૩૭૦ પર નિર્ણયની ટીકા કરનાર બ્રિટિશ સાંસદને ભારતમાં નો-એન્ટ્રી

 

નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દા પર બ્રિટિશ સાંસદની સર્વદળીય ટીમની અધ્યક્ષતા કરી રહેલાં બ્રિટનનાં સાંસદે દાવો કર્યો કે કાયદેસર પાસપોર્ટ હોવા છતાં પણ દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા બાદ તેમને એન્ટ્રી આપવામાં ન આવી અને દુબઈ ડિપોર્ટ કરી દેવામાં આવ્યાં, જ્યાંથી તેઓ ઇન્દિરા ગાંધી એરપોર્ટ પહોંચ્યાં હતાં. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયની ટીકા કરનાર સાંસદ ડેબી અબ્રાહમ્સનો દાવો છે કે તેમના વિઝા ઓક્ટોબરમાં સમાપ્ત થવાના હતા, પરંતુ તેમને સોમવારે માહિતી મળી કે તેમના ઇ-વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. ડેબી ભારતમાં પોતાના સંબંધીઓને મળવા આવી રહી હતી. મહત્ત્વનું છે કે ડેબી બ્રિટનના સાંસદોના તે સમૂહનો ભાગ હતાં, જેણે જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવ્યા બાદ સત્તાવાર પત્ર લખ્યો હતો. જાણકારી સામે આવ્યા બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તિરુવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું હતું કે ‘જો કાશ્મીરમાં બધું યોગ્ય છે તો શું સરકારની ટીકા કરનાર લોકોને તેની નજરથી ત્યાંની સ્થિતિ ન જોવા દેવી જોઈએ, જેથી તેના ડર પર વિરામ લાગે?’

બીજી તરફ, ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે બ્રિટિશ સાંસદને એ જાણકારી આપવામાં આવી કે તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે છતાં તેઓ દિલ્હી પહોંચી ગયા હતા. તો પીટીઆઇએ ડેબી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું હતું ‘મને ૧૩ ફેબ્રુઆરી પહેલાં કોઈ મેલ આવ્યો ન હતો. ત્યાર બાદથી તેઓ યાત્રા પર હતાં અને ઓફિસથી બહાર હતાં.’ તેમણે દાવો કર્યો કે તેઓ દિલ્હીમાં ઇમિગ્રેશન ડેસ્કની પાસે પહોંચ્યાં તો અધિકારીઓએ પોતાની સ્ક્રીન પર થોડા સમય જોયું અને પછી કહ્યું, તમારા વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું હતું કે અધિકારીઓએ પાસપોર્ટ લીધો અને ૧૦ મિનિટ સુધી ગાયબ રહ્યા હતા. 

લેબર પાર્ટીના સાંસદ ડેબીએ આગળ કહ્યું, જ્યારે તેઓ પરત આવ્યાં તો તેમણે ઊંચા અવાજે વાત કરી અને મને રાડ પાડીને કહ્યું, મારી સાથે આવો. મેં તેમને કહ્યું, મારી સાથે આમ વાત ન કરી શકો, ત્યાર બાદ મને ડિપોર્ટી સેલની પાસે લઈ જવામાં આવી હતી.