૨૬/૧૧ના હુમલા બાદ પાક. સામે કાર્યવાહી ન કરનારી યુપીએ સરકાર નબળી

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. પંજાબના આનંદપુર સાહિબના સંસદસભ્ય અને કોંગ્રેસના અસંતુષ્ટ જી-૨૩ જૂથના નેતા મનિષ તિવારીએ ૨૬/૧૧ના મુંબઈના આતંકવાદી હુમલા સંદર્ભે મનમોહન સિંહની સરકારની નીતિની ટીકા કરી છે. ૧૦ ફ્લેશ પોઈન્ટ્સ; ૨૦ યર્સ-નેશનલ સિક્યુરિટી સિચ્યુએશન્સ ધેટ ઈમ્પેક્ટેડ ઈન્ડિયા પુસ્તકમાં મનીષ તિવારીએ કહ્યું છે કે સંયમના નામે સરકાર નરમ પડી ગઈ હતી, એ તાકાત નહીં પરંતુ નબળાઈની નિશાની છે.

મનિષ તિવારીના આ પુસ્તકને કારણે ભાજપને આવતા વર્ષે યોજાનારી રાજ્યોની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પર હુમલો કરવાની તક મળી છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મીડિયા સમક્ષ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઊઠાવતાં કહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી શું આજે તમે ચુપકીદી તોડશો? અમારો સવાલ એ છે કે, આપણું સૈન્ય પાકિસ્તાનને પાઠ ભણાવવા માગતું હતું અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની પરવાનગી માગી હતી, પરંતુ આપણી બહાદુર સેનાને ત્યારે અનુમતિ કેમ આપવામાં આવી નહોતી?

મનિષ તિવારીએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે સેંકડો નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યા માટે સંતાપ થતો ન હોય એ સંયમની નહીં પરંતુ નબળાઈની નિશાની છે. અમુક સમયે શબ્દો નહીં, કાર્યવાહી જ વધુ બોલે છે. ૨૬/૧૧નો હુમલો આવો જ એક સમય હતો. તિવારીએ ‘૨૬/૧૧ની ઘટનાને અમેરિકાના ૯/૧૧ના’ હુમલા સાથે સરખાવતાં કહ્યું હતું કે ભારતે પણ એ સમયે ઝડપી અને કઠોર પ્રતિક્રિયા દર્શાવવી જોઈતી હતી.

ગૌરવ ભાટિયાએ મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે ૨૬/૧૧ના હુમલા બાદ કઠોર પ્રતિક્રિયા નહીં દર્શાવીને રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાડી હતી. કોંગ્રેસની નિષ્ફળતાની આ કબૂલાત વાંચીને દરેક ભારતીયની જેમ અમને દુઃખ થયું છે. આ પુસ્તક એ વાતની પુષ્ટિ કરે છે કે યુપીએ સરકાર અસંવેદનશીલ, નકામી હતી અને એને રાષ્ટ્રીય સુરક્ષાની પણ પડી નહોતી.

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું હતું કે સલમાન ખુર્શીદ બાદ કોંગ્રેસના અન્ય એક નેતાએ પોતાનું પુસ્તક વેચવા માટે યુપીએ સરકારની નબળાઈની આલોચના કરી છે. એર ચીફ માર્શલ ફલિ મેજર પહેલાંથી જ કહેતા આવ્યા છે કે ભારતીય વાયુ સેના હુમલો કરવા માટે તૈયાર હતી પરંતુ યુપીએ સરકારે અટકાવી હતી. સલમાન ખુર્શીદે પોતાના નવા પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા જેહાદી જૂથો સાથે કરી છે.

મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં જુદી જુદી જગ્યાએ કરેલા હુમલામાં ૧૬૬ લોકો મૃત્યુ પામ્યા હતા. જીવતા પકડવામાં આવેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસાબને ૨૦૧૨ની ૨૧ નવેમ્બરે ફાંસી આપવામાં આવી હતી.