૧૨૬ વર્ષિય સ્વામી શિવાનંદ સહિત ૬૪ હસ્તીઓને પદ્મ શ્રી એનાયત કરાયા

 

નવિ દીલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત અલંકરણ સમારોહમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત અનેક હસ્તીઓને ૨૦૨૨ના પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં પ્રદાન કરવામાં આવે છે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. સમાચાર એજન્સી પીટીઆઇના રિપોર્ટ અનુસાર બે હસ્તી ઓને પદ્મ વિભૂષણ, ૮ને પદ્મ ભૂષણ અને ૫૪ને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.

પૂર્વ સીડીએસ જનરલ બિપિન રાવત (મરણોપરાંત) અને ગીતા પ્રેસના દિવગંત અધ્યક્ષ રાધે શ્યામને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર રાધે શ્યામ ખેમકાને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ કોવિંદને રાધે શ્યામ ખેમકાના પુત્ર કૃષ્ણ કુમાર ખેમકાને તેમનો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિએ જનરલ બિપિન રાવતના પુત્રી કૃતિકા અને તારિણીને તેમનો પુરસ્કાર આપ્યો.

બીજી તરફ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, પંજાબી લોક ગાયક ગુરમીત બાવા (મરણોપરાંત), ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન, પૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, કોવિશીલ્ડના નિર્માતા સીરમ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાયરસ પૂનાવાલા સહિત અન્ય હસ્તીઓને પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા. 

પેરાલોમ્પિક રજત પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાને પદ્મ ભૂષણ જ્યારે હોકી ખેલાડી વંદન કટારિયાને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સચ્ચિદાનંદ સ્વામીને સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા જ્યારે પેરા-શૂટર અવનિ લેખારાને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. યોગના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ૧૨૬ વર્ષિય સ્વામી શિવાનંદને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 

બીજી તરફ ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીને સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. કલા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગુરમીત બાવા (મરણોપરાંત) પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની દીકરીએ રાષ્ટ્રપતિ પાસેથી આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો