શાવવાનો – ઉત્તેજન આપવાનો મારો હેતુ છે. ડો. પરીખે અમેરિકામાં વસતા બીજી અને ત્રીજી પેઢીના ભારતીય-અમેરિકનોને ભારત માટે દાન-પરોપકારી પ્રવૃત્તિ કરવાની હાકલ કરી હતી. ડો. પરીખે અખિલ ભારતીય સાહિત્ય પરિષદને ગુજરાત ટાઇમ્સનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
સમારંભમાં સ્વાગત વસ્તવ્ય, ભૂમિકા અને પરિચયવિધિ ડો. બળવંત જાનીએ કરી હતી. પરિષદના હોદ્દેદારો દ્વારા મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાહિત્ય પરિષદની ગતિવિધિ વિશે ડો. નરેશ વેદે વિગતવાર માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ પરિષદની સ્થાપના 27મી ઓક્ટોબર, 1966માં દિલ્હીમાં થઈ હતી, જે સાહિત્યક્ષેત્રે ભારતીય ભાષાઓમાં સક્રિય સાહિત્યકારો-સમાલોચકો-ચિંતનશીલ વિચારકો-સાહિત્યરસિકોનું રાષ્ટ્રીય સંગઠન છે. સાહિત્ય પરિષદ માને છે કે સારા કામની કદર થવી જોઈએ તે હેતુથી ડો. સુધીર પરીખનું સન્માન કરવાનો આ કાર્યક્રમ યોજાયો છે.
સૂત્રસંચાલન – આભારદર્શન – વંદેમાતરમ ગાન ડો. કલાધર આર્યે કર્યું હતું.
સમારંભમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાન્ત અધ્યક્ષ ડો. પ્રતાપરાય પંડ્યા, મહામંત્રી ડો. ભરત ઠાકોર, ડો. બળવંત જાની, ડો. નરેશ વેદ સહિત ગુજરાત ટાઇમ્સ પરિવારના સભ્યો, મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ, ઇતિહાસવિદો, લેખકો, ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here