હોત તો….

સંસ્કૃતમાં એક ઉક્તિ છેઃ પશ્ચિમબુદ્ધિ બ્રહ્મ. આમ કર્યું હોત તો સારું હતું કે આમ ન કર્યું હોત તો સારું હતું એવું જેને, કશુંક કરતાં પહેલાં નહિ, પણ કશુંક કર્યા પછી સૂઝે એ બ્રાહ્મણ. આ જો સાચું હોય તો હું મારી જાતને બ્રાહ્મણ જ નહિ, બ્રાહ્મણ શ્રેષ્ઠ પુરવાર કરી શકું એમ છું. આમ છતાં, કશુંક પણ કરતાં પહેલાં વિચાર કરવો, પૂરતો વિચાર કરવો, એવો વિચાર પણ મેં અનેક વાર કરી જોયો છે – ખાસ કરીને અમુકતમુકમાં આમ કર્યું હોત તો સારું હતું કે, આમ ન કર્યું હોત તો સારું હતું એવા પોસ્ટમોર્ટમ પ્રકારના વિચારો પછી મિત્રો સલાહ આપે કે પૂરો વિચાર કરીને ઝંપલાવતા હો તો? આવે વખતે હવે પૂરતો વિચાર કરીને આગળ કે પાછળ પગલાં ભરવાં એવો વિચાર આવે છે, પણ આમાં મોટા ભાગે પેલા બહુ વિચાર કરીને ભેંસનાં શિંગડાંમાં મસ્તક પ્રવેશ કરનારા બ્રાહ્મણનો અનુયાયી જ પુરવાર થાઉં છું. એ વિપ્રવરની કથા તો જાણીતી છે, તોય ટૂંકમાં કહું (જેથી પુસ્તક છપાયા પછી એમ ન થાય કે એ વાર્તા આપી હોત તો સારું થાત!).
એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ બહુ ગરીબ હતો. (આમ, તો જોકે બ્રાહ્મણ હતો એમ કહીએ એટલે ગરીબ હતો એમ જુદું કહેવાની જરૂર નહિ!) એ લોટ માગવા નીકળે ત્યારે રૂપાળાં શિંગડાંવાળી એક ભેંસ સામી મળે. બ્રાહ્મણને વિચાર આવે કે આ વાંકડિયાં રૂપાળાં શિંગડાંમાં મારું માથું આવે કે ન આવે? મહિના સુધી એણે ભેંસનાં શિંગડાંમાં માથું નાખવાનો સતત અને સઘન વિચાર કર્યો. એ પછી એક દિવસ એણે એક ઓટલા પાસે એ ભેંસને ઊભેલી જોઈ. ભેંસનાં રૂપાળાં શિંગડાં જોઈ એ ઉશ્કેરાયો અને ઓટલા પર ચડીને પોતાના માથાની દિશાએથી એણે ભેંસનાં શિંગડાંમાં પ્રવેશ કર્યો. યજમાનના લાડુ ખાઈખાઈ હૃષ્ટપુષ્ટ થયેલા શરીરવાળો એ બ્રાહ્મણ ભેંસનાં શિંગડાંમાં જડબેસલાક ફિટ થઈ ગયો. ભેંસ ગભરાઈને દોડી. બ્રાહ્મણે ત્રાહિમામ્ ત્રાહિમામ્નો પોકાર કર્યો. આખરે અનેક લોકોની સહાયથી બ્રાહ્મણ મુક્ત થયો. સૌએ કહ્યુંઃ મહારાજ! શિંગડાંમાં માથું નાખતાં પહેલાં વિચાર તો કરવો હતો!
વિચાર કર્યો હતો, પૂરો મહિના વિચાર કર્યો હતો. પછી જ ભેંસનાં શિંગડાંમાં માથું નાખ્યું હતું. બ્રાહ્મણે કહ્યું.
રતિલાલ નામનો આ બ્રાહ્મણ (કર્મે નહિ તો જન્મે તો ખરો જ) બહુ વિચાર કરીને હંમેશાં ખોટા નિર્ણયો કરે છે. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે કે, બહુ વિચાર કરીને ખોટા નિર્ણયો કરે તેનું નામ બુદ્ધિશાળી. આ જો સાચું હોય તો હું માત્ર બ્રાહ્મણ જ નથી, બુદ્ધિમાન બ્રાહ્મણ છું.
મારા પશ્ચિમબુદ્ધિપણાનો એક દાખલો રજૂ કરવા આટલી લાંબી પ્રસ્તાવના રજૂ કરી છે (જોકે આટલી લાંબી પ્રસ્તાવના ન કરી હોત તો સારું હતું એવું હવે લાગે છે)!
થોડાં વર્ષો પહેલાં એક વિચારશિબિરમાં કચ્છ જવાનું થયેલું. મને વિચારશિબિરમાં જવાનું નિમંત્રણ સંજય-તુલાની સંસ્થા વિશ્વગ્રામ તરફથી મળ્યું છે એવું મેં એક મિત્રને કહ્યું ત્યારે મિત્રનો તરતનો પ્રતિભાવ આવો હતોઃ હવે વિચારશિબિરોનાં ધોરણો સાવ કથળી ગયાં છે (આ સાંભળ્યા પછી તરત થયેલું કે, મિત્રને આ વાત ન કરી હોત તો સારું હતું!) મને ફર્સ્ટક્લાસમાં મુસાફરી કરવાનું સંજયભાઈએ કહ્યું હતું. લાઇનમાં ઊભા રહ્યા વગર સિનિયર સિટિઝન તરીકે મેં ફર્સ્ટક્લાસની ટિકિટ મેળવી. કચ્છથી પાછા ફરવાની ટ્રેનની ફર્સ્ટક્લાસની ટિકિટ સંજયભાઈએ કઢાવી રાખેલી. અનેક પ્રકારની શારીરિક (માનસિક પણ ખરી જોકે) તકલીફો ધરાવતા એવા મને મુસાફરીમાં કશી તકલીફ ન પડે એવી એમની ભાવના હતી, પણ આ બ્રાહ્મણે વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો; સતત ને સઘન વિચાર કર્યોઃ ઠંડી શરૂ થઈ ગઈ છે, આમ પણ મને ઠંડી ખૂબ લાગે છે શિયાળો શરૂ થાય (ઠંડી શરૂ થાય કે ન થાય) એટલે પંખો વાપરવો બંધ કરવામાં, સ્વેટર પહેરવામાં, મફલર વીંટાળવામાં, શાલ ઓઢવામાં હું અમદાવાદનો પ્રથમ નાગરિક હોઉં છું. (મેયર ભલે ક્યારેય ન બનું!) મને થયુંઃ એક રાત્રે તો ઠંડીમાં ટ્રેનની મુસાફરી કરવાની જ છે તો બીજી રાત્રે ત્યાં રોકાઈ જાઉં ને સવારની બસમાં નીકળું. આ વિચાર મેં ફોન કરીને સંજયભાઈને જણાવ્યો. સૌરાષ્ટ્રમાં જન્મ્યો ને મોટો થયો હતો અને છતાં મેં આવો નિર્ણય કર્યો. કચ્છ-સૌરાષ્ટ્રની ભૂગોળ અંગેનું મારું અજ્ઞાન જોઈ સંજયભાઈને આશ્ચર્ય તો થયું હશે, પણ મહેમાન રોકાવાનું કહે તો યજમાન ના કેવી રીતે પાડી શકે? એમણે ટિકિટ કેન્સલ કરાવી દીધી.
વિચારશિબિરમાં એક લેખકમિત્ર મળ્યા. એમણે ટિકિટ કેન્સલ કરાવ્યાની વાત જાણીને ખૂબ આશ્ચર્ય વ્યક્ત કર્યું ને બસની મુસાફરીમાં મારે જે હાડમારી વેઠવી પડવાની એનું બહુ કલાત્મક (મારે માટે દુઃખાત્મક) વર્ણન કર્યું. હું ગભરાયો. પહેલો વિચાર એ આવ્યો કે, ટ્રેનની ટિકિટ કેન્સલ ન કરાવી હોત તો કેટલું સારું થાત! પણ દરેક વખતની જેમ આ વૈધવ્યપ્રાપ્તિ પછી આવેલું ડહાપણ હતું; તેમ છતાં, ટિકિટ કેન્સલ કરાવી એ ખોટું થયું છે એવો એકરાર સંજયભાઈ સમક્ષ કર્યો. એ ભલા માણસે એમનાં અનેક કામોની વચ્ચે મારા સુખદ પ્રવાસના પ્રબંધ માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે, પણ જે ટ્રેનની અઠવાડિયા પહેલાં લીધેલી ટિકિટ કેન્સલ કરાવી હતી (આ બેલ મુજે માર) તે ટ્રેનમાં ટિકિટ ન મળી. ફર્સ્ટક્લાસની કે એ.સી.ની ટિકિટ પણ ન મળી. કચ્છથી અમદાવાદ આવતી સ્લિપિંગ કોચ પ્રકારની નાઇટ બસની ટિકિટ પણ ન મળી. આખરે બીજે દિવસે સંજયભાઈ મને અમદાવાદ જવાની બસ મળે એવા કોઈ બસસ્ટેન્ડે સંસ્થાની ગાડીમાં મૂકી ગયા. મને પડનારી અનેક અગવડોની કલ્પનાથી એ સજ્જન ઘણા દુઃખી હતા. બુદ્ધ ભગવાને ભલે કહ્યું, દુઃખ છે, દુઃખનો ઉપાય છે, પણ કેટલાંક દુઃખોનો – ખાસ કરીને સામે ચાલીને નોતરેલાં દુઃખોનો કોઈ ઉપાય નથી હોતો!
