૮૦ વર્ષથી અન્ન-જળ વગર જીવતા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા

 

અંબાજીઃ અન્ન અને જળ વગર છેલ્લા ૮૦ વર્ષથી સમગ્ર વિશ્વમાં નોખા વ્યક્તિ તરીકે જીવન ગુજારનાર અને ચુંદડીવાળા માતાજીના નામે ઓળખાતા રહેલા ૯૨ વર્ષીય પ્રહલાદ જાની મંગળવારે રાતે ૨.૪૫ વાગે તેમના વતન માણસાના ચરાડા ગામમાં દેવલોક પામ્યા છે. બે દિવસ સુધી ભક્તો આશ્રમસ્થિત તેમનાં દર્શન કરી શકશે. ત્યાર બાદ ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવી હતી. લોકડાઉનને કારણે તેમના દર્શન પણ લાઇવ રાખવામાં આવ્યા હતા. પ્રહ્લલાદ જાનીનો જન્મ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામે થયો હતો. ૧૧ વર્ષની ઉંમરે માતાજી આવતા માતાજીના આશીર્વાદથી અન્ન અને જળનો ત્યાગ કર્યો. છ ભાઈઓ અને એક બહેનના કુટુંબમાં ચુંદડીવાળા માતાજી બીજા નંબરના સંતાન હતા. તેમના કુટુંબમાં તેમના એક પણ ભાઈ હયાત નથી, પણ તેમના ભાઈના સંતાનો આજે પણ ચરાડાના એ જ ઘરમાં રહે છે. તેમના મોટાભાઈના દીકરી મંજુલાબેન અને તેમની દીકરી હેતલે ચુંદડીવાળા માતાજી સાથે પોતાના બાળપણના સ્મરણો વાગોળ્યા હતા. ચરાડા ગામમાં ચુંદડીવાળા માતાજીના ઘરમાં જ મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં જ ચુંદડીવાળા માતાજી તપ અને ભગવાનની પૂજા અર્ચના કરતા હતા. ચુંદડીવાળા માતાજીના યુવા અવસ્થાથી લઈને ચુંદડીવાળા માતાજી સુધીની સફર દર્શાવતા ફોટોગ્રાફ્સ જોવા મળે છે.

તેઓ મહિનામાં સાતથી આઠ દિવસ ચરાડા રહેતા બાકીના દિવસો અંબાજી માતાજીના સાનિધ્યમાં અંબાજીમાં ગુફામાં રહેતા. માત્ર દસ વર્ષની ઉંમરે માતાજી પાસે આવેલા રામેશ્વરભાઈ આજે પણ ચુંદડીવાળા માતાજીના ધર્મ સ્થળની સાર સંભાળ અને પૂજા અર્ચના કરે છે. તેઓના મતે ચુંદડીવાળા માતાજીએ અનેક ચમત્કારો કર્યા છે, જે સામાન્ય રીતે અશક્ય લાગે. 

અન્ન-જળ વગર કઈ રીતે માણસ જીવી શકે તે માટે ૧૫ દિવસ સુધી નામાંકિત ડોકટરોની પેનલોએ તેમના પર રિસર્ચ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ એક માની ન શકાય તેવી ઘટના છે.