૧૫૨ નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ ૨૫૫૯ કેસ થયા

 

ગાંધીનગરઃ રાજ્યમાં આવેલા કોરોનાના નવા કેસના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. બુધવાર સાંજ બાદ ગુજરાતમાં ૧૫૨ નવા કેસ સામે આવ્યા છે. તો સામે બે લોકોના મોત નિપજ્યા છે. નવા કેસોમાં અમદાવાદ ૯૪ નવા કેસ સાથે ટોચ પર છે. ત્યાર બાદ સુરતમાં ૩૦ કેસ, વડોદરામાં ૧૪, આણંદમાં ૩, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ૨ કેસ છે. તો અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાંથી નવા ૧-૧ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૨૫૫૯ પર પહોંચી ગઈ છે અને કુલ મૃત્યુ ૧૦૫ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, નવા ૧૫૨ કેસ અને ૨ મૃત્યુની સામે બુધવાર સાંજ બાદ કોઈ રિકવર દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા નથી. આમ, અમદાવાદ રાજ્યમાં કોરોનાનું સૌથી મોટું ઝોન બની ગયું છે. માત્ર અમદાવાદ શહેરમાં જ કોરોનાના કેસનો આંકડો ૧૫૯૫ પર પહોંચી ગયો છે, જે રાજ્યના કુલ કેસના ૬૦ ટકાથી વધુ કહી શકાય. બીજા નંબરે સુરતમાં ૪૪૫ કેસ, વડોદરામાં ૨૨૨ કેસ નોંધાયા છે. 

૩જી મે પછી પણ અમદાવાદ, સુરત અને વડોદરાને લોકડાઉનમાંથી મુક્તિ મળવા અંગે અનિશ્ચિતતા

આગામી ૩જી મેના રોજ કોરોના મહામારીના પગલે કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવેલું લોકડાઉન હવે તા. ૩જી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ખાસ કરીને સુરત, અમદાવાદ અને વડોદરામાં હવે લોકડાઉન ખુલશે કે કેમ? તે મુદ્દે હાલમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં સોથી વધુ ૧૫૦૧ કેસો અને ૬૨ દર્દીઓના મૃત્યુ, સુરતમાં ૪૧૫ પોઝિટિવ કેસો અને ૧૨ મૃત્યુ, જયારે વડોદરામાં પોઝિટિવ ૨૦૮ દર્દીઓ અને ૧૦ દર્દીઓનાં મોત થયા છે. આ સ્થિતિમાં લોકડાઉનમાંથી ગુજરાતના આ ત્રણેય શહેરોને મુક્તિ આપવી કે કેમ? તે મુદ્દે હાલમાં કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી. જો કે કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગરમાં રાજય સરકારનો પણ અભિપ્રાય મેળવવામા આવશે, જેમાં રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ ઝોનમાં લોકડાઉન ખોલી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ નવો રોડ મેપ તૈયાર કરવામા આવી રહ્યો છે. એટલે કે હોટસ્પોટને હાલમાં કોઈ મુક્તિ મળે તેવી સંભાવના નહિવત છે. તે સિવાયના વિસ્તારમાં કેવી રીતે છૂટછાટનો અમલ કરવો તે મુદ્દે આંતરિક ચર્ચા ચાલી રહી છે. હોટ સ્પોટ સાથેના રેડ ઝોનમાં કોરોના મહામારી કેવી રીતે નિયંત્રણમાં લાવવી તે મુદ્દે રણનીતિ ઘડવામાં આવનાર છે.