૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ

અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં નવીન MRI મશીનનું લોકાર્પણ કર્યું હતુ. રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯.૩૪ કરોડના ખર્ચે વસાવવામાં આવેલ અત્યાધુનિક MRI મશીન દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ મંત્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્યમંત્રીએ દ્રઢતા પૂર્વક કહ્યું કે, રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા આધુનિક ઉપકરણો દર્દીઓની સુખાકારીમાં વધારો કરવાની સાથે બીમારીના નિદાન તેમજ આરોગ્ય સેવાઓને સચોટ અને સરળ બનાવી રહ્યા છે. MRI મશીન દ્વારા કોઇપણ બીમારીનું કરવામાં આવતું નિદાન સચોટ સારવાર માટે કારગત સાબિત થાય છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ થયેલ એમઆરઆઇ મશીનના પરીણામે હોસ્પિટલમાં આવતા દર્દીને મેડિસીટીમાં અન્ય સ્થળે એમઆરઆઇ કરાવવા જવાની જરૂર રહેશે નહીં. જેના પરિણામે દર્દીને સત્વરે સારવાર ઉપલબ્ધ બની રહેશે.
સિવિલ મેડિસીટી કેમ્પસમાં સિવિલ હોસ્પિટલ, GCRI હોસ્પિટલમાં અને એક PPP ધોરણનું MRI મશીન અગાઉથી દર્દીઓની સેવાર્થે કાર્યરત હતું જેમાં વધુ એક મશીનનો ઉમેરો થતા દર્દીઓ માટે લાભદાયક નીવડશે.
અત્રે ઉલ્લેખિનય છે કે, કોરોના કાળ દરમિયાન ૧૨૦૦ બેડ હોસ્પિટલને જ્યારે કોવિડ ડેઝીગ્નેટેડ કરવામાં આવી ત્યારે આ હોસ્પિટલમાં CT સ્કેન મશીન, ડિજીટલ X-Ray, સોનાગ્રાફી, પોર્ટેબલ X-Ray અને સોનોગ્રાફી સહિતના વિવિધ ઉપકરણો વસાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ઉપલબ્ધ આ તમામ મશીનના પરિણામે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવતા મહિલા અને બાળરોગના દર્દી ઉપરાંત અન્ય રોગના દર્દીઓને બીમારીના ચોક્કસ નિદાનમાં મદદ મળી રહી છે.
વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૨ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં ૧૮.૦૬ લાખ એક્સ-રે, ૭૬,૩૬૫ સીટી સ્કેન, ૪૪,૯૧૯ એમઆરઆઇ મશીન, ૩.૩૬ લાખ સોનોગ્રાફી, અને ૧.૩૪ કરોડ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવીન એમઆરઆઇ મશીનના લોકાર્પણ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોષી, એડિશનલ મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. રજનીશ પટેલ, અન્ય તબીબો ઉપસ્થિત રહ્યાં હતા.