૭૬મા સ્વતંત્રતા પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

 

નવી દિલ્હી:  આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયા અને ૭૬માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેશને શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન આવનારા ૨૫ વર્ષોમાં ભારતને વિક્સિત બનાવવા માટે ૫ સંકલ્પનો ઉલ્લેખ કર્યો. નારી શક્તિને યાદ કરી. ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર આકરા પ્રહાર કર્યા. નિર્ણાયક લડત છેડવાનું આહ્વાન કરતા કહ્યું કે જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતનો ભાવ પેદા ન થાય કે સમાજિક રીતે તેને નીચે દેખાડવા માટે મજબૂર ન કરાય ત્યાં સુધી આ માનસિકતા ખતમ થવાની નથી. તેમણે તેને પોતાની બંધારણીય અને લોકતાંત્રિક જવાબદારી ગણાવતા આ જંગમાં દેશવાસીઓ પાસે સાથ પણ માંગ્યો. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ૧૪ ઓગસ્ટના રોજ ભારતે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસને ભારે મને ઉજવ્યો. આઝાદીના સમયે તમામ આશંકાઓ જતાવવામાં આવી કે ભારત તૂટી જશે, વેર વિખેર થઈ જશે પરંતુ તમામ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ. આઝાદી બાદ આપણે શું નથી ઝેલ્યું. અકાળ ઝેલ્યો, યુદ્ધ ઝેલ્યું. સફળતા, નિષ્ફળતા, આશા નિરાશા ન જાણે કેટલાય પડાવ આવ્યા આમ છતાં  ભારત આગળ વધતું રહ્યું. ભારતની વિવિધતા જે બીજાને બોજ લાગતી હતી તે જ તેની તાકાત છે. ભારત લોકતંત્રની જનની છે. ૨૦૧૪માં દેશવાસીઓએ મને જવાબદારી સોંપી. આઝાદી બાદ જન્મેલો હું પહેલો વ્યક્તિ હતો જેને લાલ કિલ્લાથી દેશવાસીઓનું ગૌરવગાન કરવાની તક મળી હતી. જેટલું તમારી પાસેથી શીખ્યો છું, તમને જાણ્યો છું, તમારા સુખ દુ:ખ જાણી શક્યો છું તેને લઈને મે આખો કાળખંડ તે લોકો માટે ખપાવ્યો છે. પછી ભલે તે દલિત, શોષિત હોય, વંચિત હોય, મહિલાઓ હોય કે કોઈ પણ ખૂણો હોય.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીનું અંતિમ વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાનું સપનું હતું. મે મારી જાતને મહાત્મા ગાંધીના સપનાને પૂરૂ કરવા માટે સમર્પિત કરી. આપણા દેશવાસીઓએ પણ ઉપલબ્ધિઓ મેળવી છે. હાર માની નથી અને સંકલ્પોને ઓઝલ થવા દીધા નથી. આપણે તાજેતરમાં જોયું છું કે આપણે એક વધુ નવી તાકાતનો અનુભવ કર્યો છે. ભારતમાં સામૂહિક ચેતનાનું પુર્નજાગરણ થયું છે. આઝાદીનો અમૃત હવે સંકલ્પમાં બદલાઈ રહ્યો છે. સિદ્ધિનો માર્ગ જોવા મળી રહ્યો છે. આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. જેથી કરીને આગામી ૨૫ વર્ષ બાદ જ્યારે ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થશે ત્યારે ભારત માટે ૫ સંકલ્પ જ‚રી છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માનવ કેન્દ્રીય વ્યવસ્થાને વિક્સિત કરીશું. આપણા કેન્દ્રમાં માનવ હશે. તેની આશાઓ હશે. ભારત જ્યારે મોટો સંકલ્પ કરે છે તે કરીને બતાવે છે. જ્યારે મે સ્વચ્છતાની વાત કરી, તો તેને દેશે કરી દેખાડ્યું. જ્યારે દુનિયા દુવિધામાં હતી ત્યારે ૨૦૦ કરોડ રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કરી બતાવ્યો. તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા. અઢી કરોડ લોકોના ઘરમાં નળથી જળ પહોંચાડવાનું કામ દેશ કરી રહ્યો છે. ખુલ્લામાં શૌચથી મુક્તિ શક્ય બની છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે આપણે આપણી ધરતી સાથે જોડાઈશું તો જ ઊંચે ઉડી શકીશું. ત્યારે જ વિશ્વને પણ સમાધાન આપી શકીશું. આપણે પ્રકૃતિને પ્રેમ કરવાનું જાણીએ છીએ. આપણી પાસે ગ્લોબલ ર્વોમિંગની સમસ્યાના સમાધાનના રસ્તા છે. આપણા પૂર્વજોએ આપણને આપ્યા છે. જ્યારે દુનિયા હોલિસ્ટિક હેલ્થ કેરની વાત કરે છે ત્યારે દુનિયાની નજર ભારતના યોગ પર જાય છે.  ભારતના આયુર્વેદ પર જાય છે. જ્યારે વ્યક્તિગત તણાવની વાત થાય છે ત્યારે વિશ્વને ભારતનો યોગ દેખાય છે. જ્યારે સામૂહિક તણાવની વાત થાય છે ત્યારે વિશ્ર્વને ભારતની કૌટુંબિક વ્યવસ્થા દેખાય છે. આપણે એ લોકો છીએ જે જીવમાં શિવ જોઈએ છીએ. નરમાં નારાયણ જોઈએ છીએ. જે નારીને નારાયણી કહે છે. ઝાડ પાનમાં પરમાત્મા જોઈએ છીએ. જે નદીને માતા માને છે, અમે એ છીએ જે દરેક કંકરમાં શંકર જુએ છે. અમે એ છીએ જેણે દુનિયાને વસુધૈવ કુટુંબકમ નો મંત્ર આપ્યો. જે કહે છે કે સત્ય એક છે. અમે દુનિયાનું કલ્યાણ જોયું છે. અમે જન કલ્યાણથી જગ કલ્યાણ જોયું છે. 

જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતનો ભાવ પેદા નહી થાય, સામાજિક રીતે તેને નીચા દેખાડવા માટે મજબૂર નહીં કરાય, ત્યાં સુધી આ માનસિકતા ખતમ થવાની નથી. ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખોખલો કરી રહ્યો છે. તેની સામે દેશે લડવું જ પડશે. અમારી કોશિશ છે કે જેમણે દેશને લૂંટ્યો છે, તેમણે પાછું આપવું પડે તેની અમે કોશિશ કરી રહ્યા છીએ. મારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું છે, મારે તેના વિરુદ્ધ લડતને તેજ કરવાની છે. 

મને ૧૩૦ કરોડ ભારતવાસીઓનો સાથ જોઈએ છે, જેથી કરીને હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી શકું. દેશવાસીઓ માટે આ ચિંતાનો વિષય છે, ભ્રષ્ટાચાર પ્રત્યે નફરત જોવા મળે છે. 

આ વખતનો સ્વતંત્રતા દિવસ અનેક રીતે ખાસ છે. પહેલીવાર લાલ કિલ્લા પર સ્વદેશી તોપથી સલામી અપાઈ. ધ્વજારોહણ બાદ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત કોઈ સરકારી કાર્યક્રમ નથી, પરંતુ સમાજનું જન આંદોલન છે. જેને બધાએ મળીને આગળ વધારવાનું છે. આઝાદીના ૭૫ વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે લાલ કિલ્લા પરથી સલામી માટે દેશમાં બનેલી તોપનો ઉપયોગ કરાયો. ૭૫ વર્ષ બાદ પહેલીવાર ભારતમાં બનેલી હોવિત્ઝર તોપનો ઉપયોગ લાલ કિલ્લા પર સલામી માટે કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બિનજ‚રી વિદેશી સામાન અને ઉપકરણોની આયાત પર રોક લગાવવાનો પ્રયત્ન કરવો પડશે. વિદેશી રમકડાંની આયાતમાં પણ ભારે ઘટાડો થયો છે. કારણ કે બાળકોએ પણ તેમને નકારી દીધા છે. આ સાથે જ કેમિકલ મુક્ત ખેતી પર ભાર મૂક્યો. જય જવાન, જય કિસાનની સાથે જય અનુસંધાન પર ભાર મુકવાની જ‚ર છે. યુપીઆઈનો વધતો પ્રભાવ તેનું એક પ્રમાણ છે. દેશ ૫જી તરફ આગળ વધી રહ્યો છે. ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબરનું નેટવર્ક બિછાવાઈ રહ્યું છે. ભારત માટે આ ટેક્નોલોજીનો દાયકો છે. સ્પેસ સમિશન, ઓશન મિશનમાં પણ આગળ વધી રહ્યું છે. 

આપણા નાના ખેડૂતો, લઘુ ઉદ્યોગો, રેકડીવાળા, તેમને આર્થિક તાકાત આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. માનવ સંસાધન અને પ્રાકૃતિક સંસાધનોનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થાય, તેના પર ભાર મૂકવો પડશે. ગામડાથી લઈને શહેર સુધી પોલીસથી લઈને યુદ્ધના મેદાન સુધી, ખેલકૂદના મેદાન હોય, દેશના વિકાસમાં નારી શક્તિ પર ધ્યાન જ‚રી છે. બંધારણના નિર્માતાઓએ દેશના ફેડરલ સ્ટ્રક્ચર પર ભાર મૂક્યો અને તે ભવિષ્યની જ‚રિયાત છે. કાર્યક્રમ અને કાર્યશૈલી અલગ હોઈ શકે છે પરંતુ જ‚રિયાત હેલ્ધી કમ્પીટિટિવ ફેડરલિઝમની છે