૯૩ વર્ષીય મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન

 

અમદાવાદઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનું અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે શનિવારે મોડી રાત્રે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયા બાદ જૂનાગઢ ખાતેના ભારતી આશ્રમમાં સમાધિ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમને સમાધિ આપવામાં આવી હતી. ભારતી બાપુના બ્રહ્મલીનના સમાચાર જાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાજંલિ આપી હતી. 

ભારતીજી મહારાજ કોરોનાગ્રસ્ત હતા અને તેઓ તપન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને મોડી રાત્રે ૨.૨૪ વાગે ભારતી બાપુએ દેહ છોડ્યો હતો. ૯૩ વર્ષના ભારતીજી મહારાજના નિધનથી આશ્રમના સેવકગણમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ભારતીબાપુના નશ્વરદેહને જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં અંતિમદર્શન માટે રાખવામાં આવ્યા બાદ કોરોના ગાઈડલાઈન્સ મુજબ સાધુ સંતોની હાજરીમાં જ ભારતીબાપુને ભારતી આશ્રમ ખાતેના ગુરુગાદી હોલમાં સમાધિ આપવામા આવી હતી. ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો. ૪ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ ૨૧ મે ૧૯૭૧ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ ૧૯૯૨માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા. 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેનિ્દ્રયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે, સંતો તથા હરિભક્તોએ પૂજ્યપાદ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત શ્રી વિશ્વંભર ભારતીબાપુ મહારાજને અશ્રુપૂર્ણ ભાવાંજલિ અર્પણ કરી હતી