૪૫ વર્ષ બાદ લદાખમાં ચીની સૈનિકોનો ગોળીબારઃ એલએસી પર ભારે તણાવ

 

નવી દિલ્હઃ ચીન સાથેની કામચલાઉ સરહદ લાઇન ઓફ એક્ચ્યુઅલ કનેલ (એલએસી) પર સપ્તાહોથી ચાલી રહેલા તનાવમાં એક નવો વળાંક આવ્યો છ જેમાં ભારતીય અગ્રીમ હરોળમાં ઘૂસવાનો પ્રયાસ કરતા કટલાક ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને ડરાવવા હવામાં ગોળીબારો કર્યાં હતા. આ વિસ્તારમાં ૧૯૭પ પછી ગોળીબારનો આ પ્રથમ બનાવ છે અને તનાવ ખૂબ વધી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે સોમવારે મોડી સાંજે આ બનાવ બન્યો હતો. ચીનના કટલાક સૈનિકો ચુશુલ વિસ્તારની ભારતીય અગ્રીમ હરોળ તરફ ધસી આવ્યા હતા. ચુશુલમાં કમાન્ડર લેવલની મંત્રણા ચાલી રહી હતી તે જ સમયે સાંજના ૬ થી ૭ વાગ્યાના સુમારે ધસી આવેલા આ ચીની સૈનિકોએ ચુશુલ બીપીએમ બોર્ડર પોસ્ટની દક્ષિણની ટેકરીઓના વિસ્તાર તરફ હવામાં ગોળીબાર કર્યો હતો એમ જાણવા મળે છે.

આ વિસ્તારમાં ગોળીબાર કરીને ચીની લશ્કરે સમજૂતીનો ભંગ કર્યો છે એવો આક્ષેપ ભારતીય લશ્કરે કર્યોં છે. બીજી બાજુ ચીની લશ્કર પીએલએ દ્વારા રાત્રે નિવેદન બહાર પાડીને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતીય સૈનિકો એલએસી ઓળંગીને ચીની બાજુએ પેંગોગ લેક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો.

આ વિસ્તારમાં ગોળીબાર નહીં કરવાની ભારતચીન વચ્ચે સમજૂતિ થઇ છે અને ૧૯૭પ પછી અહીં ગોળીબારનો આ પ્રથમ બનાવ બન્યો છે જે ૧૫મી જૂનની ભારત-ચીન સૈનિકોની અથડામણ પછી આ બનાવ સાથે વધુ તનાવપૂર્ણ બની રહી હોવાનો સંકત આપે છે. 

૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ મોડી સાંજે પીએલએના સૈનિકોએ અંકુશ હરોળ પણ આપણી એક ફોરવર્ડ પોઝિશનમાં ઘૂસી આવવાનો પ્રયાસ કર્યો, આપણા દળોને બીવડાવવા માટે તેમણે હવામાં કેટલાક રાઉન્ડ ગોળીબાર કર્યો. અલબત્ત, ભારે ઉશ્કેરણી છતાં આપણા દળોએ ખૂબ ધીરજ રાખી અને ખૂબ સમજદારીપૂર્વક અને જવાબદારીભરી રીતે વર્ત્યા. ભારતીય લશ્કરે વધુમાં જણાવ્યું કે ભારતીય લશ્કર શાંતિ અને સંવાદિતા જાળવી રાખવા પ્રતિબધ્ધ છે, પરંતુ તે સાથે તે કોઇ પણ કિંમતે રાષ્ટ્રીય અખંડિતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે પણ મક્કમ છે. 

ચીનના લશ્કરના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ દ્વારા જારી કરવામાં આવેલ નિવેદન તેમના દેશના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે એમ ભારતીય લશ્કરે તેના નિવેદનમાં જણાવ્યું હતું.

બીજી બાજુ ચીની લશ્કરના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવકતા સિનિયર કર્નલ ઝાંગ શુઇલીએ ગઇ રાત્રે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ ફરી વાર એલએસી ઓળંગી છે. તેઓ ચીનની બાજુએ ઘૂસી આવ્યા હતા અને ચીની સરહદી ચોકીયાત સૈનિકોને ચેતવણી આપતા ગોળીબાર કર્યા હતા. ચીની સૈનિકો વાતચીત કરવા તૈયાર હતા પણ ભારતીય સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. ચીની દળોને આના કારણે વળતા પગલા ભરવાની ફરજ પડી હતી એવો આક્ષેપ તેમણે કર્યો હતો, જો કે વધુ વિગતો આપી ન હતી. આના પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક અલાયદુ નિવેદન બહાર પાડીને આ સંઘર્ષ અંગેના કેટલાક ચીની મીડિયામાં આવેલા અહેવાલ ફગાવ્યા હતા. ભારતના એનએસએ અજીત ડોવલ અંગે ચીની મીડિયામાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પણ ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારત-ચીનના આ સામસામા આક્ષેપો એના ચાર દિવસ પછી આવ્યા છે જ્યારે રશિયાના મોસ્કોમાં ભારત અને ચીનના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે મંત્રણા યોજાઇ હતી.