૭૪મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઊજવણી

 

નવી દિલ્હી: સમગ્ર ભારત દેશ ૭૪મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રથમ વખત કર્તવ્ય પથ પર પરેડ થઈ રહી છે. પહેલા આ પથ રાજપથ તરીકે જાણીતો હતો. આ પરેડમાં ન્યૂ ઈન્ડિયાની ઝલક જોવા મળી હતી. આ પરેડમાં સ્વદેશી સૈન્ય શક્તિ અને મહિલા શક્તિનું પ્રદર્શન, ઉપરાંત રાજ્યોના ટેબ્લોક્સમાં સાંસ્કૃતિક વિવિધતાઓ પણ જોવા મળી હતી. ઉપરાંત વાયુસેનાના ૫૦ વિમાનો દ્વારા પોતાની તાકાત બતાવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રને કર્તવ્ય પથ પરથી રાષ્ટ્રનુ નેતૃત્વ કરી રહ્યા હતા. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભકામના આપી હતી. પ્રધાનમંત્રીએ લખ્યુ હતું કે ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ પ્રસંગ એટલા માટે ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે અમે એકજૂથ થઈને આગળ વધવા ઈચ્છીએ છીએ.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૭ ઝાંખીઓ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોની ૬ ઝાંખીઓ પણ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આર્થિક પ્રગતિ અને મજબૂત આંતરિક અને બાહ્ય સુરક્ષાને દર્શાવતી ઝંખીઓ કર્તવ્ય પથ પર જોવા મળી હતી. આ વખતનો પ્રજાસત્તાક દિવસ એમ પણ અનેક રીતે ખાસ છે. તેમાં પ્રથમ વખત બીએસએફની ઊંટ સવાર ટુકડીમાં મહિલા ટુકડી પણ સામેલ થઈ રહી છે. 

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને સૈનાની ત્રણેય પાંખના વડાઓ ઉપસ્થિત હતા.

કેસરી અને પીળા રંગની પાઘડી પહેરીને વડાપ્રધાને શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ત્યાં વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા, જેમાં તેમણે જવાનો માટે સંદેશ લખ્યો હતો. આ વખતે સૌથી મહત્વની વાત એ હતી કે પ્રધાનમંત્રી મોદીએ ડિજિટલ વિઝિટર બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ વિઝિટર બુક ડિજિટલ ન હતી. આનાથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ભારત ડિજિટલની બાબતમાં કોઈપણ વિકસિત દેશથી પાછળ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીળા અને કેસરી રંગની ભાગીગળ ડિઝાઇનવાળી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી, વડાપ્રધાન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે કર્તવ્ય પાથ પર પહોંચ્યા હતા. તેમના આગમનના થોડા સમય પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પાથ પર મુખ્ય સમારોહમાં પહોંચ્યા. વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ સ્મારક આઝાદી પછી આપણા બહાદુર સૈનિકોએ આપેલા બલિદાનની સાક્ષી છે