૧૮ વર્ષથી વધુના તમામને કોરોનાની રસી આપોઃ આઇએમએનો અનુરોધ

 

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એક તરફ ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (IMA)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવો અનુરોધ કર્યો છે ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવે.  જોકે કેન્દ્ર સરકારે તમામ વયસ્કોને રસીનું સૂચન ફગાવી દીધું છે અને કહ્યું છે કે હાલ તમામને રસી આપવાની કોઇ  યોજના નથી, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ કહ્યું  હતું કે રસીકરણ અભિયાનના બે લક્ષ્ય છે મોતને રોકવાનું અને આરોગ્ય સિસ્ટમને બચાવવાનું . જેમની ઇચ્છા હોય એ તમામને રસી આપવાનો અમારો  ઉદેશ નથી, જેમને જરૂર છે તેમને રસી આપીએ છીએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે સંક્રમણ સૈથી વધુ ફેલાયું છે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ૨પ વર્ષથી વધુ વયના બધા લોકોને રસીકરણમાં આવરી લેવા માટે વડા પ્રધાનને સૂચન કર્યું છે. આઈએમએ દ્વારા વડા પ્રધાનને લખેલા પત્રમાં જણાવાયું છે કે હાલના સમયમાં ૪પ વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ અભિયાનમાં સામેલ કરાયા છે પણ સંક્રમણની બીજી લહેર ઝડપભેર ફેલાઈ રહી છે ત્યારે અમારું એવું સૂચન છે કે રસીકરણની ઝુંબેશને તાત્કાલિક યુદ્ધના ધોરણે વધારવામાં આવે અને ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને રસીકરણની અનુમતિ આપવામાં આવે. કોવિડ રસીકરણની સુવિધા દરેક વ્યક્તિ માટે મફત અને નજીકના સ્થળ પર ઉપ્લબ્ધ હોવી જોઈએ. 

મેડિકલ એસોસીએશને એવું પણ સૂચન કર્યું છે કે ખાનગી ક્લિનિકોને પણ સક્રિય રીતે રસીકરણ અભિયાનમાં સામેલ કરવા જોઈએ. જાહેર સ્થળોએ પ્રવેશ અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ મેળવવા માટે રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત બનાવવું જોઈએ. કોરોના જે રીતે વધી રહ્યો છે તેને જોતાં મોટા પાયે રસીકરણ અને ખાનગી ક્ષેત્રોની  પણ ભાગીદારી જરૂરી છે. આઈએમએ ઝડપી રસીકરણ માટે પોતાના સંખ્યાબળ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપે છે. દરમ્યાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ વડા પ્રધાનને એવો અનુરોધ કર્યો છે કે ૨પ વર્ષથી વધુ વયના તમામ લોકોને રસીકરણમાં આવરી લેવામાં આવે. તેમણે વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે યુવાઓ અને કામ પર જનારા વર્ગને રસીકરણમાં સાંકળી લેવાથી કોરોનાના ફેલાવા પર નિયંત્રણ મૂકી શકાશે