૧૪૨.૮૬ કરોડની આબાદી સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

ભારત ચીનને પછાડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સંયુકત રાષ્ટ્ર અનુસાર ભારતની વસ્તી વધીને ૧૪૨.૮૬ કરોડ થઇ ગઇ છે. જયારે ચીનની વસ્તી ૧૪૨.૫૭ કરોડ છે. ઉલ્લેખનીય છે કે સંયુકત રાષ્ટ્રએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના મધ્ય સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. સંયુકત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલા ડેટામાં પણ જાણવા મળ્યું છે કે ભારત ૩૦ લાખથી વધુ લોકો સાથે ચીનને પાછળ છોડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ, ૨૦૨૩ ડેમોગ્રાફિક ડેટામાં ચીનની ૧૪૨.૫૭ કરોડની સરખામણીમાં ભારતની વસ્તી ૧૪૨.૮૬ કરોડ હોવાનો અંદાજ છે. આંકડાઓ પર નજર કરીએ તો ૩૪૦ મિલિયનની વસ્તી સાથે અમેરિકા ત્રીજા નંબરે છે. નવા અહેવાલ મુજબ ભારતની ૨૫ ટકા વસ્તી ૦-૧૪ વર્ષની વય જૂથમાં છે. જયારે ૧૮ ટકા ૧૦ થી ૧૯ વર્ષની વયજૂથમાં, ૨૬ ટકા ૧૦થી ૨૪ વર્ષની વયજૂથમાં, ૬૮ ટકા ૧૫થી ૬૪ વર્ષની વયજૂથમાં અને ૭ ટકા ૬૫ વર્ષથી ઉપરના છે. જયારે, વિવિધ એજન્સીઓના અંદાજો સૂચવે છે કે ભારતની વસ્તી લગભગ ત્રણ દાયકા સુધી વધતી રહેવાની ધારણા છે. આ સાથે વસ્તી ૧૬૫ કરોડ થઇ શકે છે. યુએનના અગાઉના ડેટાનો ઉપયોગ કરીને વસ્તી નિષ્ણાતોએ આગાહી કહી હતી કે ભારત આ મહિને ચીનને પાછળ છોડી દેશે. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફેરફાર કેટલો સમય લેશે. તે હજુ સુધી જાણી શકાયું નથી. સંયુકત રાષ્ટ્રએ બીજો અહેવાલ બહાર પાડયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જો કે ભારતની વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૧માં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષ ચીનની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો હતો. આ પછી ચીનની વસ્તીમાં માત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આની અસર અર્થવ્યવસ્થા પર પણ પડશે. સરકારી ડેટા અનુસાર, ભારતની વાર્ષિક વસ્તી વૃદ્ઘિ ૨૦૧૧થી સરેરાશ્ ૧.૨ ટકા રહી છે, જે અગાઉના ૧૦ વર્ષમાં ૧.૭ ટકા હતી, ઇન્ડિયાના પ્રતિનિધિએ કહ્યું કે ભારતીય સર્વના તારણો દર્શાવે છે કે સતત વધતી જતી વસ્તી સામાન્ય લોકો પર અસર કરી રહી છે.