૩૭ વર્ષના ઈતિહાસમાં ભારત પ્રથમવાર બેડમિન્ટનમાં થોમસ કપ જીત્યું

Twitter

 

બેંગકોકઃ ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં પણ હવે ભારતીય ખેલાડીઓ વિજય પતાકા ફરકાવી રહ્યાં છે. ટેનિસ હોય કે પહેલવાની કે પછી અન્ય ઓલિમ્પિક્સ રમતો, ભારતીય ખેલાડીઓ પોતાના ઉત્તમ પ્રદર્શનથી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી રહ્યાં છે. ભારતીય બેડમિન્ટન ટીમે બેંગકોકના ઇમપેક્ટ એરેનામાં રમાયેલી થોમસ કપ (બેડમિન્ટનના વર્લ્ડકપ)ની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે આ ટાઇટલ મેચમાં ૧૪ વખતના ચેમ્પિયન ઇન્ડોનેશિયાને ૩-૦થી હરાવી દીધું છે. આ ટુર્નામેન્ટના ૭૩ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારત થોમસ કપના ફાઇનલ સુધી પહોંચ્યું હતું. ભારતે આ મેચ બેસ્ટ ઓફ ૫ ફોર્મેટમાં ૩-૦થી જીતી લીધી છે. ભારતે સિંગલ્સ, ડબલ્સ પછી બીજી સિંગલ્સમાં જીત મેળવી હતી જેમાં કિદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને ૨૧-૧૫, ૨૩-૨૧થી હરાવ્યો હતો.

થોમસ કપ જીત્યા પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમના ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમને આ ઐતિહાસિક જીતની શુભેચ્છા પાઠવી હતી. આ અંગે ટીમના ખેલાડી પ્રણેય એક પોસ્ટ શેર કરી માહિતી આપી હતી. આ જીત બાદ કેન્દ્રીય રમત ગમત મંત્રાલયે ભારતીય ટીમ માટે રૂ. ૧ કરોડના ઇનામની જાહેરાત કરી. આ પહેલી વાર છે જ્યારે રમત ગમત મંત્રાલયે ઓલિમ્પિક, એશિયન અને કોમનવેલ્થ ગેમ્સ ઉપરાંત કોઇ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતવા બદલ ઇનામની જાહેરાત કરી છે.

આ પહેલા ફાઇનલની બીજી મેચમાં સિંગલ્સ જીત્યા બાદ ડબલ્સ મેચ જીતી. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડીની ભારતીય જોડીએ પહેલી ગેમ ગુમાવી અને બીજી અને ત્રીજી ગેમ જીતી મુકાબલો પોતાના નામે કર્યો.

અત્યાર સુધી ૩૨ વખત થોમસ કપનું આયોજન કરવામાં આવ્યું છે અને માત્ર પાંચ દેશો જ વિજેતા બની શક્યા છે. ભારત આ ટુર્નામેન્ટ જીતનાર છઠ્ઠો દેશ બની ગયો છે. ઇન્ડોનેશિયા થોમસ કપની સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધી ૧૪ વખત ખિતાબ પર કબજો જમાવ્યો છે. ૧૯૮૨થી આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી ચીની ટીમે ૧૦ અને મલેશિયાએ પાંચ ખિતાબ જીત્યા છે. જાપાન અને ડેનમાર્ક બન્ને પાસે એક-એક ખિતાબ છે. થોમસ કપ હંમેશા એશિયાના દેશોએ જીત્યો છે. ૨૦૧૬માં ડેનમાર્ક આ ખિતાબ જીતનાર પહેલી બિનએશિયન ટીમ હતી.

પહેલા સિંગલ્સમાં લક્ષ્ય સેને એન્થોની સિનિસુકા ગિનટિંગને ૮-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૬થી હરાવી પહેલી સિંગલ્સ મેચ જીતી હતી. પહેલી ગેમમાં હાર્યા પછી લક્ષ્ય સેને બેક ટુ બેક બે ગેમ જીતી બાજી પલટી દીધી હતી. ડબલ્સની પહેલી ગેમમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકને હારનો સામનો કરવો પડ્યોે હતો. ત્યારપછી બીજી ગેમમાં કેમબેક કરી મોહમ્મદ અહસન અને કેવિન સંજયાની જોડીને હરાવી દીધી હતી. ત્યારપછી ત્રીજી ગેમ ૨૧-૧૯થી જીતી આ મેચ પોતાને નામ કરી લીધી હતી.

થોમસ કપમાં ફાઇનલ સુધીની ભારતની સફર શાનદાર રહી. ભારતીય ટીમને ફાઇનલમાં પ્રવાસમાં ગ્રુપ સ્ટેજની મેચમાં ચાઇનીઝ તાઇપેઇ સામે એકમાત્ર હાર મળી હતી. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં જર્મનીને ૫-૦થી, કેનેડાને ૫-૦થી હરાવ્યું હતું. તે જ સમયે તેની ચીની તાઇપેઇ સામે ૨-૩થી હાર થઇ હતી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પાંચ વખતના વિજેતા મલેશિયાને હરાવ્યું જ્યારે સેમી ફાઇનલમાં ૩૨ વખત અંતિમ ચરણમાં રમનારી ડેનમાર્ક જેવી ટીમને હરાવી હતી. વળી ડેનમાર્ક ૨૦૧૬ની વિજેતા ટીમ છે.

અનુભવી કિદાંબી શ્રીકાંતે ભારતના લલાટ પર જીતનું તિલક લગાવ્યું. વર્લ્ડ નં. ૧૧ શ્રીકાંત જ્યારે કોર્ટ પર ઉતર્યો ત્યારે તેના શિરે વધુ એક સિંગ્લસ જીતની જવાબદારી હતી. તે વખતે ભારતને ૨-૦ની લીડ હતી. ડાબોડી આ શટલરે પોતાના કરતાં વધારે રેકિંગવાળા જોનાથન ક્રિસ્ટીને સીધી ગેમમાં ૨૧-૧૫, ૨૩-૨૧થી હરાવ્યો