૨૦૨૦માં ભારતમાં ૪૦ અબજપતિઓનો ઉમેરો

 

નવી દિલ્હીઃ કોરોના મહામારી અને લોકડાઉનના વર્ષ ૨૦૨૦માં ૪૦ ભારતીયો અબજપતિઓની ક્લબમાં ઉમેરાયા હતા. આ સાથે દેશમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને ૧૭૭ થઈ છે, એમ એક હેવાલ જણાવે છે. ૮૩ અબજ અમેરિકી ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય તરીકે જળવાઈ રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડાની સંપત્તિમાં ૨૦૨૦માં ૨૪%નો ઉછાળો જોવા મળ્યો અને વિશ્વમાં સૌથી ધનિકોમાં આઠમા સ્થાને પહોંચી ગયા હતા એમ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ જણાવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના ગૌતમ અદાણીની કિસ્મત ચમકી છે. ૨૦૨૦માં એમની સંપત્તિ લગભગ બમણી થઈને ૩૨ અબજ ડોલર થઈ હતી અને ભારતના ધનિકોમાં તેઓ બીજા સ્થાને છે. હુરુન ઈન્ડિયાના એમડી અને મુખ્ય સંશોધક એનસ રહેમાન જુનૈદે કહ્યું કે અમેરિકા અને ચીનમાં ટેકનોલોજી સંચાલિત સંપત્તિ સર્જનની સરખામણીએ ભારતમાં સંપત્તિ સર્જન પર પરંપરાગત ઉદ્યોગોનું વર્ચસ્વ રહ્યું. જ્યારે પણ ટેકનોલોજી ચાલિત સંપત્તિ સર્જન એની પૂર્ણ સંભાવનાઓએ પહોંચશે ત્યારે ભારત અબજપતિઓની સંખ્યા મામલે અમેરિકાને હરાવી શકે છે.

આઈટી કંપની એચસીએલના શિવ નાદર ૨૭ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના અબજોપતિઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. આનંદ મહિન્દ્રાની મહિન્દ્રા ગ્રુપની સંપત્તિમાં પણ ૧૦૦ ટકાનો વધારો થયો છે અને તે વધીને ૨.૪ અબજ ડોલર થઈ છે.

બાયકોનની કિરણ મઝુમદારની સંપત્તિ ૪૧ ટકા વધીને ૪.૮ અબજ ડોલર થઈ છે. તો, આ સમયગાળા દરમિયાન પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણની સંપત્તિ ૩૨ ટકા ઘટીને ૩.૬ અબજ ડોલર થઈ છે. સોફ્ટવેર કંપની ઝેડક્લેરના જય ચૌધરીની સંપત્તિ આ સમયગાળા દરમિયાન ૨૭૪ ટકા વધી ૧૩ અબજ ડોલર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here