૧૮ ભાષાઓમાં જીવનકલાનો ઉત્સવ તપો ગીતા જયંતી ફેસ્ટ ૨૧ દિવસ ઉજવાશે

0
1134

 

 

૫૦૦૦થી વધુ વર્ષ પુરાણી શ્રીમદ્ ભગવદ્ ગીતા કોઈ ધાર્મિક ગ્રંથ નથી, એ છે યુનિવર્સલ-વૈશ્વિક ગ્રંથ અને તેમાંનું જ્ઞાન પ્રાચીન, પણ નિત્ય નૂતન છે અને આજે પણ એટલું જ, કદાચ વધારે પ્રસ્તુત છે. મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધભૂમિની વચ્ચે અર્જુનને આપેલો એ ઉપદેશ જીવન જીવવાની કળા, જીવનનું વિજ્ઞાન દર્શાવે છે જે આજે હજારો વર્ષો પછી પણ એટલું જ પ્રાસંગિક છે. કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં હતાશા, નકારાત્મકતા, ડર, અસલામતીનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ જીવનની સાચી દિશા બતાવે, સમાજમાં આશા અને ઉત્સાહ પ્રેરે, પડકારો સામે મજબૂત બની લડવાની માનસિક શક્તિમાં વધારો કરે તેવા ઉદ્દેશથી ચિન્મય મિશન દ્વારા ૫ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી ૨૧ દિવસના તપો ગીતા જયંતી ગ્લોબલ ઑનલાઇન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

માગશર સુદ એકાદશી એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી આ વર્ષે ૨૫મી ડિસેમ્બરે છે અને ગીતા જયંતીએ જ હિમવત્ વિભૂતિ તરીકે વિખ્યાત સ્વામી તપોવનજી મહારાજની જન્મજયંતી પણ છે જેઓ  ૧૮૮૯માં કેરળમાં જન્મ્યા હતા અને નર્મદા કિનારે સંન્યાસદીક્ષા લઈને ઉત્તરકાશીમાં ગંગાકિનારે એક કુટિમાં ફક્ત કંતાન પહેરીને અત્યંત સાદું તપસ્વી જીવન જીવતા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજીના પ્રખર વિદ્વાન હતા અને સાધકો-શિષ્યોને વેદો અને ગીતાનું ઉત્તમ જ્ઞાન આપતા હતા. સાત દાયકાથી આ જ્ઞાન સરળ અને સચોટ ભાષામાં જન-જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરનાર ચિન્મય મિશન જેમની પ્રેરણાથી શરૂ થયું તે સ્વામી ચિન્મયાનંદજીના તેઓ ગુરુ હતા. આથી જ ગીતા જયંતીની સાથે તપોવન જયંતી ઊજવીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. આ વર્ષના તપો ગીતા જયંતી ફેસ્ટમાં દેશભરમાં આવેલાં ચિન્મય વિદ્યાલયના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ સાંજે ૭.૧૫થી ૮.૦૦ વાગ્યા દરમિયાન ગીતાના એક એક અધ્યાયનું ગાન કરાય છે અને સંસ્થાનાં વિશ્વભરમાં આવેલાં કેન્દ્રોના જુદા જુદા સ્વામી એક એક અધ્યાય પર પ્રવચન આપે છે. છઠ્ઠી ડિસેમ્બરથી દરરોજ સવારે ૧૧.૩૦થી ૧૨.૦૦ વાગ્યા સુધી ગુજરાતી, હિંદી, સિંધી, પંજાબી, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, તમિળ, મરાઠી, કોંકણી, બંગાળી, સંસ્કૃત એમ ભારતીય પ્રાદેશિક ભાષાઓ અને જર્મન, ફ્રેંચ, ડચ, પોર્ટુગિઝ, સ્વીડિશ, સ્પેનિશ જેવી વિદેશી એમ કુલ મળીને ૧૮ ભાષાઓમાં ગીતાપ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઉત્સવ યુ-ટ્યુબ પર ચિન્મય ચેનલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવી રહ્યો છે જેમાં દેશવિદેશમાંથી લોકો આ કાર્યક્રમમાં ઑનલાઇન જોડાઈ રહ્યા છે. 

૨૫મી ડિસેમ્બરે ગીતા જયંતી  તપોવન જયંતીના અવસરે સવારે ૮.૩૦થી ૧૦.૦૦ વાગ્યા સુધી ઉત્તરકાશીમાં તપોવન મહારાજની કુટિનાં વર્ચ્યુઅલ દર્શન અને આરતીનું પ્રસારણ કરવામાં આવશે. તે પછી શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં ૧૦૮ નામનો જપ અને ગીતાજીની આરતી કરવામાં આવશે. સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ સ્વામી તેજોમયાનંદજી અને હાલના વિશ્વપ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજીએ આ ઉત્સવનો આરંભ કરતાં ખાસ આશીર્વચન આપ્યાં અને હોલીગીતા.કોમ વેબસાઇટનો શુભારંભ પણ કર્યો હતો. 

૨૭ વર્ષ પહેલાં સમાધિ પામેલા સ્વામી ચિન્મયાનંદજીએ પોતાનું સમગ્ર જીવન ગીતાના પ્રચાર-પ્રસારમાં સમર્પિત કરી દીધું હતું. તેમણે ગીતા વિશે અનેક જ્ઞાનયજ્ઞો કર્યા હતા અને હોલી ગીતા એવા શીર્ષક સાથે પરંપરાગત જ્ઞાન અને આધુનિક સમયને લગતાં યોગ્ય ઉદાહરણો સાથે ગીતાનો સંદેશ સમજાવ્યો હતો. સંસ્થા દ્વારા તેને લગતું બધું જ સાહિત્ય, ડિજિટલ કન્ટેન્ટ આ સાઇટ પર મળી શકે અને ઘર-ઘરમાં ગીતાનો સંદેશ પહોંચી શકે તેવા ઉમદા હેતુ સાથે આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. ગીતાના ૧૮ અધ્યાય, ૧૮ ભાષાઓમાં ૨૧ દિવસ સુધી ઉત્સવરૂપે રજૂ કરવાનો આ પ્રયાસ જીવનને ઉત્સવ બનાવવાનો રાહ ચિંધી શકે છે!