અમદાવાદ પહોંચવા માટે ત્રણ બસો મળવાની હતી. બે બસો ભરેલી આવી એટલે હું ન ચડ્યો. વિચાર કરીને ન ચડ્યો. ત્રીજી બસ એના સમયે ન આવી. કોઈએ કહ્યુંઃ કદાચ કેન્સલ પણ થઈ હોય. મને થયુંઃ બે બસમાંથી એકમાં ચડી ગયો હોત તો કેટલું સારું થાત! સંસ્કૃતમાં એક શ્લોક છેઃ જે નિશ્ચિત છે તે છોડીને જે અનિશ્ચિત છે એનો વિચાર ન કરવો.’ આ શ્લોક મેં શાળામાં મારા વિદ્યાર્થીઓને કેટલાંય વર્ષ સુધી શીખવેલો, પણ જીવનમાં આનો અમલ ભાગ્યે જ કરી શક્યો છું. અમદાવાદ જવા માટેની બસો જતી રહી હતી, જે બસ હવે પછી આવવાની હતી તેને માટે રાહ જોઈ, પણ, એ બસ ક્યાંય સુધી ન આવી. ડગલે ને પગલે વૈધવ્યપ્રાપ્તિ પછી ડહાપણનો ઉદ્ભવ…!
છેવટે, મોડી-મોડી પણ બસ આવી. પૂર્વવિસ્તારમાં આ બસ લક્ઝરી બસ તરીકે ઓળખાતી હશે એવું એનાં પ્રથમ દર્શન પરથી લાગતું હતું, પણ લક્ઝરી બસમાં બેસવાની જગ્યા હોય એટલા જ પેસેન્જરો લેવાતા હતા, જ્યારે આ બસમાં કેટલાક પેસેન્જરો તો તે વખતે જ ઊભેલા હતા. ડિગ્રેડ થયેલી બસમાં હું ચડ્યો. મારું વીલું મોં જોઈને કંડક્ટરને લાગ્યું હશે કે આ માણસ અમદાવાદ સુધી ઊભો રહેશે તો બસમાંથી ઊતરતાંવેંત સૂઈ જશે એટલે એણે મને ચેતવ્યો. બસમાં બેસવાની જગ્યા નથી. હું પણ એ જાણતો જ હતો, પણ હવે બસમાં ચડ્યા વગર છૂટકો નહોતો. હું બસમાં ચડ્યો, પછી મારી પાસેના બે થેલા ઉપરાઉપરી મૂકી એના પર બેઠો. એકસરખા દિવસ કોઈના જાતા નથી એવું જૂની રંગભૂમિનું એક ગીત છે. ગઈ કાલે ટ્રેનના ફર્સ્ટક્લાસના ડબ્બામાંથી કચ્છની ધરતી પર ઊતર્યો હતો, આજે ખખડી ગયેલી બસમાં થેલા પર બેઠો હતો! છેક હળવદ સુધી એ થેલાસન પર બિરાજમાન રહ્યો! હળવદ આવ્યું. બાજુની જ સીટ ખાલી થઈ. એના પર બેઠો, પણ જ્યાં જાય ઊકો ત્યાં દરિયો સૂકો! બસ હળવદથી થોડેક આગળ ગઈ કે બસમાં પંક્ચર પડ્યું! કંડક્ટરે બધા પેસેન્જરોની ટિકિટ પર હસ્તાક્ષર કરી આપ્યા ને પસાર થતી કોઈ પણ બસમાં જતા રહેવાની સલાહ આપી.
દીર્ઘદષ્ટિવાળા અર્ધા મુસાફરો પહેલી આવેલી બસમાં જતા રહ્યા. બાકી વધેલામાં તુલનાત્મક રીતે શાણા કહેવાય એવા પેસેન્જરો પછી આવેલી બસમાં ગયા. બધાંને બેસવાની જગ્યા મળી ગઈ હતી એ મેં જોયું હતું. છેલ્લે વધેલા મારા જેવા ત્રણ-ચાર મુસાફરોને કંડક્ટરે કહ્યું, તમે કોઈ પણ બસમાં જતા રહો. ટાયર બદલવા માટેનું પાનું લેવા ડ્રાઇવર હળવદ ગયા છે, એ આવશે પછી ટાયર બદલશે એમાં સમય જશે. ત્રીજી બસ આવી. અમે દોડ્યા. સ્વાભાવિક રીતે જ દોડવામાં હું પાછળ રહ્યો. બસમાં જોયું તો મારા એક માટે જ બેસવાની જગ્યા નહોતી! ફરી થેલાસનનું નિર્માણ કરી એના પર બેઠો.
પહેલો વિચાર શું આવ્યો હશે, કહો જોઈએ? હા એ જ, આગળની એકાદ બસમાં જતો રહ્યો હોત તો કેવું સારું થાત!

લેખકના પુસ્તક મોજમાં રેવું રે!માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here