૫૦૦૦થી વધુ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતું મહાકાય ક્રુઝ શિપ

 

લંડનઃ યુનાઇડેટ કિંગ્ડમ (બ્રિટન)માં એક સાથે પાંચ હજારથી વધુ પ્રવાસીઓને સહેલગાહ કરાવી શકે તેવું મહાકાય ક્રુઝ શિપ તૈયાર થયા બાદ નામકરણના કાર્યક્રમ માટે સાઉથમ્પ્ટન ખાતે આવી પહોંચ્યું ત્યારે તેનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું અને મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે ઉમટી પડયા હતા.

યુનાઈટેડ કિંગ્ડમના માર્કેટ માટે તૈયાર કરવામાં આવેલું આ સૌથી મોટું ક્રુઝ શિપ છે, જેમાં ૧૭ જેટલા તો પેસેન્જર ડોક તૈયાર કરવામાં આવ્યા છે. આશરે ૧,૧૩૨ ફૂટની લંબાઈ  ધરાવતા આ ક્રુઝ શિપને ચાલુ વર્ષે જ ઉનાળાની સિઝનમાં લોન્ચ કરી દેવામાં આવશે. 

આ જહાજ લિક્વિફાઈડ નેચરલ ગેસથી ચાલતું બ્રિટનનું સૌપ્રથમ લાઈનર હોવાનો દાવો તેના સંચાલકો કરી રહ્યા છે. જેના કારણે આ જહાજથી નહિવત પ્રદૂષણ થશે. સામાન્ય રીતે આ પ્રકારના જમ્બો જહાજોને ડિઝલ એન્જિનથી ચલાવતા હોય છે અને તેનાથી ઉત્સર્જિત થતો નાઈટ્રોજન ઓક્સાઈડ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જર્મનીના  પાપેનબર્ગમાં તૈયાર થયેલા ક્રુઝ શિપનું વજન ૧.૮૬ લાખ ટન છે.

સાઉથમ્પ્ટનના કાંઠે આવી પહોંચેલા વિશાળ ક્રુઝ શિપને વોટર સેલ્યૂટ આપવામાં આવી હતી. જેના પર કેટલાક સંગીતના કાર્યક્રમો યોજાયા હતા. જોકે આ કાર્યક્રમોમાં લોકોને ભાગ  લેવાની મંજૂરી મળી નહોતી, તેનું માત્ર ઓનલાઈન ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. બ્રિટનમાં ડોમેસ્ટિક ક્રુઝ શિપ્સને તેની ક્ષમતાના ૫૦ ટકા પ્રવાસીઓ સાથે કામ શરૂ કરવાની છૂટ  આપી દીધી છે.