હોસ્પિટલના બેડના પણ કાળાબજારઃ દર્દીની સ્થિતિ પ્રમાણે ભાવઃ રોજના ૬૦,૦૦૦ રૂપિયા સુધી લેવાય છે 

 

લખનૌઃ સમગ્ર દેશમાં  હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે માનવતાને નેવે મુકીને હોસ્પિટલોમાં દર્દીઓ માટેના બેડના કાળાબજાર શરૂ થઈ ગયા છે. દેશમાં એક તરફ દવાની અછત છે, તો બીજી તરફ ઓક્સિજન નથી અને હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે હોસ્પિટલના બેડની હજારો રૂપિયામાં બોલી લાગી રહી છે. એક અખબારના અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણે આગ્રામાં હોસ્પિટલોમાં દર્દીઓની સ્થિતિના આધારે બેડની કિંમત વસુલવામાં આવી રહી છે. 

નાની હોસ્પિટલોમાં બેડની કિંમત ૩૦,૦૦૦ રુપિયા અને મોટી હોસ્પિટલોમાં બેડની કિંમત ૬૦,૦૦૦ રુપિયા બોલાઈ રહી છે. આ રોજનો ભાવ છે. જેમાં દવાઓનો ખર્ચ તો અલગથી ચાર્જ કરવામાં આવે છે. આ અહેવાલ બાદ તંત્રમાં હડકંપ મચી ગયો છે. મોટી હોસ્પિટલોમાં દર્દીના પહોંચ્યા બાદ ભાવ નક્કી થાય છે. ચિઠ્ઠીઓ પર ભાવ લખીને આપવામાં આવે છે અને એક બેડના ૬૦,૦૦૦ રૂપિયા સુધી ચાર્જ લેવાઈ રહ્યો છે. જો કોઈ દર્દી વધારે પૈસા આપવા માટે તૈયાર થાય તો પહેલેથી દાખલ દર્દીને ગમે તે બહાને ડિસ્ચાર્જ કરી દેવામાં પણ આવે છે. ઉત્તરપ્રદેશમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોની નફાખોરીની ઘટના ચોંકાવી દે તેવી છે. કારણકે દેશના સૌથી મોટા રાજ્યમાં રોજના ૩૦,૦૦૦ કરતા વધારે નવા કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે