૨૪ કલાકમાં ૮૬ લાખથી વધુએ વેક્સિન લઈ ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 

નવી દિલ્હીઃ ભારતમાં રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. યોગ દિવસ સાથે સરકારે રસીકરણ મહાઅભિયાનને જોડ્યો છે. સોમવારથી દેશમાં દરેક રાજ્યોમાં ફ્રી વેક્સિનેશન શરૂ થયું છે. આ શરૂઆત સાથે, એક દિવસમાં કોરોના રસીકરણના કિસ્સામાં ૮૬ લાખ લોકોએ રસી લઈ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેસમાં ભારતે અમેરિકાને પણ પાછળ ધકેલી દીધું છે. 

લોકોને વેક્સિન આપવા બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ રેકોર્ડ તોડ વેક્સિનેશન આનંદદાયક છે. કોરોના સામે લડવા માટે વેક્સિન તે આપણું સૌથી મજબૂત શસ્ત્ર છે. જેમને વેક્સિન આપવામાં આવી છે તે બધાને અભિનંદન.

સોમવારે દેશમાં વેક્સિન અપાયેલા લોકોની સંખ્યા કરતા ઓછી વસ્તીવાળા વિશ્વના ૧૩૪ દેશો છે. જેમાં હોંગકોંગ, સિંગાપોર, ન્યૂ ઝીલેન્ડ, કુવૈત, નોર્વે અને ફિનલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. ભારતમાં, એક દિવસમાં ઇઝરાયલ અને સ્વિટ્ઝર્લેન્ડની વસ્તી જેટલા લોકોને લગભગ વેક્સિન આપવામાં આવી છે. આ સંદર્ભમાં, આપણે અમેરિકાને પણ પાછળ ધકેલી દીધું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એક દિવસમાં ૪૦ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ રેકોર્ડ ૪ એપ્રિલે નોંધવામાં આવ્યો હતો. 

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કુલ ૬.૮૭ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. તેના કરતાં લગભગ દોઢ ગણા ભારતમાં એક જ દિવસમાં આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે દેશમાં ૮૬ લાખથી વધુ રસી આપવામાં આવી છે. જ્યારે રાજ્યોમાં રસીકરણની વાત આવે છે ત્યારે મધ્યપ્રદેશ ટોચ પર છે. કારણકે કુલ વેક્સિનેશનના ૧૯ ટકા વેક્સિનનેશન મધ્યપ્રદેશમાં થયું છે. મધ્યપ્રદેશ રાજ્યમાં અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ લોકોને કોરોના સામે રસી આપવામાં આવી છે. બીજા સ્થાને કર્ણાટક છે જ્યાં આશરે છ લાખ રસી આપવામાં આવી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. અહીં ચાર લાખથી વધુ લોકોને એન્ટી કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે હાલ રસીકરણનો હવાલો લીધો છે, માટે જ વડા પ્રધાનના નિર્ણયને પણ રસીકરણની ગતિમાં વધારો થવા પાછળનું એક મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તેમણે જાહેરાત કરી હતી કે ૨૧ જૂનથી, વહીવટ કરવાની સંપૂર્ણ જવાબદારી રસીકરણ કેન્દ્રની રહેશે. વડા પ્રધાન મોદીએ ૭ જૂને કહ્યું હતું કે ૨૧ જૂનથી તમામ ૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે, કેન્દ્ર સરકાર રાજ્યોને નિઃશુલ્ક રસી આપશે.