૧૦૦ અબજ માર્કેટ કેપ પાર કરનાર અદાણી ગુજરાતનું પ્રથમ ગ્રુપ

 

મુંબઈઃ બિલિયોનેર ગૌતમ અદાણીનું પોર્ટથી લઈને એનર્જી સુધીના બિઝનેસ ધરાવતું ગ્રુપ ૧૦૦ અબજ ડોલરનું માર્કેટ કેપ પાર કરનારું ગુજરાતનું પ્રથમ ગ્રુપ અને દેશનું ત્રીજા ક્રમનું ગ્રુપ બની ગયું છે. અદાણી ગ્રુપની ૬ લિસ્ટેડ કંપનીઓ પૈકી ૪ કંપનીઓના શેરના ભાવ મંગળવારે વિક્રમી ટોચ પર પહોંચ્યા હતા. સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર અદાણી ગ્રુપની છ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ મંગળવારના બંધ ભાવ મુજબ રૂ.૭.૮૪ લાખ કરોડ એટલે કે ૧૦૬.૮ અબજ ડોલર થઈ ગયું હતું. ટાટા ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પછીથી ૧૦૦ અબજ ડોલરનું માર્કેટ કેપ પાર કરનાર અદાણી ગ્રુપ દેશનું ત્રીજા ક્રમનું ગ્રુપ બની ગયું છે. અદાણી ગ્રુપની પાંચ કંપનીઓનું માર્કેટ કેપ ૧ લાખ કરોડથી વધારે છે, જ્યારે અદાણી પાવરનું માર્કેટ કેપ રૂ. ૩૭,૯૫૨.૨૮ કરોડ છે.

ટાટા ગ્રુપનું હાલનું માર્કેટ કેપિટલાઈઝેશન ૨૪૨ અબજ ડોલર છે, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ૧૭૧ અબજ ડોલર છે. છેલ્લાં બે વર્ષમાં ગૌતમ અદાણી ગ્રુપે દેશના મહત્વના સાત એરપોર્ટ હસ્તગત કર્યા છે જ્યાં દેશના કુલ એર ટ્રાફિકના ૨૫ ટકા જેવો ટ્રાફિક રહે છે. ગ્રુપે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે જબરદસ્ત ક્ષમતા ઊભી કરી લીધી છે. પોર્ટ ક્ષેત્રે પણ કંપની ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને તેનો વ્યાપ વધારી રહી છે. દેશના કુલ પોર્ટ ઉદ્યોગમાં અદાણી પોર્ટનો ૩૦ ટકા બજાર હિસ્સો છે.તાજેતરમાં અદાણી ગ્રુપે ગંગાવરમ પોર્ટમાં હિસ્સો હસ્તગત કર્યો છે, ગુજરાતમાં વિન્ડ પાવર પ્લાન્ટ શરૂ કર્યો છે, મુંબઈના દરિયા કિનારે નેચરલ ગેસ રિઝર્વ શોધી કાઢ્યો છે, કેટલાક સોલાર પાવર પ્રોજેક્ટ્સ હસ્તગત કર્યા છે, એસેલ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ પાસેથી પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ ખરીદ્યો છે અને દેશમાં ૧ ગીગાવોટની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર સ્થાપવા માટે કરાર કર્યા છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં ૧૮૨થી ૭૨૮% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે