૩૧થી વધુ દેશોમાં કોરોનાનો સકંજોઃ મૃતાંક ૪૬૫ઃ ચીનમાં કોરોનાથી ૨૪ હજારથી વધુનાં મોત?

 

બીજિંગઃ ખતરનાક સાબિત થઈ રહેલા કોરોના વાઇરસનો આતંક ચીનમાં હજુ પણ ચાલુ જ છે. એકલા ચીનમાં મોતનો આંકડો હવે વધીને ૪૬૫ ઉપર પહોંચી ગયો છે, જ્યારે અસરગ્રસ્તોની સંખ્યાનો આંકડો ૧૭,૩૦૦ સુધી પહોંચી ગયો છે. દુનિયાના ૩૧ દેશોમાં કોરોના વાઇરસે એનો સકંજો જમાવી લીધો છે. બીજી બાજુ, ફિલિપિન્સમાં એકના મોતને કારણે દુનિયાના અન્ય દેશો પણ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. સાવચેતીનાં તમામ પગલાં દુનિયાના દેશો લઈ રહ્યાં છે. દુનિયાના તમામ દેશોએ તેમનાં વિમાનીમથકે યાત્રીઓની ચકાસણી તીવ્ર બનાવી દીધી છે. ચીનના લોકોથી દૂર રહેવાના પ્રયાસ હવે તમામ દેશોના લોકો કરી રહ્યા છે. ચીનનાં જુદાં જુદાં શહેરોમાં ૬ કરોડથી વધારે લોકોને હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાઇરસને લઈને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના વાઇરસ બેકાબૂ છે અને મોતનો આંકડો વધી રહ્યો છે. થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, જાપાન, વિયેતનામ, સિંગાપોર જેવા દેશોમાં વાઇરસે આતંક મચાવી દીધો છે. આ દેશો બાદ હવે કોરોના વાઇરસે યુરોપમાં પણ દહેશત ફેલાવી દીધી છે. 

કોરોના વાઇરસને કારણે દહેશત વચ્ચે દુનિયાભરનાં વિમાનીમથકો પર એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દુનિયાના અનેક દેશો વાઇરસના સકંજામાં આવી ગયા છે, જેમાં નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, જાપાન, તાઇવાન, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, ફિલિપિન્સ અને અમેરિકાનો સમાવેશ થાય છે.

મોતના વાસ્તવિક આંકડા ભય ઊપજાવે એવા છે!

ચીનની વેબસાઇટ ટેન્સેન્ટે ભૂલથી કોરોનાના સાચા આંકડા જાહેર કર્યા કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે. વિડિયોગેમ અને મલ્ટીમીડિયા મનોરંજનની આ સાઇટ પર પહેલી ફેબુ્રઆરીએ કોરોના ટ્રેકર નામનો વિભાગ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં કોરોના વાઇરસ અંગેના આંકડા જાહેર થયા હતા. આ સાઇટ પર પહેલી તારીખે રાતે ૧૧ વાગ્યા પછી મૃત્યુઆંક ૨૪,૫૮૯ તથા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૧,૫૪,૦૨૩ દેખાડાઈ હતી. ચીનમાં ખૂબ મોટી સંખ્યામાં મોત થયાં છે અને લાખોને ચેપ લાગ્યો છે, પરંતુ ચીન સરકાર સત્ય જાહેર કરતી નથી. થોડીવારમાં આ વાત ઇન્ટરનેટ પર વહેતી થતાં ટેન્સેન્ટે તરત આંકડા હટાવી લીધા હતા અને સરકારે જે આંકડા જાહેર કર્યા એ મૂકી દીધા હતા. આવું ત્રણ વખત થયું હતું, જ્યારે આંકડા મોટી સંખ્યામાં દર્શાવી દેવાયા હતા અને પછી હટાવી લેવાયા હતા. માટે ચીન સરકાર કોરોના વાઇરસ અંગે વિગતો છુપાવતી હોવાની વાત વધારે દઢ બની હતી.

રોગચાળો ડિસેમ્બરથી ફેલાઈ રહ્યો છે, પરંતુ ચીની સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ આ વાઇરસ અંગે પૂરતી વિગત આપી ન હતી. માટે ઓર્ગેનાઇઝેશને ચીનના અસહકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોરોના અંગે ચીનની ઘણી હિલચાલ શંકાસ્પદ જણાય છે, માટે આ વાઇરસ કુદરતી રીતે નથી ફેલાયો એવું માનનારો વર્ગ વધી રહ્યો છે