૮૫ દિવસ બાદ એક જ દિવસમાં ૨૬,૦૦૦થી વધુ કોવિડ-૧૯ કેસ નોંધાયા

 

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં સોમવારે ૨૬,૨૯૧ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે, જે ૮૫ દિવસમાં સૌથી મોટો ઉછાળો છે. સવારે ૮ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, એક દિવસમાં ૧૧૮ વધુ જાનહાનિ નોંધાતા આ રોગને કારણે મૃત્યુઆંક વધીને ૧,૫૮,૭૨૫ થઈ ગયો છે.

સતત પાંચ દિવસ સુધીનો ઉછાળો નોંધાવતા, કુલ સક્રિય કેસ લોડ ૨,૧૯,૨૬૨ પર પહોંચી ગયો છે, જે દેશના કુલ ચેપના ૧.૯૩ ટકા છે, જ્યારે રિકવરી દર ઘટીને ૯૬.૬૮ ટકા થઈ ગયો છે, એમ ડેટા જણાવે છે. ૨૦ ડિસેમ્બરે ૨૪ કલાકના ગાળામાં ૨૬,૬૨૪ જેટલા ચેપ નોંધાયા છે. આ રોગમાંથી રિકવરી મેળવનારા લોકોની સંખ્યા વધીને ૧,૧૦,૦૭,૩૫૨ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર ૧.૩૯ ટકા રહ્યો છે.

ભારતમાં કોવિડ-૧૯ એ ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખનો આંકડો પાર કર્યો હતો, ૨૩ ઓગસ્ટના રોજ ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખ અને ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખનો આંક વટાવ્યો હતો. ૨૮ સપ્ટેમ્બરના રોજ ૬૦ લાખ, ૮ ઓક્ટોબરના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડના આંકને વટાવી ગયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, રવિવારે ૭,૦૩,૭૭૨ સહિત ૧૪ માર્ચ સુધીમાં ૨૨,૭૪,૦૭,૪૧૩ નમૂનાઓની કોવિડ -૧૯ માટે પરીક્ષણ કરાયા છે. ૧૧૮ નવી જાનહાનિમાં મહારાષ્ટ્રના ૫૦, પંજાબના ૨૦ અને કેરળના ૧૫ લોકોનો સમાવેશ થાય છે.