૩૦ ટકા વસતિ ધરાવતાં ૯ રાજ્યોની સરકારો નાગરિક્તા કાયદાના વિરોધમાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં એક અઠવાડિયાથી ૧૪ રાજ્યોમાં નવા નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. નાગરિકતા સુધારા કાયદો એટલે કે સીએએ અને બીજો નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન એટલે કે એનઆરસીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.
નવા નાગરિકતા કાયદાનો અત્યારસુધીમાં નવ મુખ્યમંત્રીઓ વિરોધ કરી ચૂક્યા છે. આ નવ એવાં રાજ્યો છે, જેમાં દેશની ૩૦ ટકા વસતિ વસે છે, જેમાં ૧૮ ટકા વસતિ ધરાવતાં પાંચ રાજ્યો એવાં છે કે ત્યાંના મુખ્યમંત્રીઓએ સ્પષ્ટ રીતે કેન્દ્ર સરકારને જણાવી દીધું છે કે તેઓ આ કાયદો તેમના રાજ્યમાં લાગુ નહિ થવા દે, જ્યારે સાત એવાં રાજ્યો છે કે ત્યાંના મુખ્યમંત્રીઓએ કહી દીધું છે કે તેઓ એનઆરસીનો કાયદો લાગુ થવા નહિ દે.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીના મુખ્યમંત્રી નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમણે નાગરિકતા કાયદો લાગુ નહિ થવા દેવાની વાત સ્પષ્ટ રીતે નથી કરી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ કહ્યું છે કે કોંગ્રેસનું વલણ હશે એ જ અમારું વલણ હશે. તેલંગણાની સત્તાધારી પાર્ટી ટીઆરએસે સંસદમાં આ બિલનો વિરોધ કર્યો હતો, પરંતુ એને લાગુ કરવા અંગે તેણે કોઈ સ્પષ્ટતા કરી નથી.
દેશની ૧૮ ટકા વસતિ ધરાવતાં પાંચ રાજ્યો નાગરિકતા કાયદાના વિરોધમાં છે, જેમાં પશ્ચિમ બંગાળનાં તૃણમૂલ કોંગ્રેસનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજસ્થાનના કોંગ્રેસના અશોક ગેહલોત, પંજાબના કોંગ્રેસના મુખ્યમંત્રી અમરીન્દર સિંહ, પુડુચેરીના કોંગ્રેસના મુખ્યમંત્રી નારાયણસામી અને કેરળના કોમ્યુનિસ્ટ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન.
મધ્યપ્રદેશ કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથ, છત્તીસગઢ કોંગ્રેસના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, તેલંગણાના કેસીઆસ, ટીઆરએસ અને દિલ્હીના આપ પક્ષના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત જો આ કાયદો લાગુ નહિ કરે તો દેશની ૩૦ ટકા વસતિને અસર થશે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)