૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ યોજના: પાંચ વર્ષ લંબાવવાની વડા પ્રધાનની જાહેરાત

દુર્ગ: ૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ આપતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવવાની વડા પ્રધાન મોદીએ શનિવારે જાહેરાત કરી હતી. છત્તીસગઢના દુર્ગમાં એક જાહેરસભાને સંબોધન કરતા મોદીએ કહ્યું કે કોગ્રેસ ઓબીસી વડા પ્રધાન અને પછાત વર્ગનું અપમાન કરે છે કોગ્રેસીઓ મોદીને દિવસરાત ગાળ આપે છે. દરરોજ હું બે-અઢી કિલો ગાળ ખાઉં છું. અહીંના મુખ્ય પ્રધાન તપાસકર્તા એજન્સીઓ પર પણ ખોટા આક્ષેપો કરી રહ્યા છે. કથિત મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડના મામલે મોદીએ કોગ્રેસ સરકારની ટીકા કરતા કહ્યું કે તેઓ મહાદેવના નામને પણ છોડતા નથી. બે દિવસ અગાઉ (ઈડીએ) રાયપુરમાં જંગી રોકડ રકમ પકડી હતી. છત્તીસગઢના યુવાનો અને ગરીબોને સટ્ટાબાજોએ લૂંટીને આ રકમ ભેગી કરી હતી તેવું લોકો કહે છે. આ જ નાણાંથી કૉંગ્રેસ નેતાઓ પોતાનું ઘર ભરી રહ્યા છે. મુખ્ય પ્રધાન બઘેલનો આડકતરી રીતે નામ લીધા વગર ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે મીડિયામાં એવું કહેવામાં આવે છે કે આ નાણાં તેમની સાથે સંકળાયેલા છે. દુબઈમાં બેઠેલા કૌભાંડી સાથે તેમનો શું સંબંધ છે તે કૉંગ્રેસે સરકાર અને મુખ્ય પ્રધાને રાજ્યની જનતાને જણાવવું જોઈએ. મોદીએ કહ્યું કે “ભ્રષ્ટાચાર કરીને તિજોરી ભરવાની કૉંગ્રેસની પ્રાથમિકતા છે. ૩૦ ટકા કક્કા, આપકા કામ પક્કા તેવું છત્તીસગઢ કહે છે. કૉંગ્રેસ સરકારના દરેક કામમાં ૩૦ ટકા કમિશન છે તેવો વડા પ્રધાન મોદીએ આક્ષેપ કર્યો હતો. કોગ્રેસ ગરીબોનું કલ્યાણ ઈચ્છતી નથી અને તેમની પરિસ્થિતિ બહેતર કરવા ચાહતી નથી. ગરીબોમાં ભાગલા પાડવા અને જાતિવાદનું ઝેર ફેલાવવા રાજકીય પક્ષો નવા ષડયંત્રો કરી રહ્યા છે તેવું મોદીએ કહ્યું હતું. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. સાતમી નવેમ્બરે પ્રથમ તબક્કાનું અને ૧૭મી સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે.