૯/૧૧ આતંકી હુમલાના ગુપ્ત દસ્તાવેજ જાહેર કરશેઃ સાઉદી સરકારની સંડોવણીની આશંકા

 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧એ થયેલા ત્રાસવાદી હુમલા સંબંધિત કેટલાંક ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. હુમલાનો ભોગ બનેલા લોકોના પરિવારજનો લાંબા સમયથી આ દસ્તાવેજ જાહેર કરવાની માગણી કરી રહ્યાં હતા. પરિવારજનોને આ હુમલામાં સાઉદી અરેબિયાની સરકારની સંડોવણીની આશંકા છે. અમેરિકા પરના આ સૌથી મોટા ત્રાસવાદી હુમલાની ૨૦મી વરસીના એક સપ્તાહ પહેલા બાઇડને આ આદેશ આપ્યો હતો.

જોકે હુમલા સંબંધિત કઇ ગુપ્ત માહિતી જાહેર કરાશે તે અંગે અનિશ્ચિતતા છે. આ મુદ્દે સરકાર અને મૃતકોના પરિવારજનો વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલે છે. ઘણા પરિવારજનો, હુમલામાં બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે જો દસ્તાવેજ જાહેર નહીં થાય તો તેઓ ૯/૧૧  મેમોરિયલ ઇવેન્ટ્સમાં બાઇડનની સામેલગીરીનો વિરોધ કરશે.

બાઇડને જણાવ્યું હતું કે તેઓ દસ્તાવેજ જારી કરવાનો આદેશ આપીને ચૂંટણીમાં આપવામાં આવેલું વચન પૂરી કરી રહ્યાં છે અને તેમની સરકાર આ સમુદાયના સભ્યો સાથે સન્માનપૂર્વક કામગીરી કરશે. આ વટીવટી આદેશ મુજબ ગુપ્ત દસ્તાવેજ આગામી છ મહિનામાં જાહેર કરવાના રહેશે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા અંગેના કયા નવા દસ્તાવેજ જાહેર કરવામાં આવશે અને તેની શું અસર થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે, પરંતુ છેલ્લાં બે દાયકામાં ૯/૧૧ કમિશન સહિતના જાહેર કરાયેલા દસ્તાવેજોમાં સાઉદી અરેબિયાનો સંખ્યાબંધ વખત ઉલ્લેખ કરવામાં આવેલો છે, પરંતુ તેમાં સરકારની સંડોવણી સાબિત થઈ નથી.

આ હુમલામાં સાઉદી સરકારને જવાબદાર ઠેરવવાની માગણી સાથે ન્યૂ યોર્કની ફેડરલ કોર્ટમાં લાંબા સમયથી કેસ પણ દાખલ કરવામાં આવેલો છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સાઉદી અધિકારીઓએ હુમલા માટે વિમાન અપહરકર્તાને ઘણી મદદ કરી કરી હતી. જોકે સાઉદી અરેબિયાની સરકાર આ હુમલામાં તેની સંડોવણીનો ઇનકાર કરે છે. અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન સહિતના ૧૫ અપહરણકર્તા સાઉદી નાગરિક હતા. બાઇડનને આદેશ મુજબ એફબીઆઇએ દસ્તાવેજનો ડિક્લાસિફિકેશન રિવ્યૂ ૧૧ સપ્ટેમ્બર સુધી પૂરો કરવાનો રહેશે. ફોન અને બેન્ક રેકોર્ડ, તપાસના તારણો સહિતના વધારાના દસ્તાવેજોને જાહેર કરી શકાય કે નહીં તે સંદર્ભમાં સમીક્ષા કરાશે.