હોલીવુડના ‘ક્વોન્ટિકો’માં ભારતની ખરાબ છબિ દર્શાવવા બદલ ઉગ્ર ટીકા અને વિરોધ

ન્યુ યોર્કઃ અમેરિકાના ટીવી શો ક્વોન્ટિકોમાં હિન્દુ રાષ્ટ્રવાદીને આતંકી દર્શાવવા માટે અભિનેત્રી પ્રિયંકા ચોપરા ટ્રોલ થઈ રહી છે. હાલમાં પ્રિયંકા પોતાના અફેરના કારણે ચર્ચામાં છે, ત્યારે બીજી બાજુ તે પોતાના અમેરિકી ટેલિવિઝન શો ક્વોન્ટિકો-૩ના કારણે ઝડપથી ચર્ચામાં છવાઈ ગઈ છે.
આ શોમાં પ્રિયંકાએ એવું કંઈક કર્યું છે કે જેના કારણે સોશિયલ મિડિયા પર ટ્રોલ થઈ રહી છે. પ્રિયંકાએ પોતાના અમેરિકી ટેલિવિઝન શો ક્વોન્ટિકો-૩માં હિન્દુ રાષ્ટ્રવાદીને આતંકી દર્શાવ્યો છે, જેના કારણે તેને ભારતમાં સતત ટ્રોલ કરાઈ રહી છે. હાલમાં એબીસી નેટવર્કે આ બાબતે માફી માગી પ્રિયંકાને બચાવી લીધી છે અને તેણે માફી પણ માગી છે.
તેણે કહ્યું કે આ એપિસોડ માટે અમે માફી માગીએ છીએ અને પ્રિયંકા આ શોની ડિરેક્ટર પણ નથી કે તેણે આ શોનું લેખન પણ કર્યું નથી. આ શોમાં જે દર્શાવાયું છે તે પ્રિયંકાએ નિભાવ્યું છે.
પ્રિયંકા આ શોમાં એફબીઆઇ એજન્ટ એલેક્સ પેરિશના પાત્રમાં છે જે એક વ્યક્તિને ન્યુ યોર્ક પર આતંકી હુમલાની શંકાના કારણે ધરપકડ કરે છે, પરંતુ તેની પાસેથી રુદ્રાક્ષની માળા મળે છે ત્યારે તે કહે છે કે આ કોઈ ભારતીય રાષ્ટ્રવાદી છે. આ વાતથી હાલમાં ભારતના સોશિયલ સાઇટ્સ પર ઘણા લોકોએ પ્રિયંકાને ટ્રોલ કરી છે.
પ્રિયંકાએ આ દશ્ય માટે માફી માગી લીધી છે. પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું છે કે, ક્વોન્ટિકો સિરીઝના હાલના એપિસોડથી કેટલાક લોકોની લાગણી દુભાઈ છે, જેના કારણે હું બહુ દુઃખી છું અને માફી માગું છું. જાણીજોઈને આમ કહેવાયું નહોતું અને ક્યારેય આવું કહેવાશે પણ નહિ. સાચા દિલથી હું માફી માગું છું. મને ભારતીય હોવાનું ગર્વ છે.
આ અગાઉ આ એપિસોડ બનાવનાર પ્રોડક્શન કંપનીએ પણ માફી માગી છે. આ કંપનીએ પ્રિયંકાને આ માટે જવાબદાર ગણાવી નથી.
આ એપિસોડ ધ બ્લડ ઓફ રોમિયોના દશ્યના કારણે એસીબીએ એક નિવેદનમાં લખ્યું છે કે એસીબી સ્ટુડીયોઝ અને ક્વોન્ટિકોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તમામ દર્શકોનો હાલમાં દર્શાવાયેલા એપિસોડ માટે માફી માગે છે. આ વાતથી લોકોની ભાવનાત્મક લાગણીને ઠેસ પહોંચી છે અને પ્રિયંકા ચોપરાને નિશાન બનાવવામાં આવી છે, પરંતુ તેણે ન તો આ એપિસોડની સિ્ક્રપ્ટ લખી છે કે ન તો તેનું ડિરેક્શન કર્યું છે. ક્વોન્ટિકો કાલ્પનિક સીરીયલ છે.
ધ બ્લડ ઓફ રોમિયોમાં દર્શાવ્યું છે કે અમેરિકાની એક યુનિવર્સિટીના પ્રોફેસર શસ્ત્રમાં ઉપયોગમાં લેવાનાર યુરેનિયમની ચોરી કરે છે, પરંતુ તે પહેલાં ન્યુ યોર્કની એક કોન્ફરન્સમાં તેને પ્લાન્ટ કરતા પકડી લેવાય છે.
પ્રિયંકા ચોપરાના પ્રશંસકોએ સોશિયલ મીડીયા પર અભિનેત્રીની ટીકા કરી છે અને કહ્યું છે કે આવો બકવાસ એપીસોડ સમજમાં આવ્યો નથી કે તે શું કહેવા માગે છે.
પ્રિયંકાએ આ શોની ત્રણેય સીઝનમાં અભિનય આપ્યો છે.