૨૨૯ બેઠકોમાંથી ૧૭૫ બેઠકો પર ભગવો લહેરાયોઃ પટેલ-પાટીલ જોડીની પહેલી જીત

 

ગાંધીનગરઃ ગુજરાતમાં સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીઓમાં ૨૩૨ બેઠક પર ત્રીજી ઓક્ટોબરના રોજ મતદાન થયું હતું. જેમાંથી ૩ બેઠકો પરની ચૂંટણી રદ થતાં બાકીની ૨૨૯ બેઠકના પરિણામ મંગળવારે જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ ૧૭૫ પર વિજય સાથે સપાટો બોલાવ્યો હતો. કોંગ્રેસને ૪૫ અને અન્યને ૯ બેઠકો પ્રાપ્ત થઇ છે. 

ગુજરાતના પાટનગર ગાંધીનગરની  મહાનગરપાલિકામાં ભાજપે ૧૧ વોર્ડની ૪૪ બેઠકમાંથી ૪૧ બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ બે અને આમ આદમી પાર્ટીનો માત્ર એક બેઠક સાથે  સફાયો થયો હતો. પાટનગરમાં કેસરીયો લહેરાતા રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારને ગાંધીનગરના ભવ્ય વિજયની પહેલી ભેટ મળી હતી. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ગાંધીનગર મનપામાં પહેલી વાર મળેલી સંપૂર્ણ બહુમતિની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ અને આપના કાર્યાલયોમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી દરમિયાન ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ કોરોનાકાળમાં લોકો સાથે સંપર્ક જાળવ્યો અને નાની મોટી તકલીફોમાં તેમની સાથે રહ્યાં જેના કારણે ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. ગુજરાતની રાજનીતિમાં ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી. આમ, ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મહેનત રંગ લાવી છે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ અને સી.આર.ની જોડીએ ચૂંટણી જંગ જીતવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગાંધીનગર મનપાની કુલ ૪૪ બેઠકોમાં ૪૧ બેઠક પર ભાજપે જીત સાથે સત્તા હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને ૨ અને આપ પક્ષને ૧ બેઠક મળી છે. 

આમ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ૧૦ વર્ષ બાદ પ્રથમ વખત ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતી એ આગામી વર્ષ ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર મનાય છે. જો કે, બહુ ગાજેલી આમ આદમી પાર્ટીને માત્ર ગાંધીનગર મનપામાં ૧ બેઠક મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા ગાંધીનગરમાં ‘પંજા’નો સફાયો થવા પામ્યો છે.

ગાંધીનગર મનપામાં વર્ષ ૨૦૧૧માં મહાનગપાલિકા બન્યા પછી પહેલી ચૂંટણીમાં કોંગ્રેસને ૧૬ બેઠકો અને ભાજપને ૧૫ બેઠકો પર લોકોએ જીતાડ્યા હતા, પરંતુ પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાએ એક જ વર્ષમાં પક્ષપલટો કરી સત્તા ભાજપને આપી દીધી હતી. આ પક્ષપલટો લોકો માટે આંચકો હતો. છતાંય બીજી ચૂંટણી કે જે ૨૦૧૬માં થઇ હતી જેમાં લોકોએ કોંગ્રેસને ફરી ૧૬ બેઠકો આપી હતી અને ભાજપે પણ ૧૬ બેઠકો જીતી હતી. તેમાં પણ ફરી પક્ષપલટો થતા ભાજપે સત્તા આંચકી લીધી હતી. આમ બંને વાર લોકોએ કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો પરંતુ કોંગ્રેસી નેતાઓએ પક્ષપલટો કરીને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ વખતે લોકોએ સીધી જ સત્તા ભાજપને આપી દીધી છે.

મંગળવારે ગાંધીનગર મહાનગરપાલિકા સાથે નગરપાલિકા અને તાલુકાપંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં થરા નગરપાલિકાના ૫ વોર્ડ, ભાણવડના ૬ વોર્ડ અને ઓખા પાલિકાના ૯ વોર્ડનું ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં થરા અને ઓખા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે જ્યારે ૨૫ વર્ષ બાદ ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. એ જ રીતે અમદાવાદ અને જૂનાગઢ મહાનગરપાલિકાની અનુક્રમે ૨ બેઠક અને ૧ બેઠક મળીને યોજાયેલી ૩ બેઠકની ચૂંટણીમાંથી અમદાવાદની ઇસનપુર અને ચાંદખેડા મળીને બંને બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે. જાહેર થયેલા પરિણામોમાં જિલ્લા પંચાયતની ૮ બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપને ૫ બેઠક અને કોંગ્રેસે ૩ બેઠક પર જીત મેળવી છે. જેમાં કરંજવેલ, વાંઘરોલી, નાંદોજ, નાંદેજ, રૂમલા બેઠક ભાજપે જીતી છે. જયારે શિવરાજપુર, સાણંથલી, ગાવિંદપરા બેઠક કોંગ્રેસે જીતી લીધી છે. એજ રીતે તાલુકા પંચાયતની કુલ ૪૮ બેઠકમાંથી ભાજપને ફાળે ૨૮ બેઠકો આવી છે. જયારે કોંગ્રેસના ફાળે ૧૪, અપક્ષને ૨ અને અન્યને ૧ બેઠક મળી છે. ૩ બેઠકો પર ચૂંટણી રદ થઇ છે. જ્યારે ઓખા નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકમાંથી ભાજપને ૩૪ અને કોંગ્રેસને ૨ બેઠક પ્રાપ્ત થઇ છે. થરા નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ બેઠકમાંથી ભાજપને ૨૦ અને કોંગ્રેસને ૪ બેઠક પ્રાપ્ત થઇ છે. એ જ રીતે ભાણવડ નગરપાલિકામાં ૬ વોર્ડની ૨૪ બેઠકમાંથી કોંગ્રેસને ૧૬ અને ભાજપને ૮ બેઠકો પ્રાપ્ત થઇ છે