હોલિવૂડનો MGM સ્ટુડિયો ૬૧૫૦૦ કરોડમાં ખરીદવા એમેઝોનની ડીલ

 

વોશિંગ્ટનઃ હોલિવૂડના ગોલ્ડન ટાઈમનો સાક્ષી મેટ્રો-ગોલ્ડવિન-મેયર (એમજીએમ) સ્ટુડિયો ટૂંક સમયમાં એમેઝોનની માલિકીનો થઈ જશે. આ સ્ટુડિયોને લઈને બંને વચ્ચે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આ ડીલ ૮૪૫ કરોડ ડોલર (લગભગ ૬૧૫૦૦ કરોડ)માં થઈ છે. નિયામક સંસ્થાઓની મંજૂરી મળતાં જ ડીલનું અમલીકરણ શરૂ થઈ જશે.

એમજીએમ સ્ટુડિયો પાસે જ જેમ્સ બોન્ડની તમામ ફિલ્મોના અધિકાર છે. એમજીએમની સ્થાપના મારકસ લોએ અને લુઈસ બી મેયરે ૧૭ એપ્રિલ ૧૯૨૪ના રોજ કરી હતી. મનોરંજની દુનિયામાં ફિલ્મો, વેબ સિરિઝો ને અન્ય કન્ટેન્ટનો સીધો ઓટીટી પર શરૂ થયેલા ડિસ્ટ્રીબ્યુશનના સમયમાં બે મોટી કંપનીઓનું આ પ્રથમ વિલિનિકરણ છે. 

એમેઝોને બુધવારે કહ્યું કે એમજીએમ અમૂલ્ય છે, એટલા માટે તેમણે તમામ અન્ય સંભવિત ખરીદદાવો જેમ કે એપલ અને કોમકોસ્ટથી ૪૦ ટકા વધુ રકમ આપીને આ ડીલ કરી છે.

બિગ ટેક અને મનોરંજન ઉદ્યોગના કન્વર્ઝસ દરમિયાન આ ડીલ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હમણાં સુધી ઈન્ટરનેટ કંપનીઓ પોતાના બળ પર આગળ વધી છે. હોલીવુડ સ્ટુડિયોની મદદ તેમણે ક્યારેય લીધી નથી. કોરોના મહામારી દરમિયાન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની વ્યૂઅરશીપમાં જોરદાર વધારો થયો છે, એટલે એમેઝોનનું પણ આ ડીલ કરવામાં વલણ અગ્રસર રહ્યું છે. 

કંપનીએ કમિંગ ટુ અમેરિકાના અધિકારો માટે ૯૦૦ કરોડ રૂપિયા અને ધ ટુમારો વોર માટે ૧૪૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા. એમજીએમજી સ્ટુડિયોની લાયબ્રેરીમાં ૪૦૦૦થી વધુ ફિલ્મો છે, એમાં ૧૨ એન્ગ્રીમેન, બેઝિક ઈનિ્સ્ટક્ટ, ક્રીડ જેમ્સ બોન્ડ, લીગલી બ્લોન્ડ, મૂનસ્ટ્રક, રેઝિંગ બુલ, રોબોકોપ, રોકી, સાયલેન્સ ઓફ ધ લેબ્સ, સ્ટારગેટ, થેલ્મા એન્ડ લુઈસ, ટોમ્બ રાઈડર, ધ મેગ્નિફિસેન્ટ સેવન, ધ પિંક પેન્થર જેવી ફિલ્મો સામેલ છે. 

ઉપરાંત ૧૭,૦૦૦ જેટલા ટીવી શો સામેલ છે. કંપની પાસે તમામ એનિમેશન ફિલ્મોના અધિકાર સિવાય તમામ જેમ્સ બોન્ડ ફિલ્મોના પ્રસારણ અધિકાર, પ્રદર્શન અને વિતરણ અધિકાર સામેલ છે. જેમ્સ બોન્ડ શ્રેણીની નવી ફિલ્મ નો ટાઈમ ટૂ ડાઈ તૈયાર છે અને તેની રિલીઝ ચાર વખત ટળી ચૂકી છે.