૧૧માં પંચન લામા ગાયબ થયે ૨૫ વર્ષ થયા, હવે ચીનને ઘેરી રહ્યું છે અમેરિકા

 

વોશિંગ્ટનઃ કોરોના મહામારીને લઇને ચીન સાથેની અથડામણ બાદ હવે અમેરિકાએ અન્ય મુદ્દાઓ પર પણ ચીનને ઘેરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પીઓએ ચીનને પંચન લામા વિશે વહેલી તકે માહિતી પૂરી પાડવા જણાવ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે અમેરિકા તિબેટીઓની ધાર્મિક, ભાષાકીય, સાંસ્કૃતિક ઓળખને સમાપ્ત કરવાના ચીનના અભિયાન અંગે ચિંતિત છે. તેમણે વધુમાં કહ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટએ ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા અને તેના સંરક્ષણને પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને ચીનમાં, જ્યાં તમામ ધર્મના લોકોનું દમન અને ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૭ મેના ૧૧માં પંચમ લામાને ગુમ થયે પુરા ૨૫ વર્ષ થયા છે. ચીન સરકારે ૧૯૯૫માં તેમનું અપહરણ કર્યું હતું. જ્યારે તે માત્ર ૬ વર્ષના હતા. ત્યારબાદ તેઓ ક્યારે સાર્વજનિક રીતે દેખાયા નથી.

અમેરિકાના વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, પંચન લામા બૌદ્ધ ધર્મની સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે, જે આધ્યાત્મિક અધિકારની દષ્ટિએ દલાઈ લામા પછી બીજા ક્રમે આવે છે. માઇક પોમ્પીઓએ બેઇજિંગને નિશાન બનાવતા કહ્યું કે, ચીન દ્વારા પંચન લામા પર અત્યાચાર અસામાન્ય નથી. અમે ચીનમાં તિબેટીઓની ધાર્મિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખને સમાપ્ત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ વિશે ખુબજ ચિંતા કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે તિબેટીયન બૌદ્ધોને તેમની પરંપરાઓ અનુસાર તેમજ સરકારી હસ્તક્ષેપ વગર પોતોના ધાર્મિક નેતાઓની પસંદગી અને તેમનું અનુસરણ કરવાનો અધિકાર હોવો જોઇએ’. અમેરિકાના વિદેશ સચિવે પુનઃભાર આપતા કહ્યું કે, ચીની સરકારે પંચન લામાને તાત્કાલીક દુનિયા સામે લાવવા જોઈએ અને તમામ લોકોની ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે તેના બંધારણ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું પાલન કરવું જોઈએ.  નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં, અમેરિકાની પ્રતિનિધિ સભાએ તિબેટના સમર્થનમાં તેમની નીતિને મજબૂત કરવા માટે તિબેટીયન નીતિ અને સપોર્ટ કાયદો સર્વાનુમતે પસાર કર્યો હતો.