૩૦૦ લોકોએ અમદાવાદમાં કોવેક્સિનની ટ્રાયલ લીધી

 

અમદાવાદઃ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. અત્યાર સુધી ૩૦૦ સ્વંયસેવકો વેેક્સિનની ટ્રાયલ લઈ ચૂક્યા છે.  

કોવેક્સિનન રસીના ટ્રાયલ અંગે સોલા સિવિલ હોસ્પિટલના ડો. કિરણ રામીએ જણાવ્યું કે, અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ૩૦૦ સ્વયંસેવકોને વેેક્સિનની ટ્રાયલ અપાઈ છે. ટ્રાયલમાં ભાગ લેવા માટે ધીમે ધીમે શહેરીજનોનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી વેેક્સિન લેનાર એકપણ સ્વયંસેવકમાં કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. 

શરૂઆતમાં ૫ કે ૭ સ્વયંસેવકોને વેેક્સિનની ટ્રાયલ અપાતી હતી, તેના બદલે હાલ ૩૦ જેટલા સ્વયંસેવકોને રોજ વેક્સિનની ટ્રાયલ અપાઈ રહી છે. તો બીજી તરફ, રોજના ૫૦ જેટલા લોકો વેેક્સિન લેવા માટે ઇન્કવાયરી કરી રહ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૦૦૦ જેટલા સ્વયંસેવકોને વેેક્સિન આપવાનો અમારો લક્ષ્યાંક છે. દરેક સ્વયંસેવકોને ૭૫૦ રૂપિયા આગામી ૮ મહિના સુધી આપવામાં આવી રહ્યા છે. 

ડો. કિરણ રામીએ વધુમાં કહ્યું કે, વેક્સિનના ટ્રાયલમાં ભાગ લેવા માટે સ્વયંસેવકોની સંખ્યામાં વધારો થતાં હવે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી વેેક્સિનની ટ્રાયલ આપવામાં આવી રહી છે. શનિવાર અને રવિવારે પણ સ્વયંસેવકોને ટ્રાયલ અંતર્ગત વેેક્સિન અપાઈ રહી છે. 

વેેક્સિનના ટ્રાયલમાં કોને ખરી વેેક્સિનનો ડોઝ અપાયો અને કોને પ્લેસીબો અપાઈ તેની કોઈને જાણ હોતી નથી. પણ હાલ જો કોઈને પ્લેસીબો પણ આપવામાં આવશે તો પાછળથી તેમને વેેક્સિન માટે અગ્રીમતા આપવામાં આવશે. હાલ જે સ્વયંસેવકો ટ્રાયલ અંતર્ગત વેક્સિન લઈ રહ્યા છે, તેમને ૨૮ દિવસ બાદ બીજો ડોઝ પણ આપવામાં આવશે. 

તો બીજી તરફ, કોવિડની સંભવિત રસીકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સજ્જ થયું છે. AMC હસ્તકના ૭૬ અર્બન હેલ્થ સેન્ટર પર ૧૦૦ રેફ્રિજરેટર તૈયાર રખાયા છે. સરકાર પાસે અન્ય ૨૦ આઇસ લાઇન્ડ રેફ્રિજરેટરની માંગણી કરાઈ છે. ૨૦ ડિગ્રી તાપમાનમાં કોરોના વેક્સિન રાખી શકાશે. શહેરની જરૂરિયાત મુજબ ગમે તેટલો મોટો જથ્થો રાખી શકાશે. પ્રથમ તબક્કામાં તમામ હેલ્થ વર્કરને આવરી લેવાશે. સરકારી અને ખાનગી હોસ્પિટલનો તમામ સ્ટાફ મળી અંદાજે ૭૦,૦૦૦ લોકોને અમદાવાદમાં કોરોનાની રસી અપાશે. બીજા તબક્કામાં AMC અને પોલીસના ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવશે.