હોળી-ધુળેટીઃ રંગ બરસે… દિલ હરસે!

આપણો ભારતદેશ કૃષિપ્રધાન દેશ છે, એટલે તન-મનને ઝકઝોળ કરનાર તહેવારો પણ ખેતર, ખેતી, ખેડૂત, ફસલ અને ગ્રામજીવનને કેન્દ્રમાં રાખીને ગોઠવાયા છે અને તે રીતે ઉમંગથી ઊજવાય છે. આમેય ભારત છે જ ઉત્સવ-આનંદપ્રિય દેશ. ઋતુવિષયક વાતાવરણ ઊભું થતાં હૈયાં હિલોળા લે અને દિલડાં દમકવા માંડે. ભારતીય તહેવારોમાં ધાર્મિક તહેવારો મોખરે છે અને તેમાંય ફાગણી પૂનમનો રંગરાજ તહેવાર હોળી-ધુળેટી અને આશ્વિની દિવાળીના દીવડા તન-મનને ડોલાવી જાય છે. ભારતમાં અતિ ઉમંગ અને મજામસ્તી સાથે ઊજવાતો હોળી-ધુળેટીનો તહેવાર શિરમોર છે. જય હો… હોળી-ધુળેટીનો જય હો…!
હોળી-ધુળેટીના તહેવારના મૂળમાં જ શ્રદ્ધા અને ઉલ્લાસ છે. મહા-ફાગણમાં કૃષિપેદાશ બજારમાં આવી જાય, ખેડૂતોનાં ખિસ્સાં ભરેલાં હોય, ખેતર-ખળાં ખાલી હોય, કિસાન તનાવમુક્ત હોય છે. શ્રમ પછીના આનંદની આંધી આવે હોળી-ધુળેટીના રંગરાગમાં! પરંતુ આ તહેવારનું સર્જન થયું નિર્દોષ બાલુડા પ્રહ્લાદના અગ્નિશિખાના બચાવથી, ધર્મવિજયથી હેમખેમ પ્રહ્લાદના સ્વાગત-સન્માનથી અને ઇશ-આશીર્વાદ મેળવવાની અભીપ્સાથી.

હિરણ્યકશ્યપ, પ્રહ્લાદ અને હોળિકાની ધાર્મિક કથા તો આપણે સૌ જાણીએ છીએ, જે બતાવે છે ‘અતિ સર્વત્ર વર્જયેત!’ હિરણ્યકશ્યપના અતિ દુરાચાર, પુત્ર પર દાનવી અત્યાચાર અને આચાર-વિચારના ઉલ્લંઘનથી સર્જાયું દૈવી-દાનવી તુમુલયુદ્ધ. એક નાનકડા બાળક (પ્રહ્લાદ)ની રક્ષા માટે અગ્નિસ્તંભમાંથી ભગવાન નૃસિંહે પ્રગટવું પડ્યું. એક આખો વૈષ્ણવી નૃસિંહાવતાર પુત્ર પ્રહ્લાદના રક્ષણ-પાલન માટે થયો એ પ્રહ્લાદની બાળભક્તિનો વિજયધ્વજ છે! અત્યાચાર પ્રતિ અતિ ક્રોધિત થયેલા ભગવાન નૃસિંહના તન-બદલ, જિહ્વા-મુખમાંથી અગ્નિશિખાઓ પ્રગટી હતી. એ જ થયું હોળીદહનનું સિમ્બોલીઝમ! ક્રોધિત પરમાત્માએ દોડી દુષ્ટાત્માને પકડ્યો અને બ્રહ્માજી દ્વારા અપાયેલાં બધાં જ વરદાનોને ધ્યાનમાં લઈ ભગવાને ભક્તબાળના રક્ષણકાજે દૈત્યપિતા હિરણ્યકશ્યપની છાતી ચીરી નાખી, રુધિરની ધારા વહેવા લાગી, તે નહોતો માનવ કે નહોતો દેવ-દાનવ, નહોતાં અસ્ત્ર કે નહોતાં શસ્ત્ર, નહોતા ઘરમાં કે નહોતા ઘર બહાર તો નહોતી રાત્રિ કે નહોતો દિવસ, હતી સંધ્યા. ભગવાન વિષ્ણુએ નર અને સિંહનું સંયુક્ત સ્વરૂપ, હસ્તના લાંબા તીક્ષ્ણ નખ, અને સ્થાન હતું ગૃહદ્વારનો ઉંબરો! વધ તો થયો દૈત્યરાજનો, પણ હજી નારાયણનો ક્રોધ શાંત થયો નહોતો. માર મારની અકળાયેલી અવસ્થામાં નારાયણ આમ-તેમ ઘૂમતા હતા. આકાશમાંથી દેવો આવ્યા, પરંતુ પ્રભુના અગ્નિ સ્વરૂપની સામે આવવા કે તેમને શાંત રહેવા કહેવાની કોઈની હિંમત નહોતી. અંતે દેવોએ પ્રભુપ્રાગટ્યના કારણરૂપ પ્રહ્લાદને જ પ્રભુને ‘ખમૈયા’ કરવા માટે મોકલ્યા. બાળ પ્રહ્લાદ વિકરાળ નારાયણથી ડર્યા-ગભરાર્યા વિના ગયા અને તેમનો પગ-જંઘા પકડી હચમચાવી નાખ્યા. પ્રભુ હચમચી ગયા. જોયો પ્રહ્લાદને અને વાત્સલ્યભાવ જાગતાં ક્રોધ ગાયબ, પ્રેમપ્રાગટ્ય થતાં હરિએ બાળને તેડી ખોળામાં બેસાડી ચાટવા માંડ્યા. હા, ચાટવા માંડ્યા ને જિહ્વાથી આત્મીય પ્રેમ દર્શાવવા માંડ્યા.

આ તો થઈ હિરણ્યકશ્યપવધની અંતિમ કથા, પરંતુ તે પૂર્વે દુષ્ટ પિતાએ, અગ્નિરક્ષક ચૂંદડી મેળવેલી બહેન હોળિકાને આગળ ધરી પ્રહ્લાદપતનનો અગ્નિકાંડ ખેલ્યો. અગ્નિ તો અગ્નિ છે, તે ક્યાં કોઇને છોડે? ચિતાનો અગ્નિ ભડભડ જ્વાળા પ્રસરાવવા લાગ્યો, તેને પ્રદીપ્ત કરતો અનિલ લહેરાયો અને હોળિકાની ચૂંદડી ગઈ ઊડી ને હોળિકા ગઈ બળી, અને પેલો બાળ પ્રહ્લાદ? ‘રામ રાખે તેને કોણ ચાખે.’ હરિને અવતાર લેવાની ફરજ પાડનાર પ્રહ્લાદ પ્રેમપવિત્ર-પ્રમાણરૂપે અગ્નિરાજની જ્વાળામાંથી સસ્મિત વદને બહાર આવ્યો. એ સાથે જ તેનાં દર્શન કરતી પ્રજા આનંદમાં આવી ગઈ. તેના આનંદ-મંગલ ગાન-નાચ, હલક-પલકથી સર્જાયો એક મધુર આનંદોત્સવ! હોળિકાની નામસ્મૃતિમાં આ દિવસનું નામ અપાયું હોળી-હોળિકા. અને ‘ઓલો આનંદોત્સવ તો હાલ્યો આખો દી. લોકો આનંદમગ્ન થઈ રંગે રમ્યા, અબીલ-ગુલાલ-કંકુના એકબીજાની પર આનંદ-અભિષેક કર્યા. આનંદ-કિલ્લોલ અને મોજ-મજા-મસ્તીનું અનુપમ દશ્ય સર્જાયું અને પછી? પછી શું એ આનંદોત્સવમાં રંગરાગ, આનંદ, પ્રેમ, અબીલ, ગુલાલના ગોટેગોટા ઊડવા લાગ્યા, પિચકારીઓમાં રંગજળ ભરીને એકબીજા પર છાંટવા અને પ્યારા પ્રહ્લાદને યાદ કરી આનંદના સાગરમાં હિલોળા લેવાનો રંગોત્સવ ચાલુ થઈ ગયો. ચાલતો જ રહ્યો અને આજે સેંકડો વર્ષ પછી પણ રંગ-રાગ-રંગોત્સવ આપણે મનાવીએ છીએ અને ભવિષ્યમાં ચાલતો જ રહેશે. તો શું કેવળ રંગોત્સવ-આનંદ-મોજ-મજા-મસ્તી કરવાનું જ આ તહેવાર સૂચવે છે? ના ના ના. તેમ નથી. હોળીનો તહેવાર બોધ આપે છે. અસુર, અસુરભાવ, અસુર તત્ત્વનો આખરે નાશ જ થાય છે અને સત્ય અને સજ્જનનો જ વિજય થાય છે. માટે અસુર કાર્ય-ભાવ-કૃત્ય અટકાવો અને સત્કર્મ કરો. આપણે રાગ-દ્વેષ ઓછા કરી સંપના, એકતાના રંગે રંગાવું જોઈએ. પ્રહ્લાદની જેમ આપણા પર પણ ઈશ્વરકૃપા ઊતરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

હોળીનો હાથ પકડી આવે છે ધુળેટી. ધુળેટી એટલે પેલા અતીતકાલીન આનંદને જાગૃત કરી, સ્નેહ-સેવા-સંગઠન અને સહકારની ભાવનામાં તદ્રૂપ થવું. અલબત્ત, ધુળેટી એ નખશિખ ઊછળતા યૌવનનો તહેવાર આજકાલ બની ગયો છે. હૈયામાં રંગોનું મેઘધનુષ્ય રચાય છે અને દિલમાં રંગોના સાથિયા પુરાય છે. આવા વાતાવરણમાં તાકાત છે કંઈ યુવાન-યુવતીની કે રંગોની ભરપૂર ઝરમર વચ્ચે સાવ કોરાંકટ રહે? ના રે ના! ચારે બાજુ મસ્તીનો માહોલ હોય, ઢોલ-ત્રાસાં-નગારાં-શહેનાઈના સૂરો વહેતા હોય, આનંદ ગીતો ગવાતાં હોય, બાળકો આનંદ-કિલ્લોલ કરતાં હોય ત્યારે યુવાન હૈયાં ઊછળકૂદ જ કરતાં જ હોય ને! વનવગડામાં કેસુડાનાં ફૂલો ફોરમતાં હોય. વૃક્ષો-વેલીઓ વસંતની ઓઢણી ઓઢી મુશ્કુરાતી હોય. કોયલ-મોર-પપીહા રાગ-રાગિણી વહાવતાં હોય, હવામાં માદકતા મહેકતી હોય, નભરાણી સ્વચ્છતાની ઓઢણી ઓઢી આનંદ-છાંયડો કરતી હોય, યુવા દિલો પિચકારી લઈ રંગસ્નાન કરવા-કરાવવા દોડતાં હોય, બાળકો કિલ્લોલ કરતાં હોય, મોટેરાં ખોબામાં ગુલાલ લઈ સ્વજનો પર ઉડાડતા હોય, યુવતીઓ બચવાના બહાને લૂપા-છૂપી કરતી આંખો નચાવતી હોય, દિલનાં મયૂર-ઢેલ ઉન્માદી ટહુકારા કરતાં હોય, ભીંજવા કરતાં ભીંજાવા માટે અંતર અભરખા કરતાં હોય, હોઠો પર હાસ્ય ફરકતું હોય, હાથો હૈયાંને આંબતા હોય અને ના ના ના સ્વરોમાં હા હા હાનાં ઉત્તેજક સ્પંદનો થતાં હોય ત્યારે કોઈ કહેતું હોયઃ
બુદ્ધ શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ,
ધર્મં શરણ ગચ્છામિ, ત્યાગં શરણં ગચ્છામિ.

તો તો એ કેવું લાગે? જ્યાં આનંદોત્સવ ચાલતો હોય ત્યાં ત્યાગોત્સવને એન્ટ્રી મળે જ નહિ! હોળી-ધુળેટી એ રંગ-ઉમંગનું પર્વ છે. પર્વમાં અલબત્ત, આનંદ સાથે વિનય-વિવેકની હાજરી પણ જરૂરી છે. જિંદગી અને ઉત્સવને એકબીજાની સાથે ખૂબ નજીકનો સંબંધ છે. જેમ ઉત્સવ વિનાની જિંદગી અધૂરી છે તેમ વિનય-વિવેક વગરની જિંદગી પણ અધૂરી છે. જિંદગીને મધુરી બનાવવા આનંદ સાથે મર્યાદા પણ આવશ્યક છે. આ મધુરોત્સવ વેળા તો નકારાત્મક, નંદાયેલા સંબંધો, ભુલાયેલાં સગપણો અને ખટપટ સાથેની ખામોશીને તોડી-ફાડી સકારાત્મકતાભર્યા સંબંધો જોડવાના છે, ભુલાયેલાને ભારોભાર યાદ કરી લેવાના છે અને ઝટપટ આનંદની મદહોશી લાવવાની છે. સમાપ્તિ પહેલા લાસ્ટ, બટ લીડ અપીલ, હોળી-ધુળેટીના અનુપમ ઠાઠ, વસંતનાં પુષ્પોની મદમાદી ફોરમ અને સમાજ એકતાના, ભ્રાતૃભાવના રંગોમાં રંગાઈ જાય તેવી આશા રાખીએ, કારણ કે ‘યુનિટી ઇઝ ગ્રેટ એન્ડ યુનાઇટેડ પીપલ આર ગ્રેટર-ગ્રેટેસ્ટ!’

લેખક કેળવણીકાર છે.