૧૦ મહિના બાદ પ્રધાન મંત્રી ગુજરાતમાં અમદાવાદમાં નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો

 અમદાવાદઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત મળતા ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ છે. આ રાજ્યોમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી હતી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યોગી આદિત્યનાથ, રાજનાથ સિંહ સહિતના પાર્ટીના દિગ્ગજ નેતાઓની ફોજ ચૂંટણી પ્રચારમાં ઉતરી પડી હતી. આ જીતનો જશ્ન વડાપ્રધાને ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં મનાવ્યો હતો. ૧૦ મહિના બાદ ગુજરાતમાં આવેલા વડાપ્રધાનનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત થયું હતું. બે કલાકનો ભવ્ય રોડ શો યોજી વડાપ્રધાને ચાલુ વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું હતું. 

કોરોના કાળ પછી પ્રથમ વખત નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતાં. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી 

વડાપ્રધાનનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવ કિલોમિટરના બે કલાકના રોડ શો બાદ મોદીનો કાફલો કમલમ પહોંચ્યો હતો. 

કમલમ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ફુલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના રોડ શોમાં સૌથી આકર્ષણની વાત ભાજપની કેસરી કલરની ટોપી રહી હતી. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. કમલમમાં યોજાયેલ કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ પંચાયત સંમેલનમાં બે લાખ લોકો કેસરી ટોપી પહેરીને હાજર રહ્યા હતાં. હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં પક્ષના તમામ નેતાઓ, કાર્યકરોએ આ કેસરી ટોપી પહેરવાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. માત્ર ભાજપના કાર્યકરોની બસો અને ગાડીઓને જવા દેવામાં આવી હતી. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઇને જવા દેવાયા હતાં. અન્ય લોકોને બીજા રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં