૨૬ કિલો વજનવાળું પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર એક સેકન્ડમાં એક સેમી જેટલું ચાલશે

ચંદ્રયાન-૩માં હવે સૌથી મહત્વની ભૂમિકા પ્રજ્ઞાન રોવરની રહેવાની છે. પ્રજ્ઞાન રોવરનું વજન ૨૬ કિલો છે. જેમાં ૬ પૈડાં લગાવેલા છે. વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ પછી પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્યકામ ચંદ્ર પરની સંશોધન માહિતી પૃથ્વી સુધી પહોંચાડવાની છે. પ્રજ્ઞાનનો આકાર રેકટેંગુલર પ્રકારનો છે. રોવર પ્રજ્ઞાન પર સોલર પેનલ લગાવેલા છે. આ બંને નેવિગેશન કેમેરા સહિત સાઇન્ટિફિક પેલોડથી લેસ છે. પ્રજ્ઞાન રોવર જ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરશે. આ ઉપરાંત ચંદ્રની સપાટી પર મળતા રસાયણો પણ શોધશે કારણકે રોવર કેમિકલ એનાલિસિસ કરવામાં સક્ષમ છે. પ્રજ્ઞાનમાં આલ્ફા પાર્ટિકલ એકસ કે સ્પેકટ્રોમીટર લગાવેલું છે. આ ઉપરાંત લેજર ઇન્ડયૂસ્ડ બ્રેકડાઉન સ્પેકટ્રોમીટર પણ ફીટ કરેલું છે. પ્રજ્ઞાન ચંદ્ર પર એક દિવસ સુધી સંશોધન કરશે. ચંદ્ર પર એક દિવસ પૃથ્વીના ૧૪ દિવસ બરાબર થાય છે. પ્રજ્ઞાન મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પોટેશિયમ, કેલ્શિયમ, ટાઇટેનિયમ અને આયરન જેવા ખનીજ સંબંધી જાણકારી મેળવશે. રોવરમાં લગાવેલી સોલર પ્લેટો પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર ભ્રમણ કરવાની ઉર્જા પૂરી પાડશે. પ્રજ્ઞાન ચંદ્ર પર ભારતનું નિશાન છોડશે. રોવરમાં કુલ ૬ પૈડા છે જેના છેલ્લા બે પૈડામાં ઇસરો અને દેશનું રાષ્ટ્રચિહન અંકિત કરવામાં આવ્યું છે. રોવર ચંદ્ર પર એક સેકન્ડમાં એક સેમી જેટલું ચાલે છે. સોલર પાવરની મદદથી ચાર્જ કરવામાં આવશે જેમાં ૫૦ વોટનો પાવર છે.