૧૮૨ મીટર ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૫ ટકા કામ પૂર્ણ

કેવડિયાઃ દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાંસાનું આવરણ ચડાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. પ્રતિમાનું ૮૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હજી લોકાર્પણ આડે ચાર માસનો સમય બાકી છે. ભારેખમ કાંસાના પડખાને પ્રતિમા પર બેસાડવા માટે હેવી ટ્રક અને ક્રેઇનની મદદ લેવી પડે છે. પ્રતિમાના બાકીના હિસ્સાના બાંધકામમાં પણ હવે વેગ આવ્યો છે. અત્યાર સુધી પ્રતિમાના નિર્માણ પાછળ ૬૮ હજાર ટન સિમેન્ટ કોન્ક્રીટ અને ૫૭ ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલના જન્મદિન નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રોજેકટનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે આથી પ્રતિમાના નિર્માણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.