૩૬ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ હવે ૯ વાગ્યાથી સવારના ૬ સુધી

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને કારણે રાજ્યનાં ૩૬ શહેરમાં રાત્રે ૮થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત ૨૭ મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી  આંશિક રાહત આપવામાં આવી છે. 

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યનાં ૩૬ શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં ૮ મહાનગર અને ૩૬ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત ગુરુવારે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. 

સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શાપિંગ કોમ્પલેક્સ, માર્કાટિંગ યાર્ડ, હેર કાટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે ૯થી બપોરના ૩ સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વામિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે ૫૦ વ્યક્તિ અને અંતિમવિધિ માટે ૨૦ વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ ૫૦ ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસસેવા ૫૦ ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ-રેસ્ટોરાં સવારે ૯થી રાત્રિના ૮ વાગ્યા સુધી ચાલુ રહી શકશે, પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે. તેમજ અન્ય નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે.સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ ૩૬ શહેરમાં ગત શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શાપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે ૯થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે. જોકે આ તમામ શહેરોમાં રાત્રે ૮થીસવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આ આદેશ ૨૧થી ૨૮મી મે સુધી અમલી હતો.