૨૪૦ વર્ષમાં ત્રીજીવાર રાષ્ટ્રપ્રમુખને હટાવવા વોટિંગઃ ટ્રમ્પ સામે મહાભિયોગનો પ્રસ્તાવ પાસ

વોશિંગ્ટનઃ સત્તાનો દુરુપયોગ કરવા અને અમેરિકી સંસદ (કોંગ્રેસ)ની કામગીરીમાં અડચણ ઊભી કરવાના ગુનાસર સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે બુધવારે રાતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઇમ્પિચ કર્યા છે. સત્તાના દુરુપયોગ બદલ અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ઇમ્પિચ કરવા અંગેના મુદ્દે લેવાયેલા મતદાનમાં ૨૩૦ સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો, જયારે ૧૯૭ જણે વિરુદ્ઘમાં મત આપ્યો હતો. બીજો મુદ્દો હતો કોંગ્રેસની કામગીરીમાં અવરોધ પેદા કરવાનો. એની પર થયેલા મતદાનમાં ૨૨૯ મત ટ્રમ્પની વિરુદ્ઘમાં પડ્યા હતા અને ૧૯૮ તેમની તરફેણમાં પડ્યા હતા. અમેરિકાના ઇતિહાસમાં ઇમ્પિચમેન્ટ એ સૌથી શરમજનક રાજકીય પ્રકરણ કહેવાય છે. ટ્રમ્પ વિરુદ્ઘ મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) કાર્યવાહી ચલાવવી કે નહિ એ મુદ્દે પ્રતિનિધિઓની સભામાં મતદાન કરવામાં આવ્યું હતું. એમાં ડેમોક્રેટિક પક્ષના ૨૩૦ સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો, જ્યારેે ૧૯૭ જણે વિરુદ્ઘમાં મત આપ્યો હતો. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે. અમેરિકાના ઇતિહાસમાં હજી સુધી કોઈ પણ અમેરિકી પ્રમુખને મહાભિયોગની પ્રક્રિયા મારફત પ્રમુખપદેથી દૂર કરવામાં આવ્યા નથી. અત્યારસુધીમાં માત્ર બે જ વખત પ્રમુખને મહાભિયોગ સામે જવું પડ્યું છે. બુધવારે અમેરિકી સંસદના પ્રતિનિધિઓના ગૃહમાં તમામ ડેમોક્રેટિક સભ્યોએ પ્રમુખ ટ્રમ્પને ઇમ્પિચ કરવા માટે મત આપ્યો હતો. હવે આ પ્રસ્તાવ સંસદના બીજા ગૃહ, સેનેટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ મુકદ્દમાનું પ્રમુખપદ સંભાળશે.
૧૦૦ સભ્યોની સેનેટમાં શાસક રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. રાજકીય સમીક્ષકોનું માનવું છે કે ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવનો પરાજય થશે અને ડેમોક્રેટિક પાર્ટી કદાચ ટ્રમ્પને પ્રમુખપદેથી હટાવી નહિ શકે. સેનેટમાં શાસક પક્ષના નેતા મિચ મેકકોનેલે કહ્યું હતું કે તેઓ આવતા વર્ષના આરંભમાં ઇમ્પિચમેન્ટ કાર્યવાહી શરૂ કરાવશે. ડોનાલ્ડ ટ્રમ્પને કસૂરવાર ઠેરવવા માટે ડેમોક્રેટિક પાર્ટીને સેનેટમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડે. પ્રતિનિધિ સભાનાં સ્પીકર અને ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા નેન્સી પેલોસીએ કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પના બેજવાબદાર પગલાંને કારણે ઇમ્પિચમેન્ટ કરવાની જરૂર પડી છે એ દુર્ભાગ્યની વાત કહેવાય. ઇમ્પિચ કર્યા સિવાય તેમણે અમારા માટે કોઈ વિકલ્પ જ છોડ્યો નહોતો. ભારતીય અમેરિકન કોંગ્રેસીજન રાજા કૃષ્ણમૂર્તિએ એક ઇ-મેલ દ્વારા તેમના સમર્થકોને કહ્યું હતું કે હું હમણાં જ ગૃહમાંથી બહાર નીકળ્યો છું અને મેં પ્રમુખ ટ્રમ્પને ઇમ્પિચ કરવા માટે મત આપ્યો છે. ટ્રમ્પે સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને આપણી રાષ્ટ્રીય સલામતીને દાવ પર મૂકી દીધી હતી.