૧૦૧ સંરક્ષણ વસ્તુઓના આયાત પર પ્રતિબંધ, ઘરેલું ઉત્પાદકોને પ્રોત્સાહન અપાશે

 

નવી દિલ્હીઃ ઘરેલું રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે ૧૦૧ હથિયારો અને સૈન્ય ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો જેમાં હળવા યુદ્ધ હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ વિમાન, કન્વેન્શનલ સબમરીન્સ અને ક્રૂઝ મિસાઈલ્સ સામેલ છે. આ પ્રતિબંધો ૨૦૨૪ સુધી અમલમાં આવી જશે.

રાજનાથ સિંહે આ જાહેરાત ટ્વીટર પર કરી હતી તેમણે અંદાજ લગાવ્યો હતો કે આ પગલાંથી આવનારા પાંચથી સાત વર્ષમાં ઘરેલું સંરક્ષણ ઉદ્યોગને લગભગ ૪ લાખ કરોડના કરાર મળશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની હાકલ સાથે ચાલવા સંરક્ષણ મંત્રાલય દેશી સંરક્ષણ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તૈયાર છે. અધિકારીઓ મુજબ જે ૧૦૧ વસ્તુઓ પર પ્રતિબંધ લાગશે તેમાં ટોવ્ડ આર્ટીલરી ગન્સ, ટૂંકા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ્સ, ઓફશોર પટ્રોલ વેસેલ્સ (પેટ્રોલિંગ માટેના જહાજ), યુદ્ધ માટેની ઈલેક્ટ્રોનિક પદ્ધતિ, નેક્સ્ટ જનરશન મિસાઈલ વેસલ્સ, ફ્લોટીંગ ડોક, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર અને શોર્ટ રેન્જ મરીટાઈમ રિકોનસેેન્સ એરક્રાફ્ટ સામલ છે. 

આ યાદીમાં પ્રશિક્ષણ માટેના વિમાન, હળવા રોકેટ લોન્ચર, મલ્ટી બેરેલ રોકેટ લોન્ચર, મિસાઈલ ડેસ્ટ્રોયર, જહાજો માટે સોનાર પદ્ધતિ, રોકેટ, નજરમાં નહીં આવે તેવી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ, લાઈટ મશીન ગન, આર્ટીલરીનો દારૂગોળો (૧૫૫ એમએમ) અને જહાજ પર તૈનાત કરાતી મધ્યમ અંતરની બંદુકો. સૈન્ય વસ્તુઓના આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો માટે ભારત સૌથી લોભામણા બજારો પૈકી એક છે. છેલ્લા આઠ વર્ષોમાં સૈન્ય ઉત્પાદનોના આયાત કરનાર ટોચના ત્રણ દશોમાં ભારત સામલ છે.